/indian-express-gujarati/media/media_files/2026/01/21/india-bangladesh-tension-2026-01-21-12-36-18.jpg)
ભારત બાંગ્લાદેશ સંબંધો તણાવપૂર્ણ Photograph: (Jansatta)
India Bangladesh Tension News: ભારત બાંગ્લાદેશ તણાવપૂર્ણ સંબંધો વચ્ચે ભારતે મંગળવારે સુરક્ષાને લઇને પાડોશી દેશ બાંગ્લાદેશમાં તૈનાત ભારતીય અધિકારીઓના પરિવારોને પાછા બોલાવવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે બાંગ્લાદેશમાં 12 ફેબ્રુઆરીએ લોકસભાની ચૂંટણી યોજાવાની છે અને ત્યાં તણાવપૂર્ણ સ્થિતિ છે.
સૂત્રોએ જણાવ્યું કે, સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલા તરીકે અમે હાઈ કમિશન અને અન્ય પદો પર તૈનાત અધિકારીઓના પરિવારોને ભારત પાછા ફરવાની સલાહ આપી છે. તેમણે વધુમાં સ્પષ્ટતા કરી કે, બાંગ્લાદેશમાં મિશન કામ કરવાનું ચાલુ રાખશે.
અધિકારીઓના પરિવારો ક્યારે પાછા ફરશે અને તેઓ ભારત પાછા ફરશે કે કેમ તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. ઢાકામાં હાઇ કમિશન ઉપરાંત ચટ્ટોગ્રામ, ખુલના, રાજશાહી અને સિલહટમાં પણ ભારતની રાજદ્વારી પોસ્ટ છે.
ભારત બાંગ્લાદેશ સંબંધો તણાવપૂર્ણ
શેખ હસીના શાસનના પતન બાદ 2024 માં મુહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકાર સત્તામાં આવી ત્યારથી ભારત બાંગ્લાદેશ વચ્ચે સંબંધો તણાવપૂર્ણ છે. તાજેતરના વિરોધ પ્રદર્શનને પગલે બંને પક્ષોએ તેમના દૂતાવાસોમાં સુરક્ષા વધારી દીધી છે.
આ પણ વાંચો | બાંગ્લાદેશમાં શાંતિ ત્યારે જ આવશે જ્યારે ભારતના ટુકડા થશે… નિવૃત્ત આર્મી જનરલે ઝેર ઓંક્યું
12 ડિસેમ્બરે વિદ્યાર્થી નેતા શરીફ ઉસ્માન હાદીના નિધન બાદ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના અનેક કેસ સામે આવ્યા છે. ભારતે હિંસા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને બાંગ્લાદેશને દેશમાં સાંપ્રદાયિક ઘટનાઓ સામે કડક રીતે કાર્યવાહી કરવા હાકલ કરી હતી.
આ પણ વાંચો | પાકિસ્તાન કે બાંગ્લાદેશ: હિન્દુઓ ક્યાં વધુ અત્યાચારનો સામનો કરી રહ્યા છે?
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, અમે ઉગ્રવાદીઓ દ્વારા લઘુમતીઓ તેમજ તેમના ઘરો અને વ્યવસાયો પર વારંવાર હુમલાની ચિંતાજનક શ્રેણી જોઈ રહ્યા છીએ. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આવી ઘટનાઓને વ્યક્તિગત વિવાદો સાથે જોડવાના પ્રયાસો માત્ર ગુનેગારોને હિંમત આપે છે અને લઘુમતી સમુદાયોમાં અસલામતી વધારે છે.
બાંગ્લાદેશમાં 12 ફેબ્રુઆરીએ ચૂંટણી
બાંગ્લાદેશમાં 12 ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણી યોજાવાની છે. ભારતે બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી) સાથે સંપર્ક વધાર્યો છે, જે ચૂંટણીમાં એકમાત્ર સૌથી મોટી પાર્ટી બનવાની સંભાવના છે.
આ પણ વાંચો | જયશંકરે તારિક રહમાનને આપ્યો પીએમ મોદીનો મેસેજ, જાણો ચિઠ્ઠીમાં શું શું લખ્યું હતું?
વિદેશ પ્રધાન એસ જયશંકરે તાજેતરમાં જ પૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયાના અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી અને તેમના પુત્ર તારિક રહેમાનને મળ્યા હતા. જેને બીએનપી સાથેના સંબંધો સુધારવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us