Bihar Election Result 2025: બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામમાં એનડીએની પ્રચંડ બહુમતી સાથે જીત થઇ છે. તેજસ્વી યાદવની આગેવાની હેઠળના મહાગઠબંધનને ભારે ઝટકો લાગ્યો છે. તો બીજી બાજુ લાલુ યાદવના મોટા પુત્ર અને જનશક્તિ જનતા દળના અધ્યક્ષ તેજ પ્રતાપ યાદવની હાર થઇ છે.
જનશક્તિ જનતા દળના અધ્યક્ષે ફેસબુક પોસ્ટમાં લખ્યું, “જનતાની જીત અમારી હારમાં છુપાયેલી છે. હું આજના પરિણામોને જનાદેશ તરીકે સ્વીકારું છું. ચૂંટણીમાં હાર્યા બાદ પણ અમારી જીત થઇ છે કારણ કે બિહારે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે હવે રાજનીતિ પરિવારવાદની નહીં, સુશાસન અને શિક્ષણની હશે. ”
આ જયચંદોની કારમી હાર છે : તેજ પ્રતાપ યાદવ
તેજ પ્રતાપ યાદવે કહ્યું કે, આ જયચંદોની કારમી હાર છે, અમે પહેલેથી જ કહી દીધું હતું કે આ ચૂંટણી બાદ બિહાર માંથી કોંગ્રેસ નાબૂદ થઈ જશે અને આજે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. હું હાર્યા પછી પણ જીત્યો છું, કારણ કે મારી સાથે જનતાનો પ્રેમ છે, વિશ્વાસ છે, આશીર્વાદ છે. પરંતુ સત્ય કડવું છે, આ જયચંદો એ આરજેડીને અંદરથી ખોખલું કરી દીધું છે, તેને બરબાદ કરી નાખ્યું. આ કારણોસર આજે તેજસ્વી નિષ્ફળ ગયો છે. ”
જે લોકોએ પોતાની ખુરશી બચાવવા માટે પોતાના જ ઘરને આગ ચાંપી દીધી હતી, પોતાની રાજનીતિ બચાવી હતી, તેમને ઈતિહાસ ક્યારેય માફ નહીં કરે. હું વારંવાર કહું છું, જનતા જ માતાપિતા છે. હું આ જ ભાવના સાથે આજે પણ તમારા આ નિર્ણયનો સ્વીકાર કરું છું. “જીત અને હાર અલગ બાબત છે, પરંતુ ઇરાદા અને પ્રયાસ જ વાસ્તવિક જીત છે. હું ધારાસભ્ય બનું કે ન બનું, મહુવાના લોકોને મેં જે વચનો આપ્યા હતા તે પુરા કરવાનો પ્રયાસ કરતો રહીશ. મારા દરવાજા દરેક સમયે લોકો માટે ખુલ્લા રહેશે. બિહારે સુશાસનની સરકાર પસંદ કરી છે. અમે તેનો આદર કરીએ છીએ અને જનતાના હિતમાં દરેક પગલા પર રચનાત્મક ભૂમિકા ભજવીશું. ”
તેજ પ્રતાપે પીએમ મોદીના વખાણ કર્યા
તેજ પ્રતાપ યાદવે પીએમ મોદીના વખાણ કર્યા છે. “આ વિજય આપણા યશસ્વી વડાપ્રધાન અને દુનિયાના સૌથી મજબૂત નેતા નરેન્દ્ર મોદીજીના વ્યક્તિત્વ અને જાદુઈ નેતૃત્વનો પુરાવો છે. માનનીય મુખ્યમંત્રી નીતિશ કુમારના સુશાસનને લોકોએ ખુલ્લા દિલથી સ્વીકાર્યું છે. બિહારની આ ઐતિહાસિક જીત ભારતના ગૃહ મંત્રી અને ભાજપના ચાણક્ય માનનીય અમિત શાહ અને ભારત સરકારના મંત્રી અને બિહાર ભાજપના પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાનજીની કૂટનીતિ, દૂરંદેશી અને સખત પરિશ્રમનું પરિણામ છે. આ જીતનું સૌથી મોટું કારણ એનડીએની અતૂટ એકતા છે. ”
આ પણ વાંચો | રાઇફલ શૂટર ભાજપ ઉમેદવાર શ્રેયસી સિંહની સતત બીજી વખત જીત, જમુઇ બેઠક પર RJDના શમશાદ આલમની ભૂંડી હાર
એનડીએ ગઠબંધનના 5 પાંડવોએ એક સાથે ચૂંટણી લડી : તેજ પ્રતાપ યાદવ
લાલુ યાદવના મોટા પુત્રએ કહ્યું હતું કે, એનડીએ ગઠબંધનના પાંચેય પક્ષો, પાંચ પાંડવોએ એકજૂથ થઈને ચૂંટણી લડી હતી અને જનતાએ પોતાની શ્રદ્ધા, મત અને સંપૂર્ણ સમર્થન આપીને આ એકતાને વિજયની શક્તિમાં પરિવર્તિત કરી દીધી હતી. આ જીત બિહારની જનતાની છે, આ વિજય વિશ્વાસનો છે, આ વિજય વિકાસ અને સુશાસનના સંકલ્પની જીત છે. હું બિહારની યુવા શક્તિનો, માતૃશક્તિનો અને આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. તમે મને અપાર પ્રેમ આપ્યો અને આ પ્રેમ મારી સૌથી મોટી મૂડી છે. જનતાનો અવાજ બની, અમે વધુ મજબૂત રીતે પાછા ફરીશું. ધન્યવાદ. ”





