Comptroller and Auditor General of India (CAG) : કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયા (કેગ)એ મોદી સરકારની મહત્વાકાંક્ષી યોજના પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના (PMKVY)માં ઘણી ગંભીર ગેરરીતિઓ શોધી કાઢી છે. ઓડિટમાં એવા ઘણા કિસ્સાઓ બહાર આવ્યા છે જ્યાં વિચિત્ર બેંક ખાતા નંબરો જોવા મળ્યા છે. જ્યારે ઘણી જગ્યાએ એક જ તસવીરનો વારંવાર અલગ-અલગ ઉમેદવારો માટે ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત લગભગ 34 લાખ પ્રમાણિત ઉમેદવારો છે જેમને હજુ સુધી બાકી નીકળતી રકમ મળી નથી.
પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના એ સરકારની મુખ્ય યોજનાઓમાંથી એક છે
કેગના આ તમામ તારણો ગુરુવારે લોકસભામાં રજૂ કરવામાં આવેલા તેના ઓડિટ રિપોર્ટમાં નોંધવામાં આવ્યા છે. આ તારણોને પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના એ સરકારની મુખ્ય યોજનાઓમાંની એક છે. આ યોજનાનો ઉદ્દેશ્ય બેરોજગારી સામે લડવાનો અને યુવાનોને કૌશલ્ય વિકાસ તરફ આકર્ષવાનો છે.
PMKVY ની શરૂઆત જુલાઈ, 2015માં થઈ હતી. આ યોજનાનો અમલ ત્રણ તબક્કામાં કરવામાં આવ્યો હતો. 2015 થી 2022 વચ્ચે આ માટે 14,450 કરોડ રૂપિયાનું બજેટ રાખવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન લગભગ 1.32 કરોડ ઉમેદવારોને કૌશલ્ય તાલીમ આપવામાં આવી હતી અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. યોજનાનો પ્રથમ તબક્કો 2015-16, બીજો તબક્કો 2016 થી 2020 અને ત્રીજો તબક્કો 2021 થી 2022 સુધી ચાલ્યો હતો.
94.53 ટકા કિસ્સાઓમાં બેંક ખાતાની સાચી માહિતી ઉપલબ્ધ ન હતી
જ્યારે કેગે ઇલેક્ટ્રોનિક ઓળખ અને સંપર્ક વિગતોની તપાસ કરી ત્યારે બેંક ખાતાને લગતી ઘણી ગેરરીતિઓ બહાર આવી હતી. ડેટા અનુસાર, 95,90,801 સહભાગીઓમાંથી 90,66,264 લોકોના રેકોર્ડમાં બેંક એકાઉન્ટ ડિટેલ્સ શૂન્ય હતી, અથવા Null’, ‘N/A’ નોંધાયેલ હતી, અથવા કોલમ ખાલી છોડી દેવામાં આવી હતી. એટલે કે 94.53 ટકા કિસ્સાઓમાં બેંક ખાતાની સાચી માહિતી ઉપલબ્ધ ન હતી. કેગના જણાવ્યા અનુસાર આ પરિસ્થિતિ યોજનાની પારદર્શિતા પર ગંભીર સવાલો ઉભા કરે છે.
રિપોર્ટમાં એ પણ ખુલાસો થયો છે કે કેટલાક કિસ્સાઓમાં, બેંક ખાતાના નંબર ખૂબ જ શંકાસ્પદ હતા. ઉદાહરણ તરીકે, 111111111111 અથવા 123456 જેવા નંબરો ઘણા ખાતાઓમાં નોંધાયેલા જોવા મળ્યા હતા.
34 લાખથી વધુ સર્ટિફાઇડ ઉમેદવારોને ચૂકવણી કરવામાં આવી નથી
આ યોજનાની એક મહત્વની ખાસિયત ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી) છે, પરંતુ કેગનો અહેવાલ બતાવે છે કે અહીં પણ મોટી ખામીઓ હતી. કુલ પ્રમાણિત ઉમેદવારોમાંથી માત્ર 24.53 લાખ ઉમેદવારોને ડીબીટી પ્રક્રિયા સાથે જોડી શકાયા છે અને તેમાંથી માત્ર 17.69 લાખ ઉમેદવારોને જ નાણાં મળ્યા છે. મંત્રાલયના આંકડા મુજબ કુલ 95.91 લાખ ઉમેદવારોમાંથી 61.14 લાખ ઉમેદવારોને ડીબીટી દ્વારા ચૂકવણી કરવામાં આવી હતી. કેગનું કહેવું છે કે અધૂરી માહિતીના કારણે અત્યાર સુધી 34 લાખથી વધુ સર્ટિફાઇડ ઉમેદવારોને ચૂકવણી કરવામાં આવી નથી.
આ પણ વાંચો – અમેરિકા અને પશ્ચિમ દેશો સાથે ‘ટ્રેડ ટેન્શન’ વચ્ચે ઓમાન ડીલથી મોદી સરકારે ભારતને કેવી રીતે આપી મજબૂતી?
કેગે લાભાર્થીઓ વિશે ઓનલાઇન ઇમેઇલ સર્વે પણ હાથ ધર્યો હતો. તેમાં જાણવા મળ્યું છે કે મોકલવામાં આવેલા 36.51 ટકા ઇમેઇલ્સ ડિલિવર જ થયા નથી. જે કિસ્સાઓમાં ઇમેઇલ્સ પહોંચ્યા હતા તેમાં પણ માત્ર 3.95 ટકા ઉમેદવારોએ જવાબ આપ્યો હતો. આશ્ચર્યજનક રીતે પ્રાપ્ત થયેલા 171 જવાબોમાંથી, 131 એક જ ઇમેઇલ આઈડી અથવા તાલીમ ભાગીદારો અને તાલીમ કેન્દ્રોના આઈડીમાંથી હતા. આ સૂચવે છે કે વાસ્તવિક લાભાર્થીઓની ભાગીદારી અત્યંત મર્યાદિત રહી છે.
એક જ ફોટાનો ઉપયોગ અનેક લાભાર્થીઓ માટે કરાયો
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તાલીમ સંબંધિત ફોટો પુરાવાઓમાં મોટી સંખ્યામાં વિસંગતતા છે. ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવા રાજ્યોમાં એક જ ફોટાનો ઉપયોગ અનેક લાભાર્થીઓ માટે વારંવાર કરવામાં આવ્યો હતો.
આ તારણો પર ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા સવાલ પૂછવામાં આવ્યો ત્યારે મંત્રાલયે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં આ યોજનાને નોંધપાત્ર રીતે મજબૂત કરવામાં આવી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભૂતકાળના અનુભવોમાંથી શીખીને સુધારાત્મક પગલાં લેવામાં આવ્યા છે. નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ટેક્નોલોજી દ્વારા મોનિટરિંગ અને પારદર્શિતા વધારવામાં આવી રહી છે. હવે ફેસ ઓથેન્ટિકેશન, જીઓ-ટેગ્ડ એટેન્ડન્સ, લાઇવ એટેન્ડન્સ ડેશબોર્ડ જેવા ફિચર્સ પણ ઉમેરવામાં આવ્યા છે. આ સિવાય સેન્ટ્રલ કોમ્યુનિકેશન લેયર (સીસીએલ) દ્વારા ઉમેદવારો પાસેથી ફીડબેક લેવાની સિસ્ટમ લાગુ કરવામાં આવી છે.





