Chhath Puja & Halloween Controversy : બિહાર વિધાનસભાની ચૂંટણીમાં મતદાન પહેલા રાજકારણ ખૂબ જ આક્રમક બની ગયું છે. હવે તેમાં ધાર્મિક અને સાંસ્કૃતિક વાતો પણ આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને ગૃહમંત્રી અમિત શાહ સુધી ભાજપના નેતાઓએ સોમવારે લાલુ પરિવાર અને વિપક્ષી મહાગઠબંધન પર હિન્દુ તહેવારોનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો.
એનડીએના ઉમેદવારો માટે આયોજીત રેલીમાં વડા પ્રધાન મોદી અને ગૃહ મંત્રી અમિત શાહે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા અને વિપક્ષ પર હિન્દુ તહેવારોનું અપમાન કરવાનો અને પશ્ચિમી સંસ્કૃતિ અને “ઘૂસણખોરો” ને પ્રાધાન્ય આપવાનો આરોપ લગાવ્યો હતો.
હેલોવીનને લઇને આરજેડી પર હુમલો
ભાજપે પહેલા તેજસ્વી યાદવના પિતા અને આરજેડી નેતા લાલુ યાદવનો એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેઓ તેમના પૌત્રો સાથે હેલોવીન ઉજવી રહ્યા છે. આ વીડિયો મૂળ રુપે સૌથી પહેલા આરજેડી નેતા અને લાલુની પુત્રી રોહિણી આચાર્યએ શેર કર્યો હતો. આ દ્રશ્યોમાં બાળકો ક્રિમ રીપરના પોશાકમાં જોવા મળે છે અને તેજસ્વી તેમની સાથે હસી રહ્યા છે.
અમિત શાહે છઠનો ઉલ્લેખ કર્યો હતો
ઉલ્લેખનીય છે કે ભાજપે મહાકુંભ વિશે કરવામાં આવેલી ટિપ્પણીનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં હરિફોએ કુંભની ધામધૂમને અર્થહીન અથવા નકામી ગણાવી હતી. આ હુમલો ત્યારે વધુ તીવ્ર બન્યો જ્યારે અમિત શાહે આરજેડી-કોંગ્રેસ ગઠબંધનને છઠ પર્વના અપમાન સાથે જોડી દીધું હતું.
શિવહરમાં એક રેલીમાં અમિત શાહે કહ્યું કે રાહુલ ગાંધીએ હમણાં જ છઠી મૈયાનું અપમાન કર્યું છે. તે રાહુલ ગાંધીના તે દાવાનો ઉલ્લેખ કરતા હતા કે વડાપ્રધાન મોદીએ છઠ પર ડ્રામા કરવા માટે ભાજપ શાસિત દિલ્હીમાં પ્રદૂષિત યમુના નદીની બાજુમાં પોતાના માટે એક સ્વચ્છ તળાવ બનાવ્યું હતું.
આ પણ વાંચો – અમિત શાહે કહ્યું – આરજેડી સત્તામાં આવશે તો જંગલ રાજ પાછું આવશે
પીએમ મોદીએ આરજેડી પર પ્રહાર કર્યો
આ જ રીતે પીએમ મોદીએ આરજેડી-કોંગ્રેસ ગઠબંધન પર છઠ પૂજા પ્રત્યે તિરસ્કાર કરવાનો આરોપ લગાવ્યો હતો. પીએમ મોદીએ સીધી રીતે સાંપ્રદાયિક પાસાનો આરોપ લગાવ્યો ન હતો પરંતુ કહ્યું હતું કે ઈન્ડિયા બ્લોક અથવા મહાગઠબંધન પાર્ટીઓ રાષ્ટ્રીય સુરક્ષા સાથે સમાધાન કરી રહી છે અને જ્યારે પણ ભાજપે ઘૂસણખોરોને બહાર કાઢવા માટે પગલાં લીધા ત્યારે તેઓ ઘૂસણખોરોને બચાવવા માટે આગળ આવ્યા હતા.
તમને જણાવી દઈએ કે હેલોવીન અને છઠ પૂજાને લઈને રાજકીય પારો પૂરજોશમાં છે. હવે એ જોવાનું છે કે તેનો લાભ કોને મળે છે. રાજ્યની 243 બેઠકો માટે બે તબક્કામાં 6 અને 11 નવેમ્બરના રોજ મતદાન યોજાશે અને પરિણામ 14 નવેમ્બરે જાહેર કરવામાં આવશે.





