Bihar Government Ministers Portfolio : બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને મંત્રીઓના શપથ ગ્રહણ બાદ સરકારના મંત્રાલયોની વહેંચણી કરવામાં આવી છે. આ પહેલી ઘટના નથી, જેમા મુખ્યમંત્રી પાસે ગૃહ મંત્રાલય નથી. નાયબ મુખ્યમંત્રી અને ભાજપના નેતા સમ્રાટ ચૌધરીને ગૃહ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. મોટાભાગના રાજ્યોની જેમ પરંપરાગત રીતે ગૃહ વિભાગ મુખ્યમંત્રીઓ પાસે રહે છે કારણ કે તેનાથી કાયદો અને વ્યવસ્થા અને પોલીસ પર સીધો અંકુશ મળે છે, પરંતુ આ વખતે બિહારમાં આવું થયું નથી.
બિહારમાં સરકારમાં મોટો ફેરફાર થયો છે અને પહેલીવાર ગૃહ મંત્રાલય ભાજપ પાસે ગયું છે. જો કે, કેટલાક રાજ્યો એવા છે જ્યાં ગૃહ વિભાગ નાયબ મુખ્યમંત્રી અથવા મંત્રીમંડળના મંત્રી પાસે છે.
ગુજરાતમાં સામાન્ય રીતે મુખ્યમંત્રીઓ ગૃહ મંત્રાલયને પોતાની સાથે રાખે છે
ગુજરાત જ્યાં 1998થી ભાજપ સત્તામાં છે, ત્યાં મુખ્યમંત્રીઓ સામાન્ય રીતે ગૃહ મંત્રાલય પોતાની પાસે છે. હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ તાજેતરના કેબિનેટમાં ફેરબદલ ન થાય ત્યાં સુધી આ વિભાગ પોતાની પાસે રાખ્યો હતો, જ્યારે તે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને સોંપવામાં આવ્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે સીએમ ભૂપેન્દ્ર પટેલે પોતાનો બોજ હળવો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે ફેરબદલ કરવામાં આવ્યો હતો. ભાજપના એક નેતાએ કહ્યું કે ભાજપ સરકારમાં તેમના કેબિનેટ સાથીદારને મુખ્યમંત્રીએ ગૃહ વિભાગ સોંપ્યો હોય તેવું આ એક દુર્લભ ઉદાહરણ છે.
આ રાજ્યોમાં પણ મુખ્યમંત્રી પાસે ગૃહ મંત્રાલય નથી
કોંગ્રેસ શાસિત કર્ણાટકમાં ગૃહ મંત્રાલય (ગુપ્તચર સિવાય) મંત્રી જી પરમેશ્વર પાસે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે જ્યારે 2023માં સરકાર બની ત્યારે પાર્ટીમાં તેમના કદ અનુસાર તેમને આ મંત્રાલય આપવામાં આવ્યું છે. પરમેશ્વર આ પહેલા 2015 થી 2017 સુધી ગૃહ મંત્રાલય સંભાળી ચૂક્યા છે. આંધ્ર પ્રદેશમાં, જ્યાં તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) ભાજપ અને પવન કલ્યાણની જનસેના પાર્ટી (જેએસપી) સાથે ગઠબંધન કરીને શાસન કરી રહી છે, મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ ધારાસભ્ય અનિતા વંગલાપુડીને ગૃહ મંત્રાલય આપ્યું છે, પરંતુ કાયદો અને વ્યવસ્થાનો વિભાગે પોતાની પાસે રાખ્યો છે.
છત્તીસગઢમાં ગૃહ મંત્રાલયની જવાબદારી નાયબ મુખ્યમંત્રી વિજય શર્માના હાથમાં છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં દિલ્હીમાં જ્યાં ભાજપ 27 વર્ષ પછી સત્તામાં પરત ફર્યું હતું, ત્યાં રેખા ગુપ્તા મુખ્યમંત્રી બન્યા હતા, પરંતુ ગૃહ મંત્રાલય જનકપુરીના ધારાસભ્ય આશિષ સૂદને સોંપવામાં આવ્યું હતું. સૂદ પાસે વિજળી, શહેરી વિકાસ, શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ અને તાલીમ અને તકનીકી શિક્ષણ વિભાગો પણ છે. તો પુડુચેરીમાં મંત્રી એ નમસ્સિવાયમ પાસે પણ ગૃહ મંત્રાલયનો હવાલો છે.
પૂર્વોત્તરના રાજ્યોમાં પણ આ પેટર્ન
ઘણા પૂર્વોત્તર રાજ્યોમાં, ગૃહ મંત્રાલય સંબંધિત કામગીરીને ઘણા મંત્રીઓ વચ્ચે વહેચવામાં આવી છે, એવું સત્તાવાર સરકારી વેબસાઇટ્સ પર દર્શાવાયું છે. અરુણાચલ પ્રદેશમાં ગૃહ વિભાગ મુખ્યમંત્રી પેમા ખાંડુ પાસે નથી, પરંતુ ગૃહ અને આંતરરાજ્ય સરહદ બાબતોની દેખરેખ રાખતા મંત્રી મામા નાટુંગા પાસે છે. આસામમાં, જ્યાં વર્તમાન સરકાર 2021માં રચાઈ હતી, ગૃહ મંત્રાલય સીએમ હિમંતા બિસ્વા સરમા અને મંત્રી રૂપેશ ગોવાલા વચ્ચે વહેંચાઈ ગયું છે, જે જેલ, હોમગાર્ડ, નાગરિક સંરક્ષણ અને અન્ય બાબતોનું સંચાલન કરે છે.
મેઘાલયમાં મુખ્યમંત્રી કોનરાડ સંગમા ગૃહ (રાજકીય) વિભાગ ધરાવે છે. ગૃહ (પોલીસ) વિભાગ નાયબ મુખ્યમંત્રી પ્રેસ્ટોન તિનસોંગ પાસે છે, ગૃહ (નાગરિક સંરક્ષણ અને ગૃહ રક્ષક) મંત્રી બ્રેનિંગ એ સંગમા અને ગૃહ (પાસપોર્ટ) મંત્રી વૈલાદમિકી શાયલા પાસે છે. મિઝોરમમાં મંત્રી પી કે સપદાંગા પાસે ગૃહ મંત્રાલય છે જ્યારે નાગાલેન્ડમાં નાયબ મુખ્યમંત્રી વાય પેટન ગૃહ અને સરહદ બાબતોની જવાબદારી સંભાળે છે.





