Bihar Assembly Elections 2025 : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે મહાગઠબંધનના પક્ષમાં પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો. ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે નીતિશ કુમારના ચહેરાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જ્યારે રિમોટ કંટ્રોલ ભાજપના હાથમાં છે. મુઝફ્ફરપુર જિલ્લાના સકરામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ પણ દાવો કર્યો હતો કે વડા પ્રધાન મોદી અને ભાજપ સામાજિક ન્યાયની વિરુદ્ધ છે.
તેજસ્વી યાદવ અને અન્ય સાથી પક્ષોના નેતાઓ પણ રાહુલ ગાંધીની આ રેલીમાં હાજર રહ્યા હતા. આ રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું કે નીતિશજી 20 વર્ષથી બિહારમાં સરકાર ચલાવી રહ્યા છે. તેમણે શિક્ષણ, આરોગ્ય અને રોજગાર માટે શું કર્યું? શું તમે એવું રાજ્ય ઇચ્છો છો જ્યાં તમને કંઈ ન મળે અને અદાણીજીને એક-બે રૂપિયામાં જમીન આપવામાં આવે?
રાહુલ ગાંધીના ભાષણની ખાસ વાત
- રાહુલ ગાંધીએ કહ્યું કે અમે એવું બિહાર ઈચ્છીએ છીએ જ્યાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને રોજગાર હોય અને બિહારીઓને તેમનું ભવિષ્ય જોવા મળે. અમે એક એવું બિહાર ઇચ્છીએ છીએ કે જ્યાંથી લોકોને રોજગાર માટે અન્ય રાજ્યોમાં જવું ન પડે, પરંતુ અન્ય રાજ્યોના લોકો અહીં આવીને કામ કરે.
- કોંગ્રેસ નેતાએ કહ્યું કે મહાગઠબંધન બિહારને સૌથી આગળ લઈ જવા માંગે છે. તેમણે કહ્યું કે બિહારના લોકો કોઈ પણ બાબતમાં કોઈથી પાછળ નથી. આ રાજ્ય સૌથી આગળ વધી શકે છે અને આગળ વધશે.
આ પણ વાંચો – બિહારમાં મહાગઠબંધને ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો, જાણો ‘તેજસ્વી પ્રણ’ માં શું-શું વાયદા કરવામાં આવ્યા
- લોકસભામાં વિપક્ષના નેતાએ દાવો કર્યો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સામાજિક ન્યાયની વિરુદ્ધ છે.
- દિલ્હીમાં યમુના કિનારે છઠ પૂજાની ઉજવણીનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે એક તરફ યમુના નદીમાં ખરાબ પાણી હતું અને બાજુમાં સ્વચ્છ પાણીનું તળાવ બનાવવામાં આવ્યું હતું. જેથી વડા પ્રધાન તેમાં સ્નાન કરીને ‘ડ્રામા’ કરી શકે. તેમને છઠ પૂજા સાથે કોઈ લેવાદેવા નથી. તેમણે કહ્યું કે જ્યારે સમગ્ર હિન્દુસ્તાનને આ વિશે જાણ થઈ ત્યારે પ્રધાનમંત્રી મોદી છઠ પૂજાના આ કાર્યક્રમમાં ગયા ન હતા.
- રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે વડાપ્રધાન વોટ માટે કંઈપણ કરી શકે છે. જો તમે મોદીજીને કહો કે અમે તમને વોટ આપીશું, તમે અહીં ડાન્સ કરો તો તેઓ ડાન્સ કરી લેશે.





