બિહાર વિધાનસભા ચૂંટણી : સત્તા વિરોધી લહેર કેવી રીતે ખતમ કરશે ભાજપ? જાણો શું છે ફોર્મ્યુલા

Bihar Assembly elections 2025 : બિહારમાં વિધાનસભાની ચૂંટણી ઓક્ટોબરના બીજા અઠવાડિયામાં જાહેર થાય તેવી શક્યતા છે. આ પહેલા ભાજપ ચૂંટણી રણનીતિ પર ઝડપથી કામ કરી રહી છે. ભાજપ આ વખતે એનડીએમાં શક્ય તેટલી બેઠકો જીતવા માંગે છે અને આ તેના વર્તમાન ધારાસભ્યો માટે એક પડકાર હોઈ શકે છે કારણ કે પાર્ટીનો હેતુ સત્તા વિરોધી લહેરને નબળી પાડવાનો છે

Written by Ashish Goyal
Updated : October 02, 2025 17:41 IST
બિહાર વિધાનસભા ચૂંટણી : સત્તા વિરોધી લહેર કેવી રીતે ખતમ કરશે ભાજપ? જાણો શું છે ફોર્મ્યુલા
બિહારમાં ભાજપ ચૂંટણી રણનીતિ પર ઝડપથી કામ કરી રહી છે (તસવીર - એક્સપ્રેસ ફાઇલ ફોટો)

Bihar Assembly elections 2025: બિહાર વિધાનસભા ચૂંટણી 2025 પહેલા ચૂંટણી પંચે એસઆઈઆર અંતર્ગત અંતિમ મતદાર યાદી જાહેર કરી છે. એક અંદાજ છે કે બિહારમાં વિધાનસભાની ચૂંટણી ઓક્ટોબરના બીજા અઠવાડિયામાં જાહેર કરવામાં આવશે. આ પહેલા ભાજપ ચૂંટણી રણનીતિ પર ઝડપથી કામ કરી રહી છે. ભાજપ આ વખતે એનડીએમાં શક્ય તેટલી બેઠકો જીતવા માંગે છે અને આ તેના વર્તમાન ધારાસભ્યો માટે એક પડકાર હોઈ શકે છે કારણ કે પાર્ટીનો હેતુ સત્તા વિરોધી લહેરને નબળી પાડવાનો છે.

2020ની વિધાનસભા ચૂંટણીમાં આરજેડી પ્રથમ નંબરે આવી હતી અને તેનાથી થોડી ઓછી સીટો ભાજપ પાસે હતી. પાર્ટીના રાજ્યમાં બીજા ક્રમે સૌથી વધુ ધારાસભ્યો જીતીને આવ્યા હતા. ભાજપ પાસે 22 મંત્રીઓ સહિત 80 ધારાસભ્યો છે, જે સત્તા વિરોધી લહેરનો સામનો કરી રહ્યા છે. મુખ્યમંત્રી નીતીશ કુમાર એનડીએનું નેતૃત્વ કરી રહ્યા છે અને પાંચમી વખત મુખ્યમંત્રી બનવાની આશા રાખી રહ્યા છે.

ભાજપ કેવી રીતે સંતુલન કરી રહી છે?

નીતીશ કુમારની એનડીએ સરકારે ચૂંટણી પહેલા અનેક મહત્વની યોજનાઓની જાહેરાત કરી છે, જેના કારણે ભાજપને સત્તા વિરોધી લહેર ઘટાડીને સંતુલન સ્થાપિત કરવાની આશા છે. આ સિવાય ભાજપની યોજના છે કે આ વખતે તે નવા ચહેરાઓને તક આપશે, પરંતુ તે કહેવું સરળ છે પણ અમલ કરવો ખૂબ જ મુશ્કેલ હશે.

આ અંગે બિહારના ભાજપના એક નેતાએ કહ્યું કે વિવિધ વર્ગો માટે બનાવવામાં આવેલી નવી યોજનાઓએ એનડીએની શક્યતાઓને ચોક્કસપણે મજબૂત બનાવી છે, પરંતુ વર્તમાન ધારાસભ્યો માટે લોકોની નારાજગી પાર્ટી અને ગઠબંધન પર અસર કરી શકે છે. તેથી જ આ વખતે બિહારમાં એન્ટી ઇન્કમ્બન્સી વેવ અને સરકાર દ્વારા આપવામાં આવતી છૂટછાટો વચ્ચે સ્પર્ધા છે.

ગુજરાત ફોર્મ્યુલા પર ચર્ચા થઈ હતી

સૂત્રોના જણાવ્યા અનુસાર ઉમેદવારોના નામને અંતિમ સ્વરૂપ આપવા માટે ગયા અઠવાડિયે ભાજપના કોર ગ્રુપની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભાજપે ટિકિટ વહેંચણી અંગે ચર્ચા કરી હતી અને 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ વહેંચણીની ફોર્મ્યુલા પર ચર્ચા કરી હતી. ગુજરાતમાં ભાજપે સાતમી વખત સત્તામાં આવવા માટે પોતાનું આખું મંત્રીમંડળ બદલી નાખ્યું હતું. આ સિવાય વર્તમાન ધારાસભ્યોની ટિકિટ પણ કાપી નાખવામાં આવી હતી. આમાં ઘણા વરિષ્ઠ નેતાઓ અને મંત્રીઓ પણ સામેલ હતા. ખાસ વાત એ છે કે 2019ની લોકસભા ચૂંટણી પહેલા છત્તીસગઢે પોતાના તમામ વર્તમાન સાંસદોને બદલી નાખ્યા હતા.

આ પણ વાંચો – દેશમાં 57 નવા કેન્દ્રીય વિદ્યાલય ખોલવામાં આવશે, આ શાળાઓમાં 4,000થી વધુ નોકરીઓ ઉભી થશે

છત્તીસગઢ અને ગુજરાત બંનેમાં ભાજપે ચૂંટણી જીતી હતી. બિહારના અન્ય એક નેતાએ કહ્યું છે કે હાલ ગુજરાતના સ્કેલ પર કોઈ ફેરફારની શક્યતા નથી, પરંતુ ભાજપને સ્વચ્છ ચહેરાની જરૂર છે તે વાતથી કોઈ અસહમત નથી. મહત્વની વાત એ છે કે ભાજપના નવા નિયુક્ત બિહાર ચૂંટણી પ્રભારી, કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને બેઠકોની વહેંચણી પર જેડીયુ સાથે બેઠકો શરૂ કરી દીધી છે.

ભાજપ કેટલી બેઠકો પર ચૂંટણી લડવા માંગે છે?

ભાજપના એક નેતાએ કહ્યું કે આ વખતે તે બિહારમાં 101-104 બેઠકો પર ચૂંટણી લડવા માંગે છે, તેથી તેના પર ઘણું દબાણ છે, કારણ કે કેટલાક વર્તમાન ધારાસભ્યોને હટાવવા છતાં પણ તેને ઘણા વધુ વિજેતા ઉમેદવારો શોધવા પડશે. અમરેન્દ્ર પ્રતાપ સિંહ અને સીએન ગુપ્તા જેવા કેટલાક ધારાસભ્યો જ 75 વર્ષથી વધુ ઉંમરના છે, પરંતુ મોટી ઉંમર કોઇ અવરોધ બની શકે નહીં.

કર્ણાટકમાં ‘ગુજરાત ફોર્મ્યુલા’નું નુકસાન થયું હતું

ભાજપના નેતાએ એમ પણ કહ્યું કે બિહાર ગુજરાત નથી, ન તો બિહારમાં ભાજપનું સંપૂર્ણ પ્રભુત્વ છે અને ન તો રાજ્યમાં પાર્ટી માટે શક્તિશાળી દાવેદારોની કમી છે. ભાજપના નેતાના નિવેદનને એવી રીતે પણ જોઈ શકાય છે કે પાર્ટીને ગુજરાત ફોર્મ્યુલા અપનાવવામાં મુશ્કેલી પડી શકે છે. ભાજપ માટે કર્ણાટક એક મોટો પાઠ છે, જ્યાં ટિકિટ ન મળતા નેતાઓએ પાર્ટી વિરુદ્ધ બળવો કર્યો હતો, જેના કારણે પાર્ટીને મોટું નુકસાન થયું હતું.

નીતિશ કુમારની આગેવાની હેઠળની જેડીયુ બેઠકોની વહેંચણીના મુદ્દે વાટાઘાટો કરી રહી છે અને નફામાં પણ છે. તેના 45 વર્તમાન ધારાસભ્યો છે, જેમાંથી ઘણા 70 વર્ષથી વધુ ઉંમરના છે અને એક નેતાના જણાવ્યા અનુસાર તે તેના 50% ઉમેદવારોને વધુ હંગામો કર્યા વિના બદલી શકે છે. ખાસ વાત એ છે કે છેલ્લા કેટલાક દિવસોમાં જનસુરાજના સંસ્થાપક પ્રશાંત કિશોરે નીતીશ કુમારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી પર હત્યાના કેસમાં આરોપી બનાવવા અને છે અને ઉંમર વિશે ખોટું બોલવાનો આરોપ લગાવ્યો હતો.

ભાજપના એક સાંસદે કહ્યું કે પાર્ટીએ એક નવો નેરેટિવ સેટ કરવાની જરૂર છે અને એક રીત એ રહેશે કે વિશ્વસનીય અને નિષ્કલંક ચહેરાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે. તેમણે કહ્યું કે ભાજપ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં ચૂંટણી લડશે, પરંતુ જમીની સ્તરે આપણે સ્થાનિક નેતૃત્વને બહાર લાવવું પડશે, જેની સ્વચ્છ છબી હોવી જોઈએ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