Dularchand Yadav Case : બિહાર વિધાનસભા ચૂંટણીના મતદાનના થોડા દિવસો પહેલા મોકામામાં જનસુરાજ પાર્ટીના સમર્થક દુલારચંદ યાદવની હત્યાનો મામલો રાજકીય ચર્ચાનો વિષય બન્યો છે. વિપક્ષી મહાગઠબંધનના નેતાઓએ આ હત્યાકાંડ અંગે ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવ્યા હતા. હવે ચૂંટણી પંચે મોકામાના અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરી છે. આયોગે તાત્કાલિક અસરથી બાઢ અને મોકામાના ત્રણ અધિકારીઓની બદલી કરી છે અને એક અધિકારીને સસ્પેન્ડ કર્યા છે.
આ સિવાય ચૂંટણી પંચે બિહારના ડીજીપી વિનય કુમાર પાસેથી દુલારચંદ યાદવ હત્યા કેસમાં રવિવારે બપોરે 12 વાગ્યા સુધીમાં કરવામાં આવેલી અત્યાર સુધીની કાર્યવાહી અંગે વિગતવાર અહેવાલ માંગ્યો છે. તમને જણાવી દઈએ કે વિપક્ષી મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર અને આરજેડી નેતા તેજસ્વી યાદવે આ હત્યા અંગે ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે મોકામા બેઠક પરથી ધારાસભ્ય અને જેડીયુના ઉમેદવાર અનંત સિંહ વિરુદ્ધ કાર્યવાહી ન થવા પર પણ નારાજગી વ્યક્ત કરી હતી.
ચૂંટણી પંચે શું-શું કાર્યવાહી કરી?
આ કેસમાં ચૂંટણી પંચે આજે એક મહત્વપૂર્ણ નિર્દેશ જારી કર્યો હતો અને બાઢના સબ ડિવિઝનલ ઓફિસર, મોકામા વિધાનસભા મત વિસ્તારના રિટર્નિંગ અધિકારી ચંદન કુમારને પદથી હટાવી દીધા છે. તેમની જગ્યાએ આઈએએસ આશિષ કુમારને આ પદ આપવામાં આવ્યું છે, જે હાલમાં પટના મ્યુનિસિપલ કોર્પોરેશનના એડિશનલ મ્યુનિસિપલ કમિશનર છે. આ સિવાય ચૂંટણી પંચે બાઢ-1ના એસડીપીઓ રાકેશ કુમાર અને બાઢ-2ના સીડીપીઓ અભિષેક સિંહની પણ બદલી કરી છે.
આ પણ વાંચો – અમિત શાહે કહ્યું – આરજેડી સત્તામાં આવશે તો જંગલ રાજ પાછું આવશે
આ બંનેની જગ્યાએ ચૂંટણી પંચે 2022 આરઆર બેચના આનંદ કુમાર સિંહ અને આયુષ શ્રીવાસ્તવની નિમણૂક કરી છે. ચૂંટણી પંચે હટાવવામાં આવેલા ત્રણેય અધિકારીઓ સામે શિસ્તભંગની કાર્યવાહી માટે સૂચનાઓ પણ જારી કરી છે. આ સમગ્ર પ્રકરણ પર પટના ગ્રામીણ પોલીસ અધિક્ષક એટલે કે એસપીએ જણાવ્યું હતું કે આ જ કેસમાં બે એસએચઓ ઘોસવારી એસએચઓ મધુસૂદન કુમાર અને ભદૌર એસએચઓ રવિ રંજનને સસ્પેન્ડ કર્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.
દુલારચંદ યાદવના હત્યાનો કેસ શું છે?
30 ઓક્ટોબર 2025ના રોજ ચૂંટણી પ્રચાર દરમિયાન બે હરીફ જૂથો વચ્ચે થયેલી ગોળીબારમાં દુલારચંદ યાદવનું મોત થયું હતું. પોલીસે આ કેસમાં ત્રણ એફઆઈઆર નોંધી હતી અને બે શંકાસ્પદ લોકોની ધરપકડ કરી હતી.





