BJP Candidate List For Lok Sabha Election 2024 : ભાજપ કહે છે – મોદી હૈ તો મુમકની હૈ. તેના નેતાઓ કહેતા હશે – ભાજપમાં આવું પણ શક્ય છે. ખાસ કરીને એવા નેતા જે પાછલી ચૂંટણીમાં લગભગ 5 લાખ કે તેના કરતા વધુ માર્જિનથી જીતવા છતાં આ વખતે લોકસભા ચૂંટણી 2024માં ટિકિટ મેળવી શક્યા નથી.
પહેલા જાણો, લોકસભા ચૂંટણી 2019માં જંગી જીત મેળવનારા ક્યા નેતાઓની ટિકિટ ભાજપે કાપી નાંખી છે અથવા તો તેમને બીજે ચૂંટણી લડવા મોકલ્યા.
ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીમાં નેતાની ટિકિટ કાપવાના કારણ સમજીયે
સંજય ભાટિયાને કરનાલમાં મળી હતી સૌથી મોટી જીત
સૌથી પહેલા વાત કરીએ હરિયાણાની કરનાલ લોકસભા બેઠકની. લોકસભા ચૂંટણી 2019માં સંજય ભાટિયાએ કરનાલ બેઠક પરથી દેશની સૌથી મોટી જીત હાંસલ કરી હતી. તેમની જીતનો આંકડો 6,56,142 મતનો હતો. માનવામાં આવી રહ્યું હતું કે આ વખતે પણ કરનાલ સીટ પરથી ભાજપ સંજય ભાટિયાને મેદાનમાં ઉતારશે, પરંતુ અચાનક થયેલા રાજકીય ઘટનાક્રમમાં કુરુક્ષેત્રના સાંસદ નયાબ સિંહ સૈનીને પાર્ટીએ મુખ્યમંત્રી બનાવ્યા અને તેના થોડા દિવસો બાદ વિદાય લઈ રહેલા મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરને કરનાલથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા.
સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર સંજય ભાટિયાને 2019ની લોકસભા ચૂંટણીમાં તત્કાલિન મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરની ભલામણ પર ટિકિટ આપવામાં આવી હતી. કદાચ એટલે જ ભાજપે તેમને ખટ્ટર માટે તેમની જગ્યા ખાલી કરાવી હતી. આવી સ્થિતિમાં અસંતોષનું જોખમ ઓછું રહેશે. સંજય ભાટિયાને હાલમાં જ ઉત્તર પ્રદેશ જેવા મોટા રાજ્યના સહપ્રભારી બનાવવામાં આવ્યા છે.
સુભાષ ચંદ્ર બહેરિયાના સ્થાને દામોદર અગ્રવાલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા
આ યાદીમાં બીજું નામ છે સુભાષ ચંદ્ર બહેરિયા, જેમણે 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર રાજસ્થાનના ભીલવાડાથી જીત મેળવી હતી. બહેરિયાએ 2019ની ચૂંટણીમાં 6,12,000 મતના માર્જિનથી વિજય મેળવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાર્ટીના કેટલાક નેતા બહેરિયાને ટિકિટ આપવાના વિરોધમાં હતા અને કેટલાક નેતાઓએ આ મામલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને પત્ર લખ્યો હતો. આ વખતે તેમની જગ્યાએ દામોદર અગ્રવાલને પાર્ટીએ ઉમેદવાર બનાવ્યા છે.
