Bihar Assembly Election 2025 : બિહાર વિધાનસભા ચૂંટણી દરમિયાન સમસ્તીપુરની એક શાળા નજીક રસ્તાની બાજુમાં મળેલી વીવીપીએટી સ્લિપને લઇને આરજેડીએ ચૂંટણી પંચ અને પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યા હતા. આ મુદ્દે ચૂંટણી પંચ એક્શનમાં આવ્યું છે અને AROને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
આ કેસ બિહારના સમસ્તીપુર જિલ્લાના સરાયગંજ વિધાનસભા મત વિસ્તારના કેએસઆર કોલેજ નજીકનો છે, જ્યાં મોટી સંખ્યામાં ઇવીએમમાંથી નીકળતી વીવીપેટ સ્લિપ રસ્તાની બાજુમાં પડી મળી આવી હતી. વિપક્ષી પાર્ટી રાષ્ટ્રીય જનતા દળે ચૂંટણી પંચ અને ચૂંટણી પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યા હતા. આ પછી હવે ચૂંટણી પંચે આ મામલે કાર્યવાહી કરી છે.
ચૂંટણી પંચે તપાસના આદેશ આપ્યા
આ ઘટના સામે આવ્યા બાદ ચૂંટણી પંચે શનિવારે તપાસના આદેશ આપ્યા હતા. આ સ્લિપની ઓળખ વિશે વાત કરતાં પંચ કહે છે કે આ સ્લિપનો ઉપયોગ મોક પોલ માટે કરવામાં આવ્યો હતો. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે સમસ્તીપુરના જિલ્લા મેજિસ્ટ્રેટને ઘટના સ્થળની મુલાકાત લેવા અને તપાસ કરવા નિર્દેશ આપ્યો છે.
ચૂંટણી પંચે આશ્વાસન આપ્યું
આ કેસમાં ચૂંટણી પંચે કહ્યું કે સમસ્તીપુરના જિલ્લા મેજિસ્ટ્રેટને ઘટના સ્થળે જઈને તપાસ કરવા સૂચના આપવામાં આવી છે. આ મોક પોલની વીવીપેટ સ્લિપ છે, તેથી મતદાન પ્રક્રિયાની પવિત્રતા યથાવત્ છે. જિલ્લા મેજિસ્ટ્રેટે ચૂંટણી લડી રહેલા ઉમેદવારોને પણ જાણ કરી છે. જોકે સંબંધિત સહાયક રિટર્નિંગ ઓફિસર (એઆરઓ) ને બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેમની વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધવામાં આવી છે.
આ પણ વાંચો – બિહારમાં પ્રથમ તબક્કામાં કેમ થયું રેકોર્ડ મતદાન? પ્રશાંત કિશોરે બે મોટા કારણ જણાવ્યા
સમસ્તીપુરના ડીએમએ શું કહ્યું?
સમસ્તીપુરના જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લા ચૂંટણી અધિકારી (ડીઇઓ) રોશન કુશવાહાએ જણાવ્યું હતું કે તેમને સરાયરંજન વિધાનસભા મત વિસ્તારમાં કેટલીક વીવીપીએટી સ્લિપ મળી હોવાની માહિતી મળી હતી. તેમણે કહ્યું કે આ કમિશનિંગ અને ડિસ્પેચ સેન્ટરમાં મળી આવ્યા હતા. તેમણે કહ્યું કે વહીવટીતંત્રે આ સ્લિપ્સ જપ્ત કરી છે. બેદરકારી માટે જવાબદાર લોકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી રહી છે.
મોક પોલની સમગ્ર પ્રક્રિયા સમજાવી
મળી આવેલી સ્લિપના મુદ્દે ડીએમએ જણાવ્યું હતું કે કમિશનિંગ પ્રક્રિયા દરમિયાન 5 ટકા મતદાન મશીનો પર મોક પોલ કરવામાં આવે છે, જેમાંથી દરેકમાં લગભગ 1,000 વોટ સાથે ટ્રાયલ બેઝ હાથ ધરવામાં આવે છે. આ સિવાય કમિશનિંગ દરમિયાન દરેક ઉમેદવારના બટન દબાવીને એ ચકાસવામાં આવે છે કે સાચું મતદાન ચિહ્ન લોડ છે કે નહીં. આ મોક પોલમાંથી મોટી સંખ્યામાં વીવીપીએટી સ્લિપ જનરેટ થાય છે. તેમાંથી કેટલીક કટ અને કેટલીક અનકટ સ્લિપ્સ મળી આવી છે. આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને દોષિતો સામે એફઆઈઆર નોંધવામાં આવશે.





