કાળું પ્લાસ્ટિક આજકાલ આધુનિક રસોડાની શાન બની રહ્યું છે. પરંતુ રસોઇમાં એના ઉપયોગને લઇને ચોંકાવનારા તથ્યો સામે આવી રહ્યા છે. જે જાણવા જરુરી છે. રસોઈના સ્પેટ્યુલા, ટેકઆઉટ બોક્સ અને રસોડાના પીલર્સ બનાવવા માટે વપરાતા કાળા પ્લાસ્ટિક અંગે ગયા વર્ષે એક અભ્યાસમાં દાવો કરાયો હતો કે તેમાં ઝેરી જ્યોત પ્રતિરોધક તત્વો છે જે ખોરાકમાં ખતરનાક સ્તરે પ્રવેશી શકે છે. જોકે તાજેતરમાં એવું સામે આવ્યું છે કે, એ અભ્યાસમાં ઝેરી રસાયણોમાંથી એકના સ્તરની ખોટી ગણતરી કરવામાં આવી હતી, અને સંશોધકોએ સુધારો કરવો પડ્યો હતો.
કાળા પ્લાસ્ટિક અંગેના અભ્યાસમાં સુધારો કરાયો છે. પરંતુ અહીં યક્ષ સવાલ એ છે કે શું કાળુ પ્લાસ્ટિક રસોડામાં ઉપયોગમાં લેવું યોગ્ય છે ખરુ? કાળું પ્લાસ્ટિક શું છે, તેમાં રહેલા ઝેરી રસાયણો અને શું કાળા પ્લાસ્ટિકના સ્પેટ્યુલા અને તેમાંથી બનેલા અન્ય વાસણોનો રસોઇ બનાવવા માટે ઉપયોગ કરવો જોઈએ? આવો હકીકત સમજવા પ્રયાસ કરીએ.
કાળું પ્લાસ્ટિક શું છે?
કાળું પ્લાસ્ટિક મોટાભાગે કમ્પ્યુટર, ટીવી અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો જેવા રિસાયકલ કરેલા ઇલેક્ટ્રોનિક કચરામાંથી બનાવવામાં આવે છે. અહીં નોંધનિય બાબત એ છે કે, આ ઇલેક્ટ્રોનિક્સ સામાનમાં સામાન્ય રીતે જ્યોત પ્રતિરોધક બ્રોમિન, એન્ટિમોની, સીસું, કેડમિયમ અને પારો જેવી ભારે ધાતુઓ જેવા પદાર્થો હોય છે. આગના જોખમોને રોકવા માટે આ ઇલેક્ટ્રોનિક્સમાં જ્યોત પ્રતિરોધક તત્વોનો સમાવેશ થાય છે.
આ પદાર્થો અને ભારે ધાતુઓ ઉચ્ચ તાપમાને સંપર્કમાં આવવાથી બનતા ઝેરી તત્વો માનવો માટે જોખમી છે જેને લીધે ઘણા દેશોમાં આના પર પ્રતિબંધ છે. બીજી તરફ આમાંના કેટલાક રસાયણો ધરાવતા પ્લાસ્ટિક વેસ્ટ હજુ પણ રિસાયક્લિંગ પ્રક્રિયામાંથી પસાર થઇ રહ્યા હોવાનું અનુમાન છે.
અભ્યાસમાં શું કહેવામાં આવ્યું?
ગયા વર્ષે ઓક્ટોબરમાં જર્નલ કેમસ્ફિયરમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં વેચાતા 203 કાળા પ્લાસ્ટિકના ઘરગથ્થુ ઉત્પાદનોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું જેમાં રસોડાના વાસણો, ટેકવે કન્ટેનર અને રમકડાંનો સમાવેશ થાય છે.
જેમાં જાણવા મળ્યું કે આ ઉત્પાદનોમાં ડેકાબ્રોમોડિફેનાઇલ ઈથર (BDE-209) નામનું જ્યોત-પ્રતિરોધક રસાયણ હતું જે સંભવિત માનવ સ્વાસ્થ્ય જોખમો સાથે જોડાયેલું હતું અને એક દાયકા કરતાં વધુ સમય પહેલાં યુએસમાં તબક્કાવાર બંધ કરવામાં આવ્યું હતું.
ધ ગાર્ડિયનના અહેવાલ અનુસાર, સંશોધકોએ વધુમાં નોંધ્યું હતું કે, રસોડાના કેટલાક વાસણોની BDE 209 માત્રા 34,700ng સુધી પહોંચે છે જે યુએસ એન્વાયર્નમેન્ટલ હેલ્થ પ્રોટેક્શન એજન્સી (EPA) દ્વારા સૂચવવામાં આવેલી સલામત એક્સપોઝર મર્યાદાની નજીક છે.
જોકે પાછળથી એવું બહાર આવ્યું કે, સંશોધકોએ (EPA) ના સંદર્ભ ડેટાની ગણતરી ખોટી કરી હતી. જોકે આ ગણતરી સુધારતાં એવું સામે આવ્યું હતું કે, કાળા ચમચા અને સ્પેટ્યુલામાંથી અંદાજિત BDE 209 એક્સપોઝર EPA ની ભલામણ કરેલ મર્યાદા કરતાં દસમા ભાગ કરતાં પણ ઓછું છે.
શું કાળા પ્લાસ્ટિકના ઉત્પાદનો વાપરવા સલામત છે?
આ સવાલ અંગે હજુ કોઇ સ્પષ્ટતા નથી. રસોઇના વાસણોમાં BDE-209 નું સ્તર EPA ની મર્યાદાથી નીચે હોઈ શકે છે, પરંતુ સંશોધકો સૂચવે છે કે આ જ્યોત પ્રતિરોધકોનો “સુરક્ષિત ડોઝ” શું હોઈ શકે છે તે ખરેખર કોઈને ખબર નથી. તેઓએ એક્સપોઝર મર્યાદા સચોટ છે કે કેમ તે અંગે પણ સવાલ ઉઠાવ્યો છે, કારણ કે તે એક જૂનો આંકડો છે. આમ, આ સંજોગોમાં સલામતી અંગે અવઢવ પ્રવર્તે છે.
જોકે કાળા પ્લાસ્ટિકના બધા ઉત્પાદનો ખાસ કરીને એવા કે જે રિસાયક્લિંગ માટે યોગ્ય નથી તેને ફેંકી દેવા એ પણ આ સમસ્યાનો કોઇ ઉકેલ નથી. પર્યાવરણવિદ એડમ હેરિયટે ધ ગાર્ડિયનને જણાવ્યું કે, તમારી પાસે જે છે તેનો ઉપયોગ થાય ત્યાં સુધી તેનો ઉપયોગ કરવો વધુ સારુ છે. પછી તેને બદલો, નહીં કે તમે તમારા બધા ટપરવેર અને કાળા સ્પેટ્યુલા બદલી કાઢો.
ભારતમાં બદલાતું રોજગાર ક્ષેત્ર મધ્યમ વર્ગ 2.0 માટે પડકાર કેમ છે! વિગતે સમજો
શું તમે તમારા રસોડામાં કાળા પ્લાસ્ટિકના વાસણો ઉપયોગમાં લઇ રહ્યા છો? કોમેન્ટ બોક્સમાં તમારી કોમેન્ટ જણાવો