Bihar Assembly Election Result 2025 : બિહાર ચૂંટણીમાં એનડીએએ ઐતિહાસિક પ્રદર્શન કરતા 200થી વધુ બેઠકો જીતી છે. જ્યારે મહાગઠબંધન 35 બેઠકો જીતી શક્યું છે. અહીં પણ આરજેડીનો 25 બેઠકો સાથે ખૂબ જ નિરાશાજનક દેખાવ રહ્યો છે અને કોંગ્રેસ માત્ર 6 બેઠકો પર સમેટાઇ ગઇ છે. એનડીએની શાનદાર જીત બદલ પીએમ મોદીએ તમામ કાર્યકરોને અભિનંદન પાઠવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી સ્થિત ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા. જ્યાં તેમણે કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે ઘણા મુદ્દાઓ પર વાત કરી હતી.મુખ્યમંત્રી નીતીશ કુમારની પ્રશંસા કરી અને ભાજપની રણનીતિનો પણ ઉલ્લેખ કર્યો હતો.
બિહારના લોકોએ ગર્દા ઉડાવી દીધા – પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે આ પ્રચંડ જીત છે, આ અતૂટ વિશ્વાસ… બિહારના લોકોએ ગર્દા ઉડાવી દીધા. અમે એનડીએના લોકો, અમે જનતા જનાર્દનના સેવક છીએ. અમે અમારી મહેનતથી લોકોના દિલ ખુશ કરીએ છીએ અને અમે તો જનતા જનાદર્દનું દિલ ચોરીને બેઠા છીએ, તેથી આજે બિહારે જણાવી દીધું છે કે ફીર એકબાર એનડીએ સરકાર. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં નીતીશ કુમારનો પણ ઉલ્લેખ કર્યો હતો અને ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમણે સારું શાસન આપ્યું છે.
આ પણ વાંચો – શા માટે તેજસ્વી યાદવની આગેવાનીમાં મહાગઠબંધનનો થયો પરાજય, જાણો કારણ
પીએમ મોદીએ કહ્યું કે બિહારની જનતાએ વિકસિત બિહારને મત આપ્યો છે. બિહારની જનતાએ સમૃદ્ધ બિહાર માટે મત આપ્યો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન મેં બિહારની જનતાને રેકોર્ડ મતદાન માટે અનુરોધ કર્યો હતો અને બિહારની જનતાએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. મેં બિહારની જનતાને એનડીએને મોટી જીત અપાવવાનો આગ્રહ કર્યો હતો અને બિહારના લોકોએ પણ મારો આગ્રહ સ્વીકાર્યો હતો.
આરજેડીના જંગલ રાજ પર કટાક્ષ કર્યો – પીએમ મોદી
વડા પ્રધાને આરજેડીના જંગલ રાજ પર પણ કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આજે બિહાર દેશના એવા રાજ્યોમાં સામેલ છે જ્યાં યુવાનોની સંખ્યા સૌથી વધુ છે અને તેમાં દરેક ધર્મ અને દરેક જાતિના યુવાનોનો સમાવેશ થાય છે. તેમની ઇચ્છાઓ, તેમની આકાંક્ષાઓ અને તેમના સપનાએ જંગલ રાજની જૂની અને સાંપ્રદાયિક MY ફોર્મ્યુલાને તોડી પાડી દીધી છે. હું આજે બિહારના યુવાનોને ખાસ અભિનંદન આપું છું.
આ પછી કોંગ્રેસ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે બિહારની જનતાએ ભારતના વિકાસમાં મોટી ભૂમિકા રહી છે, પરંતુ જેમણે દાયકાઓ સુધી દેશ પર શાસન કર્યું, તેમણે બિહારને બદનામ કર્યું. આ લોકોએ ન તો બિહારના ગૌરવશાળી ભૂતકાળનું સન્માન કર્યું અને ન તો બિહારની પરંપરા અને સંસ્કૃતિનું સન્માન કર્યું. કલ્પના કરો, જે લોકો છઠ પૂજાને ડ્રામા કહી શકે છે, તેઓ બિહારની પરંપરાનું કેટલું સન્માન કરતા હશે. તેમનો ઘમંડ જુઓ, આરજેડી અને કોંગ્રેસે આજ સુધી છઠ મૈયાની માફી માંગી નથી. બિહારના લોકો આ વાતને ક્યારેય ભૂલી શકશે નહીં.
ભાજપ પશ્ચિમ બંગાળમાંથી પણ જંગલરાજને ઉખેડી ફેંકશે – પીએમ મોદી
દિલ્હીમાં પાર્ટી કાર્યાલયમાં કાર્યકરોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું હતું કે આજે ભાજપની દરેક સફળતાનો આધાર તેના કાર્યકરો જ છે. આજની આ જીતે કેરળ, તમિલનાડુ, પુડુચેરી, આસામ અને પશ્ચિમ બંગાળમાં ભાજપના કાર્યકરોમાં નવી ઉર્જા ભરી દીધી છે. ગંગા જી બિહારમાંથી વહે છે અને બંગાળ સુધી પહોંચે છે. બિહારે બંગાળમાં ભાજપની જીતનો માર્ગ પણ બનાવી દીધો છે. હું બંગાળના ભાઈઓ અને બહેનોને ખાતરી આપું છું કે હવે ભાજપ તમારી સાથે મળીને પશ્ચિમ બંગાળમાંથી પણ જંગલરાજને ઉખેડી ફેંકશે.
આ સમયે પીએમ મોદીનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જ્યારે તેઓ ભાજપ કાર્યાલય પહોંચ્યા ત્યારે તેમણે સૌથી પહેલા ગમછા ફેરવીને જનતાનું સ્વાગત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે બિહાર ચૂંટણી દરમિયાન જ્યારે તેઓ ભાજપ માટે પ્રચાર કરવા ગયા હતા ત્યારે તેમણે પણ આ જ રીતે ગમછા ફેરવ્યો હતો. તે સમયે ઘણા રાજકીય અર્થો કાઢવામાં આવ્યા હતા, અને હવે ફરી એકવાર તેને મોટા સંદેશ તરીકે જોવામાં આવી રહ્યો છે.





