Bihar Assembly Election Result 2025 : બિહારની ચૂંટણીમાં એનડીએએ અપ્રત્યાક્ષિત જીત મેળવી છે અને મહાગઠબંધનનો કારમો પરાજય થયો છે. કોંગ્રેસનું પ્રદર્શન ફરી એક વખત સૌથી નિરાશાજનક રહ્યું છે. હવે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આ ચૂંટણી પરિણામો પર પહેલી પ્રતિક્રિયા આપી છે.
આ લડાઈ બંધારણ અને લોકતંત્રની રક્ષા માટે છે – રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે હું બિહારના કરોડો મતદારોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું, જેમણે મહાગઠબંધનમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. બિહારનું આ પરિણામ ખરેખર ચોંકાવનારું છે. અમે એક એવી ચૂંટણી જીતી શક્યા નહીં જે શરૂઆતથી જ નિષ્પક્ષ ન હતી. આ લડાઈ બંધારણ અને લોકતંત્રની રક્ષા માટે છે. કોંગ્રેસ પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધન આ પરિણામની ઊંડાણપૂર્વક સમીક્ષા કરશે અને લોકશાહીને બચાવવાના તેમના પ્રયત્નોને વધુ અસરકારક બનાવશે.
રાહુલ ગાંધીએ એ વાત પર ભાર આપ્યો કે આ ચૂંટણી નિષ્પક્ષ ન હતી. આ પહેલા જ્યારે તેમણે હરિયાણા ચૂંટણીને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે બિહારમાં પણ વોટ ચોરી થવાના છે. આ નિવેદન બાદ હવે તેમણે દાવો કર્યો છે કે આ ચૂંટણી શરૂઆતથી જ નિષ્પક્ષ ન હતી. આમ તો રાહુલ ગાંધી ચૂંટણીના પરિણામો પર સવાલ ઉઠાવી રહ્યા છે, તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોંગ્રેસ પર નિશાન સાધી રહ્યા છે.
આ પણ વાંચો – હવે બંગાળથી પણ જંગલરાજને ઉખાડી ફેંકીશું, બિહાર જીત પછી મમતા બેનર્જીને પીએમ મોદીનો પડકાર
પીએમ મોદીએ કોંગ્રેસ પર કર્યો પ્રહાર
પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ કોઈનું સન્માન કરતી નથી, તે ચૂંટણી પ્રક્રિયા પર સવાલ ઉઠાવે છે, ચૂંટણી પંચને ગાળો આપે છે. આજે બિહાર દેશના સૌથી વધુ યુવાનો ધરાવતા રાજ્યોમાં સામેલ છે અને તેમાં દરેક ધર્મ, દરેક જાતિના યુવાનો સામેલ છે. તેમની ઇચ્છાઓ, તેમની આકાંક્ષાઓ અને તેમના સપનાએ જંગલ રાજની જૂની અને સાંપ્રદાયિક MY ફોર્મ્યુલાને તોડી પાડી દીધી છે. હું આજે બિહારના યુવાનોને ખાસ અભિનંદન આપું છું.





