Sheikh Hasina : બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીના 5 ઓગસ્ટ 2024ના રોજ હિંસાના કારણે પોતાનો દેશ છોડીને ભારત આવી ગયા હતા. ત્યારથી તે ભારતમાં શરણ લઇ રહ્યા છે. બાંગ્લાદેશમાં હાલ મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર સત્તામાં છે. મોહમ્મદ યુનુસની સરકાર હાલમાં શેખ હસીના સામે ફોજદારી કેસ દાખલ કરી રહી છે અને તેના સમર્થકોને સતત હેરાન કરવામાં આવી રહ્યા છે. હવે સમાચાર એ છે કે બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે ભારત સરકારને પત્ર લખીને શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગ કરી છે.
બાંગ્લાદેશની વેબસાઈટ ઢાકા ટ્રિબ્યૂનના એક રિપોર્ટ અનુસાર ગૃહ મંત્રાલયના સલાહકાર લેફ્ટિનેન્ટ જનરલ (રિટાયર્ડ) જહાંગીર આલમ ચૌધરીએ કહ્યું કે પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાની વાપસી માટે વિદેશ મંત્રાલયને પત્ર મોકલવામાં આવ્યો છે. તેમણે આ માહિતી ઢાકામાં બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશના મુખ્યાલયમાં આપી હતી.
તેમણે કહ્યું કે વિદેશ મંત્રાલયને પત્ર મોકલવામાં આવ્યો છે. પ્રત્યાર્પણની પ્રક્રિયા ચાલી રહી છે. શેખ હસીનાને કેવી રીતે પરત લાવવામાં આવશે તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે ભારત સાથે અમારો પ્રિજનર એક્સચેંજ એગ્રીમેન્ટ. આ કરાર હેઠળ કરવામાં આવશે.
બાંગ્લાદેશ પર ત્રિપુરાના વીજળી બીલના 200 કરોડ રૂપિયા બાકી
બાંગ્લાદેશ પર ત્રિપુરાના વીજળી બીલના 200 કરોડ રૂપિયા બાકી છે. મુખ્યમંત્રી માણિક સાહાએ સોમવારે કહ્યું હતું કે પડોશી દેશમાં વીજ પુરવઠો બંધ કરવા અંગે હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ત્રિપુરા રાજ્ય વિદ્યુત નિગમ લિમિટેડ એનટીપીસી વિદ્યુત વ્યાપાર નિગમ લિમિટેડ દ્વારા પાડોશી દેશને 60-70 મેગાવોટ વીજળી સપ્લાય કરે છે. આ માટે બાંગ્લાદેશ પાવર ડેવલપમેન્ટ બોર્ડ સાથે કરાર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો – એસ. જયશંકરે વિશ્વને આપ્યો મોટો સંદેશ, ‘અમે બીજાને અમારા નિર્ણયો પર વીટો લગાવવાની મંજૂરી આપી શકીએ નહીં’
માણિક સાહાએ પીટીઆઈ-ભાષાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે બાંગ્લાદેશે અમને વીજ પુરવઠા માટે આશરે 200 કરોડ રૂપિયા ચૂકવ્યા નથી. બાકી નીકળતી રકમ દરરોજ વધી રહી છે. અમે આશા રાખીએ છીએ કે તેઓ તેમની બાકી નીકળતી રકમ ચૂકવી દેશે જેથી વીજ પુરવઠો ખોરવાય નહીં.
જો બાંગ્લાદેશ બાકી નીકળતી રકમ ચૂકવવામાં નિષ્ફળ જશે તો શું ત્રિપુરા સરકાર વીજ પુરવઠો બંધ કરી દેશે તેવા સવાલના જવાબમાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે આ અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેમણે કહ્યું કે ત્રિપુરામાં વીજ ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવા માટેની ઘણી મશીનરી બાંગ્લાદેશી પ્રદેશ દ્વારા અથવા ચિત્તાગોંગ બંદર દ્વારા લાવવામાં આવી હતી. આવી સ્થિતિમાં કૃતજ્ઞતાના કારણે ત્રિપુરા સરકારે એક સમજૂતી બાદ દેશને વીજળી પહોંચાડવાનું શરૂ કર્યું હતું.
બિલ નહીં ચૂકવાય તો વીજળી કપાશે?
સીએમ માણિક સાહાએ કહ્યું કે પરંતુ, મને ખબર નથી કે જો તેઓ બાકી નીકળતી રકમ ચૂકવશે નહીં તો અમે કેટલા સમય સુધી બાંગ્લાદેશને વીજ પુરવઠો પૂરો પાડવાનું ચાલુ રાખી શકીશું. ત્રિપુરાએ માર્ચ 2016માં બાંગ્લાદેશને વીજળી પહોંચાડવાનું શરૂ કર્યું હતું. દક્ષિણી ત્રિપુરાના પલાટાણા ખાતે આવેલી સરકારી માલિકીની ઓએનજીસી ત્રિપુરા પાવર કંપની (ઓટીપીસી)ના ગેસ આધારિત 726 મેગાવોટની ઉત્પાદન ક્ષમતા ધરાવતા પાવર પ્લાન્ટમાં વીજળીનું ઉત્પાદન થાય છે.





