BJP Bihar Candidates List : ભારતીય જનતા પાર્ટીએ બિહાર વિધાનસભા ચૂંટણી માટે 71 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. એનડીએમાં સીટ શેરિંગ પહેલા જ ફાઇનલ થઇ ગઇ છે અને ભાજપ 101 બેઠકો પર ચૂંટણી લડી રહ્યું છે. હવે ઉમેદવારોની પહેલી યાદી પણ જાહેર થઈ ગઈ છે. ભાજપ બિહાર અધ્યક્ષે પહેલા જ આ વાતનો સંકેત આપી દીધો હતો.
ભાજપે જાહેર કરેલી પ્રથમ યાદીમાં ઘણા મોટા નામો છે. ભાજપે તારાપુરથી ઉપ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને ટિકિટ આપી છે. 2021ની પેટાચૂંટણીમાં આ બેઠક જેડી-યુના રાજીવ કુમાર સિંહે જીતી હતી. લખીસરાયથી વિજય સિન્હા, સિવાનથી મંગલ પાંડે અને દાનાપુરથી રામ કૃપાલ યાદવને ટિકિટ આપી છે.
ભાજપની પહેલી યાદીમાં 9 મહિલાઓ
ભાજપની પહેલી યાદીમાં કુલ 9 મહિલાઓને ટિકિટ આપી છે. જેમાં બિહારના પશુ અને મત્સ્ય સંસાધન મંત્રી રેણુ દેવીનો પણ સમાવેશ થાય છે, જેમને બેતિયાહથી ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. યાદીમાં અન્ય મહિલાઓ સ્વીટી સિંહ (કિશનગંજ), ગાયત્રી દેવી (પરિહાર), દેવંતી યાદવ (નરપતગંજ), રમા નિષાદ (ઔરાઈ), નિશા સિંહ (પ્રાણપુર), કવિતા દેવી (કોર્હા), અરુણા દેવી (વારસાલીગંજ) અને શ્રેયસી સિંહ (જમુઈ) સામેલ છે.
આ પણ વાંચો – બિહાર ઓપિનિયન પોલ : બિહારમાં કોની બનશે સરકાર, કોણ સૌથી મનપસંદ સીએમ
અન્ય નોંધપાત્ર નામોમાં માર્ગ બાંધકામ મંત્રી નીતિન નવીન બાંકીપુર બેઠક પરથી ચૂંટણી લડશે. ભાજપે ભાગલપુર અને બેગુસરાયથી અનુક્રમે રોહિત પાંડે અને કુંદન કુમારને ટિકિટ આપી છે. 2020માં બિહારની ચૂંટણીમાં પાંડે ભાગલપુર બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય પક્ષના નેતા અજિત કુમાર સામે હારી ગયા હતા.
બિહારમાં 243 વિધાનસભા બેઠકો છે અને 6 અને 11 નવેમ્બરે મતદાન થશે. જ્યારે 14 નવેમ્બરે મતગણતરી સાથે તે સ્પષ્ટ થઈ જશે કે બિહારની જનતાએ કોને જનાદેશ આપ્યો છે.