PM Modi at BRICS Summit : ભારત અને ચીન વચ્ચે પાંચ વર્ષ બાદ દ્વિપક્ષીય વાતચીત થઈ છે. પીએમ મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી અને કહ્યું કે અમારી મુલાકાત પાંચ વર્ષ પછી થઇ રહી છે, અમે સરહદ પર બનેલી સહમતીનું સ્વાગત કરીએ છીએ, એકબીજાનું સન્માન થવું જોઈએ. બંને નેતાઓની આ મુલાકાત રશિયાના કઝાનમાં થઈ છે અને તેને ઘણી રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું કે આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ છે અને બંને પક્ષો માટે વધુમાં વધુ વાતચીત અને સહયોગ કરવો જરૂરી છે.
પીએમ મોદીએ શું કહ્યું?
રશિયાના કઝાનમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમે 5 વર્ષ પછી ઔપચારિક બેઠક કરી રહ્યા છીએ. અમારું માનવું છે કે ભારત અને ચીન વચ્ચેનો સંબંધ માત્ર આપણા લોકો માટે જ નહીં પરંતુ વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને પ્રગતિ માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે સરહદ પર છેલ્લા ચાર વર્ષમાં ઉભા થયેલા મુદ્દાઓ પર થયેલી સર્વસંમતિનું સ્વાગત કરીએ છીએ. સરહદ પર શાંતિ અને સુલેહ જાળવી રાખવી એ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ. પારસ્પરિક વિશ્વાસ, પારસ્પરિક સન્માન અને પારસ્પરિક સંવેદનશીલતા આપણા સંબંધોનો આધાર બન્યો રહેવો જોઈએ.
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે શું કહ્યું?
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું કે બંને પક્ષો વચ્ચે વધારેમાં વધારે સંવાદ અને સહયોગ કરવો, પોતાના મતભેદો અને અસહમતીઓને યોગ્ય રીતે સંભાળવી અને એકબીજાને તેમની વિકાસલક્ષી આકાંક્ષાઓ પૂર્ણ કરવામાં મદદ કરવી મહત્ત્વપૂર્ણ છે. બંને પક્ષો માટે એ મહત્વપૂર્ણ છે કે તે પોતાની આંતરરાષ્ટ્રીય જવાબદારી નિભાવે, વિકાસશીલ દેશોની તાકાત અને એકતા વધારવા માટે એક ઉદાહરણ સ્થાપિત કરે અને આંતરરાષ્ટ્રીય સંબંધો અને લોકશાહીને પ્રોત્સાહન આપવા યોગદાન આપે.
આ પણ વાંચો – બ્રિક્સ સંમેલનમાં પીએમ મોદીએ કહ્યું – અમે યુદ્ધ નહીં, ડાયલોગ અને ડિપ્લોમેસીના સમર્થક
આ પહેલા વડાપ્રધાન મોદીએ બ્રિક્સ સમિટને સંબોધતા કહ્યું કે ભારત બ્રિક્સ હેઠળ સહયોગ વધારવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. વિવિધતા અને માનવતામાં અમારો વિશ્વાસ જ અમારી તાકાત છે અને આ અમારી આવનારી પેઢીઓના સમૃદ્ધ અને મજબૂત ભવિષ્યને અર્થપૂર્ણ રીતે આકાર આપવામાં મદદ કરશે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ બ્રાઝિલના રાષ્ટ્રપતિને બ્રિક્સના આગામી અધ્યક્ષ તરીકે શુભેચ્છા પાઠવી છે અને કહ્યું છે કે ભારત તેમને સંપૂર્ણ સમર્થન આપશે.