Sonia Gandhi remarks on President : બજેટ સત્ર દરમિયાન રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ પોતાના તરફથી સરકારના કામ વિશે વિસ્તારથી વાત કરતા પોતાનું સંબોધન આપ્યું હતું. તેમનું ભાષણ ખૂબ લાંબું હતું અને તેમણે ઘણા મુદ્દાઓ પર વિગતવાર વાત કરી હતી. પરંતુ હવે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મુર્મૂના ભાષણ પર એક નિવેદન આપ્યું છે જે સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ ગયું છે.
સોનિયા ગાંધીનું નિવેદન
મીડિયા સોનિયા ગાંધી પાસેથી એ જાણવા માંગતું હતું કે તેઓ રાષ્ટ્રપતિ મુર્મૂના ભાષણ વિશે શું કહેવા માંગે છે. પહેલા તો સોનિયાએ કંઈ પણ કહેવાનો ઈન્કાર કરી દીધો પરંતુ પછી તેમણે રાહુલ ગાંધી સામે જોઈને કહ્યું કે Poor Lady, તે છેલ્લે સુધી તો ખૂબ થાકી ગયા હતા. સોનિયા ગાંધીએ આવો કટાક્ષ કર્યો તો વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ રાષ્ટ્રપતિના ભાષણને બોરિંગ ગણાવ્યું હતું. તે એવું કહેતા પણ જોવા મળ્યા કે આવ્યા કે તેમણે વારંવાર જૂની વાતો રિપીટ કરી હતી.
રાહુલ ગાંધીનું કયું નિવેદન વાયરલ?
આ પછી રાહુલ ગાંધીએ પ્રિયંકાને કહ્યું- નાઇસ સાડી. હવે આ સમગ્ર વાતચીત સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. સોનિયા ગાંધીનું આ નિવેદન એટલા માટે સૌથી વધુ ચર્ચામાં છે કારણ કે ભૂતકાળમાં પણ ભાજપે આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસે એક આદિવાસી રાષ્ટ્રપતિનું અપમાન કર્યું છે. હવે સોનિયા ગાંધીના આ નિવેદન પર પણ રાજનીતિ થઇ રહી છે.
પીએમ મોદીએ કર્યો પ્રહાર
આ પછી પીએમ મોદીએ એક રેલીમાં કહ્યું કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ 10 કરોડ આદિવાસી ભાઈ-બહેનોનું અપમાન કર્યું છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ઓડિશાથી આવે છે, હિન્દી તેમની માતૃભાષા પણ નથી, પરંતુ તેમ છતાં તેમણે આટલું શાનદાર ભાષણ આપ્યું અને કોંગ્રેસને તે કંટાળાજનક લાગ્યું.
આ પણ વાંચો – ફુગાવો મોટું જોખમ, રોકાણ વધારવું જરૂરી, આર્થિક સર્વે 2025ના મુખ્ય મુદ્દાઓ
આ પહેલા પીએમ મોદીએ પણ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે મીડિયાએ વિશેષ રુપથી એક બાબત તરફ ધ્યાન આપવું જોઇએ. આ વખતે બજેટના બે-ત્રણ દિવસ પહેલાં કોઈ વિદેશી ચિંગારી ભડકી નથી, પરંતુ શરારતી તત્ત્વો તૈયાર બેઠા છે. મેં તો દરેક બજેટ સત્ર પહેલાં જોયું છે કે આપણા દેશના ઘણા લોકો ચિંગારીઓને હવા આપવામાં કોઈ કસર છોડતા નથી.
પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિ મુર્મૂએ ઘણા મુદ્દાઓ પર વાત કરી હતી. તેમણે કહ્યું કે જ્યારે આપણે સાથે મળીને આગળ વધીશું ત્યારે આપણી ભાવિ પેઢીઓને 2047માં એક વિકસિત, મજબૂત, સક્ષમ અને સમૃદ્ધ ભારત જરૂર જોવા મળશે.





