Bihar Assembly Election Opinion Poll 2025 : બિહાર વિધાનસભાની ચૂંટણીને લઈને તાજેતરમાં હાથ ધરવામાં આવેલા ઓપિનિયન પોલમાં લોકોનો અભિપ્રાય સામે આવ્યો છે કે રાજ્યમાં કોણ સરકાર બનાવી શકે છે અને મુખ્યમંત્રીના ચહેરા તરીકે રાજ્યમાં સૌથી વધુ લોકપ્રિય નેતા કોણ છે.
સી વોટર દ્વારા કરવામાં આવેલા ઓપિનિયન પોલ મુજબ ભાજપ અને જેડીયુની આગેવાની હેઠળના એનડીએ ગઠબંધન રાજ્યમાં સત્તા જાળવી શકે છે અને 40 ટકા મત મેળવી શકે છે.
ઓપિનિયન પોલ અનુસાર આરજેડીની આગેવાની હેઠળના મહાગઠબંધનને સરકાર બનાવવાની સંભાવના 38.3 ટકા છે. જ્યારે બિહારમાં પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી લડી રહેલી પ્રશાંત કિશોરની જન સૂરાજ પાર્ટી 13.3 ટકા મત સાથે ત્રીજા નંબર પર રહી શકે છે.
તેજસ્વી યાદવ સૌથી આગળ
સી વોટરના ઓપિનિયન પોલમાં જણાવવામાં આવ્યું છે કે મુખ્યમંત્રીના રુપમાં બિહારની જનતાને સૌથી વધુ કયા નેતા પસંદ આવ્યા છે. જેમાં વિધાનસભામાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવ સૌથી આગળ છે. તેજસ્વી યાદવને 36.20 ટકા લોકોએ મુખ્યમંત્રીના ચહેરા તરીકે પસંદ કર્યા છે. જ્યારે પ્રશાંત કિશોર 23.20 ટકા મત સાથે બીજા ક્રમે છે.
આ પણ વાંચો – ભોજપુરી ગાયક પવન સિંહ બિહાર વિધાનસભા ચૂંટણી નહીં લડે, “હું પાર્ટીનો સાચો સૈનિક છું.”
મુખ્યમંત્રી નીતીશ કુમાર આ મામલે ઘણા પાછળ રહી ગયા છે અને માત્ર 15.90 ટકા લોકો જ તેમને બિહારના મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે. મુખ્યમંત્રીના ચહેરા પર કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનને પસંદ કરનારાઓની સંખ્યા 8.80 ટકા છે.
સમસ્યાઓનું નિરાકરણ કોણ લાવશે?
સી વોટરના ઓપિનિયન પોલમાં જ્યારે લોકોને પૂછવામાં આવ્યું કે બિહારની સમસ્યાઓ કોણ હલ કરી શકે છે. ત્યારે 36.5 ટકા લોકોએ મહાગઠબંધન પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, જ્યારે 34.3 ટકા લોકોએ એનડીએ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 12.8 ટકા મતદારોએ જન સૂરાજ પાર્ટીના પક્ષમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બિહારમાં 9.4 ટકા લોકો એવું પણ માને છે કે કોઈ પણ રાજકીય પક્ષ કે ગઠબંધન બિહારની સમસ્યાઓનું નિરાકરણ લાવી શકશે નહીં.
બિહારમાં 243 વિધાનસભા બેઠકો છે અને 6 અને 11 નવેમ્બરે મતદાન થશે. જ્યારે 14 નવેમ્બરે મતગણતરી સાથે તે સ્પષ્ટ થઈ જશે કે બિહારની જનતાએ કોને જનાદેશ આપ્યો છે.