બિહાર વિધાનસભા ચૂંટણી : 2020માં ખરાબ પ્રદર્શન બાદ નીતિશ કુમારની વાપસી, કેવી રીતે લખાઇ JDU ની વિજય ગાથા?

Bihar Assembly Election Result 2025 : બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો ચોક્કસપણે અપ્રત્યાક્ષિત છે, પરંતુ નીતિશ કુમારની વાપસી તેથી પણ વધુ રસપ્રદ રાજકીય કહાની વ્યક્ત કરે છે. સતત 20 વર્ષ સુધી બિહારના રાજકારણમાં પ્રભુત્વ ધરાવતા નીતિશ કુમારને લઈને છેલ્લા કેટલાક વર્ષોથી અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી હતી

Written by Ashish Goyal
November 15, 2025 20:46 IST
બિહાર વિધાનસભા ચૂંટણી : 2020માં ખરાબ પ્રદર્શન બાદ નીતિશ કુમારની વાપસી, કેવી રીતે લખાઇ JDU ની વિજય ગાથા?
બિહાર ચૂંટણીમાં નીતિશ કુમારની વાપસી વધુ રસપ્રદ રાજકીય કહાની વ્યક્ત કરે છે

Bihar Assembly Election Result 2025 : બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો ચોક્કસપણે અપ્રત્યાક્ષિત છે, પરંતુ નીતિશ કુમારની વાપસી તેથી પણ વધુ રસપ્રદ રાજકીય કહાની વ્યક્ત કરે છે. સતત 20 વર્ષ સુધી બિહારના રાજકારણમાં પ્રભુત્વ ધરાવતા નીતિશ કુમારને લઈને છેલ્લા કેટલાક વર્ષોથી અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી હતી.

2020ની વિધાનસભા ચૂંટણીમાં જ્યારે જેડીયુ માત્ર 43 બેઠકો પર આવી ગઈ હતી, ત્યારે તેમના રાજકીય અસ્તિત્વ પર સવાલો ઉભા થયા હતા. ભાજપ મોટા ભાઈની ભૂમિકામાં આવી હતી અને સર્વેક્ષણોમાં નીતિશની લોકપ્રિયતા સતત ઘટતી જણાતી હતી. તેજસ્વી યાદવને પણ ખાતરી થઈ ગઈ હતી કે તેઓ બિહારના આગામી મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. પરંતુ આ ચૂંટણીના પરિણામોએ તેજસ્વી યાદવની આશાઓને પંખ આવે તે પહેલા જ કાપી નાખી હતી.

2020માં જેડીયુની ખરાબ પ્રદર્શનનું કારણ ચિરાગ પાસવાન હતો

જેડીયુએ છેલ્લા પાંચ વર્ષમાં જે મહેનત કરી છે અને જે રીતે સંગઠનનું પુનઃનિર્માણ કર્યું છે તે આ પરિણામમાં સ્પષ્ટ છે. 2020 માં જેડીયુને માત્ર 43 બેઠકો મળી હતી, પરંતુ આ વખતે તેણે 85 બેઠકો જીતીને જોરદાર વાપસી કરી છે.

2020ની ચૂંટણીમાં ચિરાગ પાસવાનનો પ્રખ્યાત નારો ‘ભાજપા સે બૈર નહીં, નીતિશ તૈરી ખેર નહીં’એ રાજકીય માહોલ સેટ કરી દીધો હતો. એલજેપી (આરવી) એ તે ચૂંટણીમાં 135 ઉમેદવારો ઉભા રાખ્યા હતા અને તેમની રણનીતિ જેડીયુના મોટાભાગના ઉમેદવારોને સીધું નુકસાન પહોંચાડવાની હતી. ત્યારબાદના વિશ્લેષણમાં જાણવા મળ્યું કે જેડીયુ જેટલી 34 બેઠકો પર હાર્યું હતું તેના કરતાં ચિરાગની પાર્ટીએ વધુ મત મેળવ્યા હતા. જો એલજેપીએ આ બેઠકો પર ઉમેદવારો ઉભા ન રાખ્યા હોત તો જેડીયુની બેઠકો 75થી વધુ થઈ શકતી હતી.

ચિરાગની એનડીએમાં વાપસીથી નીતીશને ફાયદો?

આ ચૂંટણીમાં ચિરાગ પાસવાન એનડીએની સાથે હતા. તેમની પાર્ટીને મળેલા લગભગ 5.5 ટકા મત સીધા-સીધા એનડીએને ટ્રાન્સફર થયા હતા. આનાથી ભાજપ, જેડીયુ અને ગઠબંધનના અન્ય પક્ષોને ફાયદો થયો. જેડીયુની બેઠકોમાં વધારો તેનો સ્પષ્ટ સંકેત છે.

નીતિશના જાતીય જાદુએ કમાલ કરી

નીતિશ કુમાર કુર્મી જાતિના છે, જે બિહારની વસ્તીના લગભગ 3% છે. તેમ છતાં તેઓ 20 વર્ષથી મુખ્યમંત્રી રહ્યા છે. આનું કારણ એ છે કે તેમણે ઘણી મોટી જ્ઞાતિઓ – સવર્ણ, કુશવાહા, પાસવાન, મુસહર, મલ્લાહ વગેરેમાં ઊંડી પકડ બનાવી છે. આ જાતિઓ કોઈ એક પક્ષના કાયમી મતદાર રહેતા નથી, પરંતુ નીતિશે તેમની વચ્ચે સ્થાયી વિશ્વાસ પેદા કર્યો છે. આ ‘સાયલન્ટ વોટ બેંક’એ ફરી એકવાર તેમની જીત સુનિશ્ચિત કરી હતી.

આ પણ વાંચો – શા માટે તેજસ્વી યાદવની આગેવાનીમાં મહાગઠબંધનનો થયો પરાજય, જાણો કારણ

નિષ્ણાંતોનું કહેવું છે કે ભાજપને પણ જેડીયુના આ સ્તરના પ્રદર્શનની અપેક્ષા ન હતી. તેમને લાગ્યું કે જેડીયુની બેઠકો સુધરી શકે છે પરંતુ 101 બેઠકોમાંથી 85 બેઠકો જીતવી અપેક્ષા કરતા વધુ છે. આ માત્ર મોદી ફેક્ટરની અસર જ ન હતી, પરંતુ નીતિશ પરનો વિશ્વાસ પણ એટલો જ મહત્વપૂર્ણ હતો.

2020માં નીતિશને મુખ્યમંત્રીની ખુરશી મળી હતી પણ વધારે સીટ ભાજપ પાસે હોવાથી તેઓ રાજકીય દબાણ હેઠળ હતા. આ વખતે પરિણામોએ આખું ચિત્ર બદલી નાખ્યું છે – જેડીયુ અને ભાજપ હવે સમાન સ્થિતિમાં છે અને મુખ્યમંત્રીની ખુરશી પણ નીતીશ પાસે સુરક્ષિત છે.

મહિલા મત: નીતિશની સૌથી મોટી તાકાત

બીજું મહત્વનું પાસું એ છે કે નીતિશ કુમારે મહિલા મતદારોનો વિશ્વાસ મોટા પાયે જીત્યો છે. અગાઉ તેને નિર્ણાયક માનવામાં આવતો ન હતો, પરંતુ છેલ્લી બે ચૂંટણીમાં મહિલાઓ નીતિશની સૌથી મોટી સહાયક બની છે. મહિલાઓને લગતી ઘણી યોજનાઓ આ ચૂંટણીમાં નિર્ણાયક રહી છે, કેટલીક એવી છે જે છેલ્લા પાંચ વર્ષથી પોતાનો પ્રભાવ પાડી રહી છે. મહિલા રોજગાર યોજના હોય, પેન્શન લાભો હોય કે સાયકલનું વિતરણ હોય, આ તમામ યોજનાઓએ જમીન પર પોતાની અસર દર્શાવી છે. 2020માં ચિરાગ ફેક્ટરથી નુકસાન થયું હતું, પરંતુ 2025માં એનડીએની એકતાએ મહિલા મતોને એનડીએ સાથે મજબૂતીથી રાખ્યા હતા.

ગ્રામીણ વિસ્તારોમાં જેડીયુની મજબૂત પકડ છે

ભાજપનું ચૂંટણી તંત્ર વધુ આક્રમક દેખાય છે, તેમ છતાં જેડીયુનું સંગઠન ગ્રામીણ વિસ્તારોમાં ખૂબ અસરકારક છે. વધુ શોર-શરાબ કર્યા વિના પણ તે ‘સાઇલન્ટ’ રીતે પરિણામોમાં મોટી અસર કરે છે અને આ વખતે પણ તે જ જોવા મળ્યું હતું.

નીતિશની સુશાનનની છાપ જંગલ રાજ પર હાવી

બિહારના મતદારોમાં નીતિશની ‘સુશાસન બાબુ’ની છબી હજુ પણ જીવંત છે અને “જંગલ રાજ” ના નેરેટિવ પર ભારે પડે છે. તેજસ્વી યાદવે ઘણી નોકરીઓનું વચન આપ્યું, યુવાનોને લલચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ નીતિશને અનુભવ, પ્રશાસનિક શાખ અને સુશાસન આ ત્રણ પર નીતિશને લીડ મળી હતી. તેથી જ આ વખતે જેડીયુને જબરદસ્ત લાભ મળ્યો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