બેઠક (રાજ્ય) 2019માં જીતનાર સાંસદો જીતનું માર્જિન 2024માં આ નેતાને ટિકિટ મળી કરનાલ (હરિયાણા) સંજય ભાટિયા 656142 મનોહર લાલ ખટ્ટર ભીલવાડા (રાજસ્થાન) સુભાષચંદ્ર બહેરિયા 612000 દામોદર અગ્રવાલ વડોદરા (ગુજરાત) રંજન ભટ્ટ 589177 હેમાંગ જોશી પશ્ચિમ દિલ્હી પરવેશ વર્મા 578486 કમલજીત સહરાવત ઉત્તર પશ્ચિમ દિલ્હી હંસ રાજ હંસ 553897 યોગેન્દ્ર ચંદોલિયા હોશંગાબાદ (મધ્યપ્રદેશ) ઉદય પ્રતાપ સિંહ 553682 દર્શનસિંહ ચૌધરી રાજસમંદ (રાજસ્થાન) દીયા કુમારી 551916 મહિમા વિશ્વેશ્વર સિંહ સુરત (ગુજરાત) દર્શના જરદોશ 548230 મુકેશ દલાલ વિદિશા (મધ્યપ્રદેશ) રમાકાંત ભાર્ગવ 503084 શિવરાજ સિંહ ચૌહાણ ગાઝિયાબાદ (ઉત્તર પ્રદેશ) વીકે સિંહ 5,01,500 અતુલ ગર્ગ ધનબાદ (ઝારખંડ) પશુપતિનાથ સિંહ 486194 ધુલુ મહતો
રંજન બેને કેમ ચૂંટણી લડવા કર્યો ઇન્કાર
2019ની લોકસભા ચૂંટણીમાં ત્રીજી સૌથી મોટી જીત રંજન બેન ધનંજય ભટ્ટે ગુજરાતની વડોદરા લોકસભા બેઠક પર નોંધાવી હતી. તેમની જીતનો આંકડો 5,89,177 મત હતો. પાર્ટીએ રંજન ભટ્ટની ટિકિટ કાપી અને હેમાંગ જોશીને અહીંથી ઉમેદવાર બનાવ્યા છે. રંજનબેન ધનંજય ભટ્ટે જણાવ્યું હતું કે, તેઓ અંગત કારણોસર લોકસભાની ચૂંટણી લડવા માંગતા નથી. પરંતુ આ વખતે ભાજપમાં એવા ઘણા નેતાઓ (વીકે સિંહ, ગૌતમ ગંભીર વગેરે) હતા જેમણે યાદી જાહેર થતા પહેલા જ પોતાના તરફથી ચૂંટણી ન લડવાની જાહેરાત કરી હતી. દેખીતી રીતે જ, તેમને ટિકિટ નહીં મળે તે નક્કી હતું.
પ્રવેશ શર્માના સ્થાને કમલજીત સહરાવત
આ યાદીમાં ચોંકાવનારું નામ પશ્ચિમ દિલ્હીના ભાજપના સાંસદ પરવેશ વર્માનું છે. 2019ની ચૂંટણીમાં પરવેશ વર્મા 5,78,486 વોટથી જીત્યા હતા. આ વખતે ભાજપે આ બેઠક પરથી કમલજીત સહરાવતને મેદાનમાં ઉતાર્યા છે. કમલજીત સેહરાવત દક્ષિણ દિલ્હીના મેયર રહી ચૂક્યા છે અને દિલ્હીના રાજકારણમાં જાણીતો ચહેરો છે.
મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે વર્માની ટિકિટ તેમના ઉશ્કેરણીજનક નિવેદનોને કારણે કાપી નાખવામાં આવી હતી. પરંતુ આ વાતમાં બહુ દમ દેખાતો નથી, કારણ કે પાર્ટી દ્વારા તેમના વિરુદ્ધ આ પ્રકારના નિવેદનો માટે ક્યારેય કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી કે તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ઉલ્ટાનું તાજેતરમાં જ તેમને ચૂંટણીલક્ષી દ્રષ્ટિએ મહત્વના રાજસ્થાનના સહપ્રભારી બનાવીને મોટી જવાબદારી સોંપવામાં આવી હતી.
હંસરાજ હંસને પંજાબથી મળી ટિકિટ
આવી જ રીતે ઉત્તર-પશ્ચિમ દિલ્હીની અન્ય એક બેઠક પરથી ભાજપે આ વખતે વર્તમાન સાંસદ હંસરાજ હંસને તેમના ગૃહ રાજ્ય પંજાબમાંથી ટિકિટ આપી છે. હંસરાજ હંસ 2019ની લોકસભા ચૂંટણીમાં 553897 વોટથી જીત્યા હતા. એસસી અનામત બેઠક માટે પાર્ટીએ હંસરાજ હંસની જગ્યાએ યોગેન્દ્ર ચંડોલિયાને મેદાનમાં ઉતાર્યા છે.
ચંદોલિયા ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર રહી ચૂક્યા છે અને હાલમાં તેઓ દિલ્હી ભાજપના મહાસચિવ છે. હંસરાજ હંસને લઇને લાંબી ચર્ચા ચાલી રહી હતી કે પંજાબમાં પોતાનો આધાર વધારવા માટે ભાજપ તેમને પંજાબની એક સીટ પરથી મેદાનમાં ઉતારશે અને આવું થયું. આવું એટલા માટે કારણ કે ભાજપ પંજાબમાં પોતાનો રાજકીય કિલ્લો મજબૂત કરવા માંગે છે.
