PM Narendra Modi on Budget : મોનસૂન સત્રના બીજા દિવસે મંગળવારે નાણામંત્રી સીતારમણે બજેટ 2024 રજૂ કર્યું હતું. આ તેમનું સતત સાતમું બજેટ હતું. બજેટ બાદ પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ બજેટ એક એવું બજેટ છે જે આપણને સમૃદ્ધિના રસ્તે લઈ જાય છે. છેલ્લા 10 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બજેટ 2024 ને પોઝિટીવ ગણાવતાં કહ્યું કે આ બજેટ નવા મધ્યમ વર્ગના સશક્તિકરણ માટે છે. આ બજેટ યુવાનોને ઘણી તકો પૂરી પાડશે. આ બજેટ શિક્ષણ અને કુશળતાને એક નવું પરિમાણ આપશે. આ બજેટથી નવા મધ્યમ વર્ગને પણ તાકાત મળશે. આ બજેટથી મહિલાઓ, નાના વેપારીઓ, એમએસએમઈને મદદ મળશે.
પીએમ મોદીએ કહ્યું કે રોજગારી અને સ્વરોજગારની ઘણી તકો પણ ઊભી થઈ છે. આ અમારી સરકારની ઓળખ રહી છે. પીએમ નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે દુનિયાએ પીએલઆઈ યોજનાની સફળતા જોઈ છે. તેમાં સરકારે ઇન્ટેસિવ યોજનાની જાહેરાત કરી છે. આનાથી દેશમાં કરોડો રોજગારનું સર્જન થશે. અમારી સરકાર પ્રથમ નોકરી મેળવનાર યુવાનોને પહેલો પગાર આપશે. આ સાથે ગામના ગરીબોનો મારો યુવાન પુત્ર-પુત્રી દેશની ટોચની કંપનીઓમાં કામ કરશે.
બજેટ 2024 અંગે પીએમ મોદી શું બોલ્યા?
- બજેટ 2024 આપણને સમૃદ્ધિના રસ્તે લઇ જનારુ
- આ બજેટ મધ્યમ વર્ગ માટે સશક્તિકરણ માટેનું
- યુવાઓને રોજગારીની ઘણી તકો મળશે
- શિક્ષણ અને કુશળતાને નવા પરિણામ આપનારુ બજેટ
- બજેટ 2024 ઔદ્યોગિક ક્રાંતિ લાવનારુ
અમે દેશને ઔદ્યોગિક હબ બનાવીશું : પીએમ મોદી
પીએમના મતે આપણે દરેક શહેરને, દરેક ગામને, દરેક ઘરને ઇન્ટરપ્રેન્યોર બનાવવાના છે. અમારી સરકારે ગેરન્ટી વિના મુદ્રા લોનની મર્યાદા 10 લાખથી વધારીને 20 લાખ રૂપિયા કરી દીધી છે. તેનાથી પછાત, દલિત અને આદિવાસી લોકોને મોટો ફાયદો થશે. આપણે સૌ મળીને દેશને ઔદ્યોગિક હબ બનાવીશું. દેશનું એમએસએમઇ ક્ષેત્ર દેશનું કેન્દ્ર બન્યું છે. લઘુ ઉદ્યોગોની મોટી તાકાત એ આપણું જરૂરી પગલું છે. આ બજેટમાં તેમના માટે ઈઝ ઓફ ક્રેડિટ વધારવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ વાંચો – બજેટ 2024 : મોબાઈલ ફોન, કેન્સરની દવા, સોના-ચાંદીના ઘરેણા સસ્તા થશે, જાણો શું થયું મોંઘું
પીએમ મોદીએ કહ્યું – આજે ડિફેન્સ એક્સપોર્ટ રેકોર્ડ ઉંચાઇ પર
પીએમ મોદીએ કહ્યું કે આજે ડિફેન્સ એક્સપોર્ટ રેકોર્ડ ઉંચાઇ પર છે. આ બજેટમાં સંરક્ષણ ક્ષેત્રને આત્મનિર્ભર બનાવવા માટે ઘણી જોગવાઈઓ કરવામાં આવી છે. આ બજેટમાં પર્યટન ક્ષેત્રનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. ટેક્સમાં ઘટાડો કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે અને ટીડીએસના નિયમો પણ સરળ કરવામાં આવ્યા છે. અમે હાઇવે અને પાવર પ્રોજેક્ટ્સ દ્વારા પૂર્વીય ક્ષેત્રમાં વિકાસને વેગ આપી રહ્યા છીએ.
પીએમ નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે ભારતમાં પર્યટન ક્ષેત્રે નવી સંભાવનાઓ બની છે. આ બજેટમાં પ્રવાસન ક્ષેત્ર ઉપર પણ ઘણો ફોક્સ કર્યો છે. એનડીએ સરકારે છેલ્લા 10 વર્ષમાં એ સુનિશ્ચિત કર્યું છે કે મધ્યમ અને ગરીબ વર્ગને ટેક્સમાંથી રાહત મળે. સ્ટાન્ડર્ડ ડિડક્શનની છૂટમાં વધારો કરવાથી કરદાતાઓને વધુ બચત થશે.





