Bharat Gaurav Deluxe Train : બદ્રીનાથ, જગન્નાથ પુરી, રામેશ્વરમ અને દ્વારકા દેશની ચાર દિશામાં સ્થિત ચાર પવિત્ર સ્થળો છે જ્યાં દરેક ભારતીય જવાની ઇચ્છા રાખે છે. દેશના આ ચાર ધામોની યાત્રા ટ્રેન દ્વારા શક્ય છે. આ માટે ભારતીય રેલવે દ્વારા ભારત ગૌરવ ડીલક્સ ટૂરિસ્ટ ટ્રેન ચલાવવામાં આવી રહી છે. ભારતીય રેલવે ચાર ધામોને જોડવા માટે આ પહેલા બે વાર ભારત ગૌરવ ડિલક્સ ટૂરિસ્ટ ટ્રેન ચલાવી ચૂક્યું છે. આ વર્ષે દિલ્હીના સફદરજંગ રેલવે સ્ટેશનથી 27 મે થી 17 દિવસની ચાર ધામ ભારત ગૌરવ ડીલક્સ યાત્રાની શરૂઆત થશે.
17 દિવસની યાત્રા દરમિયાન 8425 કિલોમીટરનું અંતર કાપશે
આ અંતર્ગત બદ્રીનાથ, માના ગામ, નરસિંહ મંદિર, જોશીમઠ, ઋષિકેશ, જગન્નાથ મંદિર, પુરી બીચ, કોણાર્ક સૂર્ય મંદિર, ચંદ્રભાગા બીચ, રામેશ્વરમમાં રામનાથ સ્વામી મંદિર અને ધનુષકોડી અને દ્વારકામાં દ્વારકાધીશ મંદિર, નાગેશ્વર જ્યોતિર્લિંગ અને બેટ દ્વારકા જેવા સ્થળોનું ભ્રમણ કરાવવામાં આવશે. આ યાત્રા પર જનારા પ્રવાસીઓને વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર, પૂણેમાં ભીમાશંકર મંદિર અને નાસિકમાં ત્રંબકેશ્વર મંદિરની પણ મુલાકાત કરાવવામાં આવશે. 17 દિવસની યાત્રા દરમિયાન બધા શ્રદ્ધાળુઓ 8425 કિલોમીટરનું અંતર કાપશે.
ટ્રેનમાં ઘણી આધુનિક આરામદાયક સુવિધાઓ
ઉલ્લેખનીય છે કે ભારત ગૌરવ ડીલક્સ એસી ટૂરિસ્ટ ટ્રેનમાં ઘણી આધુનિક આરામદાયક સુવિધાઓ ઉમેરવામાં આવી છે, જેમાં બે ડાઇનિંગ રેસ્ટોરન્ટ, એક મોર્ડન રસોડું અને સ્નામ કરવા માટે ક્યુબિક બાથરૂમનો સમાવેશ થાય છે. બધા કોચમાં બાયો-ટોઇલેટ સાથેના વોશરૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. મુસાફરોની સુવિધા માટે ફૂટ મસાજર્સ પણ લગાવવામાં આવ્યા છે. આ સંપૂર્ણપણે વાતાનુકૂલિત ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી અને થર્ડ એસીમાં ટિકિટ બુક કરાવી શકાય છે.
આ પણ વાંચો – બાળકોને વોટરપાર્ક લઇ જતા પહેલા જાણી લો આ 5 સેફ્ટી ટિપ્સ, ઘણી કામ લાગશે
ટ્રેનમાં બુકિંગ માટે 150 સીટો ઉપલબ્ધ
ટ્રેનમાં મુસાફરોની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા અને સુરક્ષા ગાર્ડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ટ્રેન ભારતીય રેલ કેટરિંગ અને ટુરિઝમ કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવશે. ટિકિટનું વેચાણ IRCTC વેબસાઇટ પર જ કરવામાં આવશે. આ માટે એક પેકેજ રેટ નક્કી કરવામાં આવ્યો છે જેમાં મુસાફરી ટિકિટની સાથે ત્રણ સ્ટાર હોટલમાં રોકાણ, દિવસમાં ત્રણ ટાઇમનું ભોજન, સંપૂર્ણ જોવાલાયક સ્થળોની વ્યવસ્થા, મુસાફરી વીમો અને ટૂર મેનેજરની સેવાનો સમાવેશ થાય છે. આ ટ્રેનમાં બુકિંગ માટે 150 સીટો ઉપલબ્ધ છે જે વહેલા તે પહેલાના ધોરણે બુક કરવામાં આવશે.
ટ્રેન અંગેની વિગતવાર માહિતી ઇન્ડિયન રેલ કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશનની વેબસાઇટ અને તેમના વેબ પોર્ટલ પર ઉપલબ્ધ છે. ભારતીય રેલવેના માહિતી અને પ્રચારના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર દિલીપ કુમારે જણાવ્યું હતું કે દેશના મહત્વપૂર્ણ પર્યટન સ્થળોને જોડવાના ઉદ્દેશ્યથી ભારત ગૌરવ ટૂરિસ્ટ ટ્રેન ચલાવવામાં આવે છે. આ ટ્રેનોના સંચાલનથી, વિવિધ ધાર્મિક અને પર્યટન સ્થળોની મુલાકાત લેવાનું સરળ બન્યું છે.