Haryana Hisar MP Brijendra Singh Resign Form BJP : લોકસભા ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. હરિયાણામાં હિસાર બેઠકથી ભાજપ સાંસદ બ્રિજેન્દ્ર સિંહે રાજીનામું આપી છે. તેઓ આજે તેમના પિતા ચૌધરી બિરેન્દ્ર સિંહ સાથે કોંગ્રેસમાં જોડાઈ શકે છે. બ્રિજેન્દ્ર સિંહ 2014માં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ પછી તેમને રાજ્યસભાના સભ્ય બનાવી કેન્દ્રીય મંત્રી બનાવવામાં આવ્યા હતા.
2019ની લોકસભા ચૂંટણીમાં બ્રિજેન્દ્ર સિંહને ભાજપે હરિયાણામાં હિસાર લોકસભા બેઠક પરથી ટિકિટ આપી હતી અને જીત્યા હતા. બિરેન્દ્ર સિંહે જેજેપી સાથે ગઠબંધન છોડવાની વાત કરી હતી. જ્યારે ભાજપે આવું ન કર્યું તો બ્રિજેન્દ્ર સિંહે ભાજપ છોડવાની ઘોષણા કરી છે. જો કે અત્યાર સુધી ભાજપે લોકસભા ચૂંટણીને લઇ જેજેપી સાથે ગઠબંધનને લઇ કોઇ ઘોષણા કરી નથી.
બ્રિજેન્દ્ર સિંહ 2014માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. આ પછી 2014માં જ્યારે વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે ભાજપે તેમની પત્ની પ્રેમલતાને ઉચાના વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપી અને તેઓ જીતી ગયા. છેલ્લા 3 મહિનાથી બ્રિજેન્દ્ર સિંહ અને તેમના પુત્ર કોંગ્રેસમાં જોડાવા અંગેની અટકળોએ જોર પકડ્યું છે. પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા સાથે તેમની અવારનવાર મુલાકાતો થતી હતી.
હિસારથી કુલદીપ બિશ્નોઈનું નામ ચર્ચામાં
એક વર્ષ પહેલા જ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ કુલદીપ બિશ્નોઈ ભાજપ માં જોડાયા હતા. ભાજપ તેમને હિસાર લોકસભા બેઠક પરથી ટિકિટ આપી શકે છે. આવી સ્થિતિમાં બ્રિજેન્દ્ર સિંહ અસ્વસ્થતા અનુભવી રહ્યા હતા અને માનવામાં આવી રહ્યું હતું કે તેમની ટિકિટ પણ રદ્દ થઈ શકે છે. હિસાર લોકસભા બેઠક માટે ઘણા નેતાઓ દાવેદારી કરી રહ્યા છે અને નાણામંત્રી કેપ્ટન અભિમન્યુ અને ડેપ્યુટી સ્પીકર રણબીર ગંગવાનું નામ પણ ચર્ચાઇ રહ્યું છે.
આ પણ વાંચો | ભાજપે દિલ્હીની લોકસભા બેઠક માટે બાંસુરી સ્વરાજની પસંદગી કેમ કરી, શું સુષ્મા સ્વરાજ જેવો જાદુ દેખાડશે?
ભાજપ હરિયાણા ની તમામ 10 લોકસભા બેઠકો પર ઉમેદવારો ઉભા કરી શકે છે. એવું માનવામાં આવે છે કે પાર્ટી જેજેપી સાથે ગઠબંધન નહીં તોડે પરંતુ તમામ બેઠક પર પોતાના ઉમેદવારો ઉભા કરશે અને આથી જેજેપી સાથ છોડી શકે છે. હરિયાણામાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી પણ છે.