Most Serving Chief Minister of India : પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં નીતિશ કુમારે રેકોર્ડ 10મી વખત બિહારના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. નીતિશ કુમારની સાથે 26 મંત્રીઓએ પણ શપથ લીધા હતા. જેમાંથી 15 મંત્રી ભાજપના અને 8 મંત્રી જેડીયુના છે. આ બધાની વચ્ચે ચાલો જાણીએ કે સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રી પદ સંભાળનારા નેતા કોણ છે?
નીતિશ કુમાર બિહારના સૌથી લાંબા સમય સુધી પદ સંભાળનાર મુખ્યમંત્રી બન્યા છે, પરંતુ તેઓ હજુ પણ દેશમાં સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રી બનવાની યાદીમાં ઘણા પાછળ છે. 2005થી તેઓ સતત બિહારના મુખ્યમંત્રી છે. નીતિશ કુમાર 20 વર્ષથી મુખ્યમંત્રીની ખુરશી પર બેઠા છે. જોકે દેશમાં સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રી રહી ચૂકેલા નેતાઓની યાદીમાં તેઓ 8મા ક્રમે છે.
દેશમાં સૌથી લાંબા કાર્યકાળ વાળા 5 મુખ્યમંત્રીઓ
પવન કુમાર ચામલિંગ (સિક્કિમ)
પવન કુમાર ચામલિંગ 24 વર્ષ સુધી સિક્કિમના મુખ્યમંત્રી રહ્યા હતા. તેઓ ભારતના કોઈ પણ રાજ્યના સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રી રહેનાર નેતા છે. તેમનો કાર્યકાળ 12 ડિસેમ્બર 1994 થી 26 મે 2019 સુધીનો એટલે કે 24 વર્ષ 165 દિવસનો રહ્યો હતો. પવન કુમારના નેતૃત્વમાં તેમની પાર્ટી સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટે (એસડીએફ) સતત પાંચ વખત જીત મેળવી હતી.
નવીન પટનાયક (ઓડિશા)
નવીન પટનાયક 24 વર્ષ સુધી ઓડિશાના મુખ્યમંત્રી રહ્યા, પરંતુ પવન કુમાર કરતા થોડા દિવસો ઓછા હતા. નવીન પટનાયકનો કાર્યકાળ 5 માર્ચ 2000થી 12 જૂન 2024 સુધીનો રહ્યો હતો.
આ પણ વાંચો – બિહારમાં નીતિશ કુમારની સરકારમાં કોણ કોણ બન્યું મંત્રી, અહીં જુઓ સંપૂર્ણ યાદી
જ્યોતિ બસુ (પશ્ચિમ બંગાળ)
જ્યોતિ બસુ 23 વર્ષ સુધી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી રહ્યા હતા. તેમણે બે દાયકાથી વધુ સમય સુધી પશ્ચિમ બંગાળ સરકારનું નેતૃત્વ કર્યું હતું. તેમનો કાર્યકાળ 21 જૂન 1977 થી 5 નવેમ્બર 2000 સુધીનો હતો, એટલે કે 23 વર્ષ 137 દિવસ.
ગંગોંગ અપાંગ (અરુણાચલ)
ગેગોંગ અપાંગે લગભગ 23 વર્ષ સુધી અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. તેમનો કાર્યકાળ 18 જાન્યુઆરી 1980 થી 19 જાન્યુઆરી 1999 અને 3 ઓગસ્ટ 2003 થી 9 એપ્રિલ 2007 સુધી હતો. તેમણે આ બે અલગ-અલગ કાર્યકાળમાં કામ સંભાળ્યું હતું.
લાલ થનહાવલા (મિઝોરમ)
લાલ થનહાવલા મિઝોરમના મુખ્યમંત્રી તરીકે 22 વર્ષ સુધી રહ્યા હતા. તેમના ત્રણ અલગ અલગ કાર્યકાળ રહ્યા હતા. 5 મે 1984 થી 21 ઓગસ્ટ 1986 સુધી, 24 જાન્યુઆરી 1989 થી 3 ડિસેમ્બર 1998 સુધી અને 11 ડિસેમ્બર 2008 થી 15 ડિસેમ્બર 2018 સુધી.
નીતિશ કુમારનો શપથ ગ્રહણ સમારોહ
નીતિશ કુમારના શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને એનડીએના ઘણા ટોચના નેતાઓ હાજર રહ્યા હતા. એનડીએ શાસિત અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.





