Bihar Cabinet Expansion: બિહાર સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે. બિહારના 7 ધારાસભ્યોએ મંત્રીપદના શપથ લીધા છે. બિહારમાં વર્ષ 2025ના અંતે સુધી યોજાનાર વિધાનસભા ચૂંટણી પહેલા નીતિશ કુમારના નેતૃત્વવાળી એનડીએ સરકારે પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું છે. આવી સ્થિતિમાં નીતિશ કુમાર સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ રાજકીય દ્રષ્ટિએ બહુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ચાલો જાણીયે બિહાર સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કેમ કરવું પડ્યું?
બિહાર સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ
બિહારમાં નીતિશ કુમાર સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે, જેમા નવા 7 ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા છે. મંત્રીમંડળમાં સામેલ થયેલા નવા 7 ધારાસભ્યોમાં સંજય સરોગી (દરભંગા), સુનીલ કુમાર (બિહાર શરીફ), જીવેશ મિશ્રા (જાલે), રાજુ સિંહ (સાહેબગંજ), મોતીલાલ પ્રસાદ (રીગા), કૃષ્ણ કુમાર મન્ટૂ (અનમોર) અને વિજય મંડલ (સિકટી)નો સમાવેશ થાય છે.
નીતિશ કુમાર 2005થી બિહારમા મુખ્યમંત્રી
વર્ષ 2005થી મુખ્યમંત્રી નીતિશ કુમાર બિહારના રાજકારણના મુખ્ય કેન્દ્ર સ્થાને રહ્યા છે. નીતિશ કુમાર મહાગઠબંધન સાથે હોય કે ભાજપના નેતૃત્વવાળા એનડીએ સાથે, બિહારમાં પણ આ જ ગઠબંધનની સરકાર બની છે. છેલ્લા કેટલાક દિવસોથી આવી ચર્ચાઓનું પુનરુત્થાન થયું છે કે નીતિશ કુમાર આ ક્ષણને બદલી શકે છે. પરંતુ નીતિશ કુમારે આવી ચર્ચાઓને સંપૂર્ણપણે પાયાવિહોણી ગણાવી હતી અને તેને સંપૂર્ણપણે નકારી કાઢી હતી. નીતિશ કુમારે વારંવાર કહ્યું છે કે હવે તેઓ આજુ બાજુ ક્યાં જવાના નથી અને એનડીએ સાથે જ રહેશે.
નીતિશ કુમારના નેતૃત્વમાં વિધાનસભા ચૂંટણી લડશે એનડીએ
બિહાર સરકારના મંત્રીમંડળના વિસ્તરણ સાથે જ સ્પષ્ટ થઈ ગયું છે કે ભાજપ અને જેડીયુ વચ્ચે પરસ્પર સમજૂતીમાં સુધારો થયો છે કારણ કે મુખ્યમંત્રી નીતિશ કુમાર એ વાત પર સહમત થયા છે કે તમામ મંત્રીઓને ભાજપના ક્વોટાના બનાવવામાં આવશે, જ્યારે ભાજપે પણ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, વિધાનસભા ચૂંટણીમાં એનડીએ તરફથી નીતિશ કુમાર જ મુખ્યમંત્રી ચહેરો બનશે.