હંસરાજ હંસ જાણીતા ગાયક છે અને પંજાબની અંદર તેમની ફેન ફોલોઇંગ ખૂબ જ મોટી છે. હંસરાજ હંસ પંજાબથી ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે ભાજપને ત્યાંના અનુસૂચિત જાતિના મતદારોનું જંગી સમર્થન મળે તેવી શક્યતા છે, જેઓ અનુસૂચિત જાતિ વર્ગમાંથી આવે છે. ભારતમાં પંજાબમાં અનુસૂચિત જાતિના મતદારોની સંખ્યા સૌથી વધુ છે. રાજ્યમાં તેમની વસ્તી આશરે ૩૨ ટકા છે.
ઉદય પ્રતાપ સિંહ બન્યા ધારાસભ્ય
આવી જ રીતે ભાજપે પણ હોશંગાબાદ બેઠક પરથી ઉદય પ્રતાપ સિંહને ટિકિટ આપી નથી. તેઓ છેલ્લી વખત 553682 મતોથી જીત્યા હતા. આ વખતે ભાજપે ત્યાંથી દર્શન સિંહ ચૌધરીને ટિકિટ આપી છે.
ઉદય પ્રતાપ સિંહને ડિસેમ્બર 2023ની વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીએ મેદાનમાં ઉતાર્યા હતા અને ગાડરવાડા બેઠક પરથી જીત્યા હતા. જીત બાદ તેમને રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. આથી તેઓ લોકસભા ચૂંટણી 2024 નહીં લડે તે નક્કી હતું.
દર્શના જરદોશની ટિકિટ કપાઇ
ગત વખતે ગુજરાતની સુરત બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી જીતનાર દર્શના જરદોશને પણ આ વખતે પાર્ટીએ ટિકિટ આપી ન હતી. દર્શના ગત ચૂંટણીમાં 5,48,230 મતોથી જીત્યા હતા અને મોદી સરકારમાં મંત્રી પણ બનાવવામાં આવ્યા હતા. આ વખતે ભાજપે મુકેશ દલાલને આ બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દર્શના જરદોશનો પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે રાજકીય તાલમેલ સારો નહોતો. આ ઉપરાંત સુરતના કાપડના વેપારીઓ દર્શના જરદોશની કામગીરીથી ખુશ ન હોવાનું પણ પક્ષના અહેવાલમાં બહાર આવ્યું હતું.
મધ્યપ્રદેશમાં રમાકાંતના બદલે શિવરાજ ચૌહાણ
ગત વખતે મધ્યપ્રદેશની વિદિશા બેઠક પર 5,53,682 મતોથી જીતેલા રમાકાંત ભાર્ગવ પણ આ વખતે પાર્ટીની ટિકિટ મેળવવાથી વંચિત રહ્યા હતા. 18 વર્ષ સુધી મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી રહેલા શિવરાજ સિંહ ચૌહાણને ભાજપે અહીંથી મેદાનમાં ઉતાર્યા છે.
ડિસેમ્બર 2023માં જ્યારે મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા હતા, ત્યારે પાર્ટીએ શિવરાજસિંહ ચૌહાણની જગ્યાએ મોહન યાદવને મુખ્યમંત્રીની ખુરશી સોંપી હતી. ત્યાર બાદથી જ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે શિવરાજ સિંહ ચૌહાણને પાર્ટી શું જવાબદારી આપશે.
શિવરાજ સિંહ ચૌહાણ પાંચ વખત વિદિશા સીટથી સાંસદ રહી ચૂક્યા છે અને એટલા માટે જ પાર્ટીએ તેમને ફરી એકવાર આ સીટ પરથી ઉમેદવાર બનાવ્યા છે.
વીકે સિંહની ટિકિટ કેમ કપાઈ?
2019ની લોકસભા ચૂંટણીમાં મોટા માર્જિનથી જીતેલા ઉમેદવારોમાં એક છે પૂર્વ કેન્દ્રીય મંત્રી વીકે સિંહ, જેમણે ગાઝિયાબાદ સીટથી જીત મેળવી હતી. વીકે સિંહ આર્મી ચીફ રહી ચૂક્યા છે અને 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં તેમણે અહીંથી મોટી જીત મેળવી હતી. 2019ની ચૂંટણીમાં તેઓ 5,01,500 મતોથી જીત્યા હતા, પરંતુ આ વખતે પાર્ટીએ ગાઝિયાબાદ બેઠક પરથી સ્થાનિક ધારાસભ્ય અતુલ ગર્ગને મેદાનમાં ઉતાર્યા છે.
