Nishant Kumar Bihar Politics : બિહારના રાજકારણમાં આજકાલ ફરી જૂની ચર્ચા જીવંત બની છે. ચર્ચા એ છે કે શું મુખ્યમંત્રી નીતિશ કુમારનો પુત્ર રાજનીતિમાં આવવાનો છે. બિહારથી આવી રહેલા અહેવાલો અનુસાર જનતા દળ યુનાઇટેડ (જેડીયુ) નીતિશના રાજકીય ઉત્તરાધિકારીનું સ્વાગત કરવા તૈયાર છે. જેડી(યુ)ના સૂત્રોએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે મુખ્યમંત્રી નીતિશ કુમારનો પુત્ર નિશાંત કુમાર હોળી બાદ સક્રિય રાજકારણમાં આવી શકે છે.
જણાવવામાં આવી રહ્યું કે બિહારના રાજકારણમાં એવી ચર્ચા થઇ છે કે નીતિશ કુમારનો પુત્ર નિશાંત કુમાર રાજકારણમાં વહેલા મોડા ચોક્કસ આવશે, પરંતુ નીતિશ કુમાર વંશવાદી રાજકારણની ટીકા કરતા રહ્યા છે અને આ મામલે રાષ્ટ્રીય જનતા દળ અને લોક જનશક્તિ પાર્ટી સામે પણ ખૂબ જ અવાજ ઉઠાવતા રહ્યા છે. આથી નિશાંત કુમારના રાજકારણમાં આવવાની શક્યતા પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું હતું. પરંતુ આ વખતે નિશાંતના રાજકારણમાં પ્રવેશની ચર્ચાઓમાં ઘણી તાકાત છે.
મુખ્યમંત્રી નીતિશ કુમારના નજીકના એક નેતાએ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે નિશાંત કુમાર રાજનીતિમાં આવવા માટે તૈયાર છે અને આ મામલે મુખ્યમંત્રીની લીલી ઝંડીની રાહ જોઇ રહ્યા છે. નીતિશ કુમારને કહેવામાં આવ્યું છે કે પાર્ટીના કાર્યકર્તાઓ ઈચ્છે છે કે નિશાંતને રાજકારણમાં આવવા દેવામાં આવે.
નિશાંત કુમાર એકમાત્ર સંતાન છે
નિશાંત કુમારની ઉંમર 38 વર્ષ છે અને તે ટીવી, સોશિયલ મીડિયા અને રાજનીતિની લાઇમલાઇટથી ઘણા દૂર છે. નિશાંત કુમાર નીતિશ અને તેમના દિવંગત પત્ની મંજુ સિંહનું એકમાત્ર સંતાન છે. તેમણે બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી છે.
નિશાંતે જેડીયુને મત આપવાની અપીલ કરી હતી
આ મહિનાની શરૂઆતમાં 8 જાન્યુઆરીએ નિશાંત પિતા સાથે એક કાર્યક્રમમાં ભાગ લેવા પોતાના વતન બખ્તિયારપુર ગયા હતા. ત્યાં પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે લોકોને અપીલ કરી કે તેઓ આ વર્ષના અંતમાં બિહારમાં થનારી વિધાનસભા ચૂંટણીમાં જેડીયુ અને તેમના પિતાને વોટ આપે જેથી તેઓ રાજ્યમાં ફરીથી સરકાર બનાવી શકે. આ પહેલા નિશાંત છેલ્લે 2015માં પિતાના શપથ ગ્રહણ સમારોહ દરમિયાન એક રાજકીય કાર્યક્રમમાં જોવા મળ્યો હતો.
બખ્તિયારપુરમાં થયેલા આ કાર્યક્રમ બાદ જેડી(યુ)ના વરિષ્ઠ નેતા અને રાજ્ય સરકારમાં મંત્રી શ્રવણ કુમારે સંકેત આપ્યા હતા કે નિશાંત રાજકારણમાં જોડાઈ શકે છે. શ્રવણ કુમારે કહ્યું હતું કે નિશાંતને વર્તમાન સરકાર વિશે સારી સમજ છે અને આવા પ્રગતિશીલ વિચારોવાળા યુવાનો રાજકારણમાં આવકાર્ય છે. તેમણે કહ્યું હતું કે આ અંગે યોગ્ય સમયે નિર્ણય લેવામાં આવશે.
આ પણ વાંચો – વંદે ભારત ટ્રેન દુનિયાના સૌથી ઊંચા ચિનાબ બ્રિજથી પસાર થઇ, 38 ટનલ, 927 બ્રિજ, જાણો બધી જ માહિતી
જેડી(યુ)ના એક નેતાએ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે આરજેડીના વડા લાલુ પ્રસાદ યાદવે 2013માં તેમના પુત્ર તેજસ્વી પ્રસાદ યાદવને પાર્ટીના નવા નેતા તરીકે રજૂ કર્યા હતા. રામવિલાસ પાસવાને પણ આ જ અરસામાં ચિરાગ પાસવાનનું નામ આગળ વધાર્યું હતું. 2014ની લોકસભા ચૂંટણી પહેલાં એલજેપીને એનડીએ સાથે લાવવામાં ચિરાગ પાસવાને મહત્વની ભૂમિકા ભજવી હતી અને આ નિર્ણયથી એલજેપીને ફાયદો થયો હતો. એ જ રીતે તેજસ્વી યાદવે 2020ની વિધાનસભા ચૂંટણીમાં આરજેડીનું નેતૃત્વ કર્યું હતું અને મહાગઠબંધનને 110 બેઠકો મળી હતી.
નિશાંતને પાર્ટીમાં લાવવાની માંગ
જેડી(યુ)ના એક નેતાએ કહ્યું કે જો નિશાંત એક દાયકા પહેલા રાજકારણમાં જોડાયા હોત તો તે નીતિશ કુમારના સ્વાભાવિક ઉત્તરાધિકારી બની શક્યા હોત. અન્ય એક નેતાએ કહ્યું કે હજુ મોડું નથી થયું, જેડીયૂના રાજકીય ભવિષ્ય માટે નિશાંત કુમારને આપણે પાર્ટીમાં લાવવા જોઇએ.
બિહારમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે અને આ માટે એનડીએ અને મહાગઠબંધન તરફથી જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. હાલમાં જ બિહારના રાજકારણમાં એવી ચર્ચા ચાલી રહી હતી કે, નીતિશ કુમાર ફરી એકવાર પક્ષ પલટો કરી શકે છે, પરંતુ નીતિશે આવી તમામ ચર્ચાઓને ફગાવી દીધી હતી. નીતીશે કહ્યું હતું કે તેઓ હવે એનડીએ સાથે રહેશે અને પક્ષ બદલશે નહીં.





