Bihar Assembly Election 2025 : બિહાર વિધાનસભા ચૂંટણી 2025 માટે ઉમેદવારી પત્રોની તપાસ દરમિયાન મહાગઠબંધનના દળ વિકાસશીલ ઇન્સાન પાર્ટી (વીઆઈપી)ને ભારે ઝટકો લાગ્યો છે. ચૂંટણી પંચે પૂર્વ ચંપારણની સુગૌલી વિધાનસભા બેઠક પરથી વીઆઈપી ઉમેદવાર શશિભૂષણ સિંહનું નામાંકન રદ કરી દીધું છે. આ પાછળ ટેક્નિકલ કારણોનો હવાલો આપવામાં આવ્યો છે.
બિહાર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. બીજા તબક્કા માટે ઉમેદવારીપત્રોની ચકાસણી હાલમાં ચાલી રહી છે. ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 23 ઓક્ટોબર છે. આ દરમિયાન ચૂંટણી પંચના અધિકારીઓ દ્વારા ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવી ત્યારે સુગૌલી વિધાનસભા બેઠક પરથી શશિભૂષણ સિંહનું નામાંકન અધૂરું જણાયું હતું.
શશિભૂષણ સિંહ 2020ની ચૂંટણી જીત્યા હતા
2020ની વિધાનસભા ચૂંટણીમાં શશિભૂષણ સિંહ આ બેઠક પરથી આરજેડીની ટિકિટ પર ચૂંટણી લડીને જીત્યા હતા, પરંતુ આ વખતે તેઓ વીઆઈપી ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા હતા. વીઆઈપી રજિસ્ટર્ડ પ્રાદેશિક રાજકીય પક્ષ ન હોવાથી શશિભૂષણ સિંહે 10 પ્રસ્તાવકો સાથે રિટર્નિંગ ઓફિસર પાસે પોતાનું ઉમેદવારી પત્ર જમા કરાવવાનું હતું, પરંતુ તેમણે માત્ર એક પ્રસ્તાવક પાસે પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું.
જ્યારે ચૂંટણી પંચે તેમના ઉમેદવારી પત્રોની તપાસ કરી, ત્યારે તેમને તેમાં ઘણી ખામીઓ મળી અને તે પછી તેને રદ કરી દેવામાં આવ્યું હતું. આરજેડીના બળવાખોર ઉમેદવાર ઓમ પ્રકાશ ચૌધરીનું નામાંકન પણ રદ કરવામાં આવ્યું હતું. આ કારણે મહાગઠબંધનની મુશ્કેલીઓ વધી ગઈ છે.
આ પણ વાંચો – બિહાર વિધાનસભા ચૂંટણી 2025 : નીતિશ કુમાર, ચિરાગ પાસવાને મુસ્લિમોને ઓછી ટિકિટો કેમ આપી, જાણો
એનડીએનો રસ્તો થયો આસાન
શશિ ભૂષણ સિંહનું નામાંકન રદ થવાથી આ બેઠક પર એનડીએનો રસ્તો સરળ બની ગયો છે. હવે આ બેઠક પર ચૂંટણી સ્પર્ધા એનડીએના લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના બબલુ ગુપ્તા અને જન સૂરજ પાર્ટીના ઉમેદવાર વચ્ચે છે.
બિહાર વિધાનસભાની ચૂંટણી 6 અને 11 નવેમ્બરના રોજ બે તબક્કામાં યોજાશે અને પરિણામ 14 નવેમ્બરે જાહેર કરવામાં આવશે.