સરકારની થઇ બદનામી
અત્રે નોંધનિય છે કે, એપ્રિલ 2021 માં જ્યારે આખો દેશ કોરોના સામે યુદ્ધ લડી રહ્યો હતો. ત્યારે વીકે સિંહના એક ટ્વીટ પર મોદી સરકારની બહુ બદનામી થઇ હતી. આ ટ્વિટમાં વીકે સિંહે ગાઝિયાબાદના જિલ્લા મેજિસ્ટ્રેટને કોરોનાની સારવાર માટે પોતાના ભાઈ માટે બેડની જરૂરિયાત વિશે જણાવ્યું હતું અને લખ્યું હતું કે ગાઝિયાબાદમાં બેડની વ્યવસ્થા કરવામાં આવી રહી નથી.
વી.કે.સિંહ ભારત સરકારમાં મંત્રીના પદ પર હોવાથી અને ગાઝિયાબાદમાં પોતાના ભાઈ માટે બેડની વ્યવસ્થા ન થઈ રહી હોવાના તેમના નિવેદનને વિરોધ પક્ષો અને મોદી સરકારના તમામ ટીકાકારોએ મુદ્દો બનાવી દીધો હતો અને કહ્યું હતું કે, દેશમાં સ્થિતિ એટલી ખરાબ છે કે કેન્દ્રીય મંત્રીએ પોતાના ભાઈ માટે જિલ્લા મેજિસ્ટ્રેટ પાસે મદદ લેવી પડે છે.
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે વી.કે. સિંહ પર ગાઝિયાબાદમાં એન્ટી ઇન્કમ્બન્સીનો કેસના લીધે તેમની ટિકિટ કાપવામાં આવી છે.
પશુપતિનાથ સિંહની જગ્યાએ ધુલુ મહતો
ભાજપે 2019ની ચૂંટણીમાં મોટા માર્જિનથી જીતેલા અન્ય એક સાંસદને મેદાનમાં ઉતાર્યા નથી. તેમનું નામ પશુપતિનાથ સિંહ છે. ઝારખંડના ધનબાદના સાંસદ પશુપતિ નાથ સિંહે ગત લોકસભા ચૂંટણીમાં 4,86,194 મતોથી જીત મેળવી હતી. આ વખતે પાર્ટીએ તેમના સ્થાને ધુલુ મહતોને ઉમેદવાર બનાવ્યા છે. ધુલુ મહતો બાગમારા બેઠક પરથી પાર્ટીના ધારાસભ્ય છે.
એવું કહેવાય છે કે વૃદ્ધાવસ્થાને કારણે પશુપતિનાથ સિંહને આ વખતે પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વએ ટિકિટ આપી નથી. પશુપતિ નાથ સિંહ 74 વર્ષના છે.
દીયા કુમારી બન્યા રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી
ઉલ્લેખનીય છે કે 2019ની ચૂંટણીમાં રાજસ્થાનના રાજસમંદથી શાનદાર જીત મેળવનાર દીયા કુમારીનો પર ઉલ્લેખ કરવો જરૂરી છે. દીયા કુમારીએ ગત ચૂંટણીમાં 5,51,916 મતોથી જીત મેળવી હતી. પરંતુ ડિસેમ્બર 2023ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ એ દીયા કુમારીને રાજસ્થાનમાં સરકાર બનાવ્યા બાદ ઉપમુખ્યમંત્રી બનાવ્યા હતા.
આ પણ વાંચો | પુરુષોત્તમ રૂપાલા વિવાદ : શું ક્ષત્રિય સમાજની નારાજગી ભાજપને ભારે પડશે?
આથી તેમના સ્થાને અન્ય ઉમેદવારને ટિકિટ આપવી અનિવાર્ય હતી. પાર્ટીએ અહીંથી મહિમા વિશ્વેશ્વર સિંહને ટિકિટ આપી છે. મહિમા વિશ્વેશ્વર સિંહ નાથદ્વારા સીટથી ભાજપના ધારાસભ્ય વિશ્વરાજ સિંહ મેવાડના પત્ની છે. વિશ્વરાજસિંહ મેવાડ એ ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના મજબૂત નેતા સીપી જોશીને હરાવ્યા હતા.