CAA Notification : વિપક્ષી પાર્ટીઓ સીએએ પર સતત વાંધો ઉઠાવી રહી છે. ઘણી રાજ્ય સરકારોએ કહ્યું છે કે તેઓ આ કાયદાને તેમના રાજ્યોમાં લાગુ થવા દેશે નહીં. જોકે આ બધાની વચ્ચે ગૃહ મંત્રાલયે કહ્યું છે કે ભારતીય મુસ્લિમોએ સીએએ વિશે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તેનાથી તેમની નાગરિકતા પર કોઈ અસર થશે નહીં.
ગૃહ મંત્રાલયે કહ્યું કે સીએએને ભારતીય મુસ્લિમો સાથે કોઈ લેવાદેવા નથી કારણ કે તેમની પાસે પણ તેટલા જ અધિકાર છે જેટલા દેશમાં રહેતા કોઈપણ હિન્દુ નાગરિક પાસે છે.
ગૃહ મંત્રાલયે આ દરમિયાન સ્પષ્ટતા પણ કરી હતી કે કોઈ પણ ભારતીય નાગરિક પાસેથી નાગરિકતાના પુરાવા માટે કોઈ દસ્તાવેજ માંગવામાં આવશે નહીં. ગૃહ મંત્રાલયે એમ પણ જણાવ્યું કે સીએએને ગેરકાયદેસર ઘુસણખોરીને દેશનિકાલ સાથે કોઈ લેવાદેવા નથી અને લોકોના એક વર્ગની ચિંતા કે તે મુસ્લિમોની વિરુદ્ધ છે તે અયોગ્ય છે.
સીએએ લાગુ થવાથી હિન્દુ-શીખ શરણાર્થીઓ ખુશ છે
લગભગ ત્રણ દાયકા પહેલા યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનથી ભાગીને ભારતમાં શરણ લેનાર પ્યારા સિંહ સીએએ લાગુ થવાથી ખૂબ જ ખુશ છે. દેશના નાગરિક તરીકે ઓળખાવાની આશા રાખી રહેલા પ્યારા સિંહે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે તેમને લાગે છે કે તેમનો પુનર્જન્મ થયો છે.
આ પણ વાંચો – શું છે સીએએનો કાયદો, ત્રણ દેશોના બિન-મુસ્લિમ શરણાર્થીઓને મળશે નાગરિકતા
દિલ્હી ભાજપે મંગળવારે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં અફઘાનિસ્તાનના શીખ શરણાર્થીઓ અને પાકિસ્તાનથી આવેલા હિન્દુ શરણાર્થીઓએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા હતા. સાથે ફટાકડા ફોડ્યા હતા અને ઢોલના તાલે નાચ્યા હતા અને હોળી રમી હતી. આ કાર્યક્રમમાં પ્યારા સિંહે પણ હાજરી આપી હતી.
પ્યારા સિંહે કહ્યું હતું કે એવું લાગે છે કે હું મારો જન્મદિવસ ઉજવી રહ્યો છું. આજે મારા જીવનનો એક નવો અધ્યાય શરૂ થયો. હું ભારતના નાગરિક તરીકેની મારી ઓળખ મેળવવાની ખૂબ જ નજીક આવી ગયો છું, જે ત્રણ દાયકાથી વધુ સમયથી મારું ઘર છે. પ્યારા સિંહે પોતાની કહાની સંભળાવતા કહ્યું કે તે 1989માં અફઘાનિસ્તાનથી પોતાનો જીવ બચાવવા માટે ભારત આવ્યા હતા પરંતુ તેમની પાસે રહેવા માટે કોઈ જગ્યા ન હતી અને નવી જિંદગી શરૂ કરવા માટે પૈસા ન હતા.