Bihar Government Formation News Updates: નીતિશ કુમાર રાજ્યપાલને મળ્યા હતા અને ફરી એકવાર બિહારમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. આ દરમિયાન તેમની સાથે NDAના અનેક નેતાઓ હાજર રહ્યા હતા. નીતિશ કુમાર ગુરુવારે 20 નવેમ્બરે ગાંધી મેદાનમાં દસમી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. તેમના શપથ ગ્રહણ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ઘણા કેન્દ્રીય મંત્રીઓ અને અન્ય એનડીએ શાસિત ઘણા રાજ્યના મુખ્યમંત્રીઓ હાજરી આપશે.
નીતિશ કુમારને JDU વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા
અગાઉ બુધવારે સવારે નીતિશ કુમારને JDU વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. ત્યારબાદ ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં સમ્રાટ ચૌધરીને નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા અને વિજય સિંહાને ઉપનેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. ભાજપ તરફથી સમ્રાટ ચૌધરી અને વિજય સિંહા ઉપ મુખ્યમંત્રી બનશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર વિધાનસભા અધ્યક્ષ પદ માટે ભાજપ અને JDU વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. સૂત્રો સૂચવે છે કે JDUના વિજય ચૌધરી અને BJPના પ્રેમ કુમારને આ પદ માટે મજબૂત દાવેદાર માનવામાં આવે છે. ગત વિધાનસભામાં, ભાજપના નંદ કિશોર યાદવે સ્પીકર તરીકે સેવા આપી હતી, જ્યારે JDUના નરેન્દ્ર નારાયણ યાદવે ડેપ્યુટી સ્પીકર તરીકે સેવા આપી હતી.
આ પણ વાંચો – ‘ચૂંટણી પંચને બદનામ કરી રહ્યા છે રાહુલ ગાંધી’, 272 હસ્તીઓએ લખ્યો ઓપન લેટર
નીતિશ કુમાર, સમ્રાટ ચૌધરી અને મુખ્ય સચિવ પ્રત્યય અમૃતે તૈયારીઓની સમીક્ષા કરવા માટે ગાંધી મેદાનની મુલાકાત લીધી હતી. તેમની સાથે વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા. સરકાર આ શપથ ગ્રહ સમારોહને ઐતિહાસિક બનાવવા માંગે છે.
બિહારમાં એનડીએ એ ઐતિહાસિક જીત મેળવી હતી
બિહારમાં એનડીએ એ ઐતિહાસિક જીત મેળવી હતી. 243 વિધાનસભા બેઠકોમાંથી એનડીએ 202 બેઠકો જીતી હતી અને મહાગઠબંન ફક્ત 35 બેઠકો મળી હતી. જ્યારે અન્યને 6 સીટો પર મળી હતી. એનડીએમાં ભાજપે 89 બેઠકો પર જીત મેળવી હતા જ્યારે જેડીયુએ 84 બેઠકો પર જીત મેળવી હતી. ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)એ 19 બેઠકો પર, જીતન રામ માંઝીની હિન્દુસ્તાની અવમ મોરચા (HAM)એ 5 બેઠક પર અને રાષ્ટ્રીય લોક મોરચા (RLM)એ 4 બેઠક પર જીત મેળવી હતી.





