જન સૂરજ પાર્ટીના સંસ્થાપક પ્રશાંત કિશોરે બુધવારે મુખ્યમંત્રી નીતિશ કુમારને ચેતવણી આપી છે. ચૂંટણી રણનીતિકારમાંથી રાજકીય નેતા બનેલા પ્રશાંત કિશોરે કહ્યું છે કે તેઓ એક લાખ લોકોને તેમના ઘરે લાવીને નીતિશ કુમારને ઘેરી લેશે અને તેઓ પોતાનું ઘર છોડી શકશે નહીં.
બિહારમાં ટૂંક સમયમાં જ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે પ્રશાંત કિશોરે જાહેરાત કરી છે કે તેમની પાર્ટી બિહારની તમામ 243 બેઠકો પર ચૂંટણી લડશે.
પ્રશાંત કિશોરે કહ્યું કે, અમે શાંતિપૂર્ણ રીતે મુખ્યમંત્રીને એક મેમોરેન્ડમ આપવા માંગીએ છીએ કે છેલ્લા બે વર્ષમાં, તેમણે 94 લાખ પરિવારોને 2 લાખ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું, પરંતુ આજદિન સુધી એક પણ પરિવારને એક પણ રૂપિયો મળ્યો નથી … પરંતુ સરકાર મળવાની ના પાડી રહી છે. જ્યાં સુધી સરકારનો કોઈ પ્રતિનિધિ અમને નહીં મળે ત્યાં સુધી અમે અહીં જ બેસી રહીશું.
બિહારની જનતા પરિવર્તન ઈચ્છે છે…
પ્રશાંત કિશોરે કહ્યુ, ‘આ યુદ્ધની શરૂઆત છે, હજુ 3 મહિના બાકી છે, તેઓ તેમના જીવનને હરામ કરી દેશે, તેમને ખબર નથી… બિહારની જનતા પરિવર્તન ઈચ્છે છે, ભ્રષ્ટાચારીઓને હટાવવા માંગે છે, આ લોકો પોલીસની પાછળ અને સદનમાં છુપાઈ શકતા નથી.
પીકેના નામથી જાણીતા પ્રશાંત કિશોરે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સામે આકરા પ્રહારો કર્યા હતા અને ખુલ્લો પડકાર ફેંક્યો.
પીકે પહેલી વાર ચૂંટણી લડશે
પ્રશાંત કિશોરે બે વર્ષ સુધી બિહારના ગામો, શેરીઓ, ખેતરો, શહેરો અને નગરોમાં રખડપટ્ટી કરી છે. તેમણે આ મુલાકાત દરમિયાન બિહારની દુર્દશાનો મુદ્દો ઉઠાવ્યો હતો. પ્રશાંત કિશોરનું કહેવું છે કે, બિહારના રાજકીય પક્ષો અને નેતાઓએ અહીંના લોકોનું નહીં પરંતુ તેમના પરિવારનું ભલું કર્યું અને પોતાની રાજકીય મહત્વકાંક્ષાઓ પૂરી કરી છે.
SIR ના મુદ્દે લડાઈ
આ ઉપરાંત બિહારમાં મતદાર યાદી સુધારણા, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર)ને લઈને જબરદસ્ત લડાઈ ચાલી રહી છે. બિહારમાં વિધાનસભા ચૂંટણી પહેલા નીતિશ સરકારની કામગીરી કરતાં મતદાર યાદી સુધારણાનો મુદ્દો વધુ ચર્ચાઇ રહ્યો છે. એસઆઈઆરના મુદ્દે માત્ર બિહાર વિધાનસભામાં જ નહીં પરંતુ લોકસભામાં પણ વિપક્ષે બુધવારે જોરદાર પ્રદર્શન કર્યું છે.
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવ પટનામાં રસ્તા પર ઉતરીને મતદાર યાદી સુધારણાના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિપક્ષનું કહેવું છે કે આ ગરીબ લોકોના વોટ કાપવાનું ષડયંત્ર છે.





