Bihar Assembly Elections 2025 : બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા મહાગઠબંધને પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. આ દરમિયાન મહાગઠબંધનના તમામ પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા. મહાગઠબંધને પોતાના ઢંઢેરાને તેજસ્વી પ્રણ નામ આપ્યું છે. ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તેજસ્વી યાદવે ભાજપ અને એનડીએ પર આકરા પ્રહારો કર્યા હતા.
મહાગઠબંધનના ચૂંટણી ઢંઢેરામાં કયા-કયા છે મોટા વચનો?
- ગઠબંધન સરકાર બન્યાના 20 દિવસની અંદર રાજ્યના દરેક પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવા માટે એક કાયદો પસાર કરવામાં આવશે.
- જૂની પેન્શન યોજના (ઓપીએસ સ્કીમ) લાગુ કરવામાં આવશે.
- માઈ-બહન માન યોજના હેઠળ મહિલાઓને 1 ડિસેમ્બરથી દર મહિને 2,500 રૂપિયા અને આગામી પાંચ વર્ષ માટે દર વર્ષે 30,000 રૂપિયાની આર્થિક સહાય મળશે.
- દરેક પરિવારને 200 યુનિટ મફત વીજળી મળશે.
કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા કહ્યું કે મહાગઠબંધને સૌથી પહેલા પોતાના મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરી હતી. પોતાનો ઢંઢેરો પણ પ્રથમ જાહેર કર્યો છે. આ બતાવે છે કે બિહારને લઈને કોણ ગંભીર છે. અમે પહેલા દિવસથી જ નક્કી કરી લીધું હતું કે અમે બિહાર માટે શું કરીશું? અમારે બિહારને પાટા પર લાવવાનું છે. આજનો દિવસ ખૂબ જ શુભ છે કારણ કે બિહાર રાજ્ય આ પ્રણની રાહ જોઇ રહ્યું હતું.
આ પણ વાંચો – તેજસ્વી યાદવે કહ્યું – પ્રશાંત કિશોર મીડિયાની ઉપજ છે, જનનેતા નહીં
આ પ્રસંગે વીઆઈપી પ્રમુખ અને મહાગઠબંધનના ડેપ્યુટી સીએમ ઉમેદવાર મુકેશ સહનીએ જણાવ્યું હતું કે આજે અમે નવા બિહાર માટે સંકલ્પ પત્ર લોન્ચ કર્યો છે. આગામી 30-35 વર્ષ સુધી અમે બિહારના લોકોની સેવા કરવાનું કામ કરીશું. અમે લોકોની તમામ આકાંક્ષાઓ પૂરી કરીશું. અમે લોકોને આપેલા તમામ વચનો પૂરા કરીશું. રાજ્યની જનતા મહાગઠબંધનના સમર્થનમાં ઉભી છે અને અમે બિહારમાં સરકાર બનાવી રહ્યા છીએ. બીજી તરફ એનડીએ પાસે કોઈ સંકલ્પ નથી.





