બિહાર, સિતામઢી : રામ મંદિર પછી ભાજપનું હવે ‘સીતા મંદિર’ કાર્ડ! જાણો શું છે પ્લાન?

બિહારના સીતામઢીમાં સીતા મંદિર નો વિકાસ કરવાનો હવે ભાજપનો પ્લાન છે. રામ મંદિરની જેમ આને ભવ્ય બનાવવા માટે જમીન સંપાદન કરવામાં આવશે. તો જોઈએ શું છે પૂરો પ્લાન.

Written by Kiran Mehta
March 19, 2024 14:27 IST
બિહાર, સિતામઢી : રામ મંદિર પછી ભાજપનું હવે ‘સીતા મંદિર’ કાર્ડ! જાણો શું છે પ્લાન?
ભાજપનો પ્લાન, બિહાર સીતામઢી સિતા મંદિર (ફોટો - એક્સપ્રેસ)

BJP Bihar Sitamarhi Sita Mandir Plan : અયોધ્યામાં રામ મંદિર પછી, ઉત્તર બિહારના સીતામઢી જિલ્લામાં સીતા માટે “ભવ્ય મંદિર” બનાવવાની યોજના છે. એવું માનવામાં આવે છે કે, સીતાનો જન્મ સીતામઢીમાં થયો હતો. બિહાર સરકારે સૈદ્ધાંતિક રીતે, નવું મંદિર બનાવવા માટે સીતામઢીમાં હાલના મંદિરની આસપાસ 50 એકર જમીન સંપાદિત કરવાનો નિર્ણય લીધો છે. શુક્રવારે (15 માર્ચ) ના રોજ યોજાયેલી બિહાર કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

બિહારના પૂર્વ એમએલસી અને ભાજપના સભ્ય કામેશ્વર ચૌપાલે કહ્યું, “સીતામઢી સીતા માટે છે, જેમ અયોધ્યા રામ માટે છે. હિન્દુઓ માટે આ પવિત્ર ભૂમિ છે. દુનિયાભરમાંથી લોકો હવે રામ મંદિરમાં પૂજા કરવા અયોધ્યા આવશે અને સીતાની જન્મભૂમિ પણ જોવા માંગશે. અમારો તર્ક છે કે, સીતામઢીમાં સીતાની ગરિમાને અનુરૂપ એક ભવ્ય મંદિર બનાવવું જોઈએ.”

કામેશ્વર ચૌપાલનો રામ મંદિર સાથે જૂનો સંબંધ છે

ચૌપાલ લાંબા સમયથી સીતામઢીમાં ભવ્ય સીતા મંદિરની માંગ કરી રહ્યા છે. 1989 માં અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસ દરમિયાન ચૌપાલે જ પ્રથમ ઈંટ નાખી હતી. હાલમાં ચૌપાલ અયોધ્યા મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી પણ છે.

તે ઉમેરે છે, “સીતામઢીમાં એક મંદિર છે, જેનું નિર્માણ લગભગ 100 વર્ષ પહેલા થયું હતું, પરંતુ તે બહુ સારી સ્થિતિમાં નથી. અમારો પ્રસ્તાવ એક નવું મંદિર બનાવવાનો છે, જે અયોધ્યામાં રામ મંદિર જેટલું ભવ્ય હશે.

શું છે સરકારની યોજના?

50 એકરનું જમીન સંપાદન એ 16.63 એકરથી વધારે હશે, જે બિહાર સરકારે હાલના મંદિર સંકુલની આસપાસના વિસ્તારના પુનર્વિકાસ માટે અગાઉ હસ્તગત કરી હતી. રામ મંદિરની જેમ જ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા એકત્ર કરાયેલા ભંડોળથી મંદિરનું નિર્માણ કરવામાં આવશે.

બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારના મુખ્ય સચિવ ડૉ. એસ સિદ્ધાર્થે કહ્યું, “સરકાર મંદિર બનાવી શકતી નથી. પરંતુ, અહીં ભવ્ય મંદિર બનાવવામાં આવે તેવી માંગ સતત ઉઠી રહી છે. સરકાર આ શક્ય બનાવવા માટે જમીન સંપાદન કરી રહી છે.

સિદ્ધાર્થે કહ્યું, “જ્યારે મંદિર બનશે, ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવશે, તેમને હોટલ અને જાહેર સુવિધાઓ વગેરેની જરૂર પડશે. આ વિસ્તારની ભાવિ વિકાસની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને જમીન સંપાદન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રામ મંદિરના નિર્માણ બાદ લોકોમાં આ જગ્યાને લઈને રસ વધ્યો છે. “અહીં તિરુપતિ જેવી સાઇટ વિકસાવવાની સંભાવના છે, અને અમે ખાતરી કરવા માંગીએ છીએ કે, તે પ્રકારના વિકાસ માટે પૂરતી જગ્યા ઉપલબ્ધ છે.”

સીતામઢી, સીતા મંદિર કેન્દ્રના પ્રોજેક્ટનો એક ભાગ છે

સીતામઢી એ રામાયણ સર્કિટનો એક ભાગ છે, જે રામાયણમાં ઉલ્લેખિત 15 મહત્વપૂર્ણ સ્થાનોનું એક જૂથ છે, જેને કેન્દ્ર સરકાર દ્વારા ધાર્મિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે વિકસાવવામાં આવી શકે છે.

જો કે નવા મંદિરની માંગ ઘણા સમયથી કરવામાં આવી રહી હતી, પરંતુ થોડા વર્ષો પહેલા અયોધ્યામાં મંદિરનું નિર્માણ શરૂ થયું ત્યારથી તેને વેગ મળ્યો છે. બિહાર સરકારે આ વિસ્તારમાં પુનઃવિકાસ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી અને આ વર્ષની શરૂઆતમાં તેના માટે રૂ. 72 કરોડ મંજૂર કર્યા હતા. ભક્તોએ સિદ્ધાર્થ અને બિહાર સરકારના અન્ય અધિકારીઓ સાથે બેઠક કરી તેના બે દિવસ બાદ જ જમીન સંપાદન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટના વકીલ અમરેન્દ્ર સિંહ, જે નવા મંદિર માટે દબાણ કરનારા જૂથનો એક ભાગ છે, તેમણે કહ્યું, “બિહારમાં નીતિશ કુમાર સરકારનો આ ઐતિહાસિક નિર્ણય છે. આ વિસ્તાર અને બહારના લોકોની લાગણીની ખૂબ જ નજીક હોય તેવા આ મુદ્દામાં મુખ્યમંત્રીએ અંગત રસ લીધો હતો. રાજ્ય સરકારના નિર્ણયથી મંદિરના નિર્માણનો માર્ગ મોકળો થયો છે, જે અયોધ્યામાં રામ મંદિરની સમકક્ષ હોઈ શકે.”

આ પણ વાંચો – લોકસભા ચૂંટણી : મોદીના ‘હનુમાન’ એ કેવી રીતે સળગાવી કાકા પશુપતિની રાજકીય લંકા, ચિરાગ પાસવાનનો અસલી ખેલ સમજો

ચૌપાલે કહ્યું કે, સૂચિત મંદિરની વિગતો પર હજુ કામ કરવાનું બાકી છે, “હજુ શરૂઆતના દિવસો છે. બિહાર સરકારે જમીનની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરીને ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે તે અમારા જેવા લોકો, હાલના મંદિરનું સંચાલન કરનાર ટ્રસ્ટ અને અન્ય રસ ધરાવતા લોકો પર નિર્ભર છે કે, તેઓ તેને આગળ લઈ જાય. “અમે સીતામઢી અને આ પ્રસ્તાવિત નવું મંદિર આવનારા વર્ષોમાં એક મહત્વપૂર્ણ તીર્થ સ્થળ બનવાની રાહ જોઈ રહ્યા છીએ.”

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