Justice Abhijit Gangopadhyay : કલકત્તા હાઈકોર્ટના જજ અભિજીત ગંગોપાધ્યાયે રવિવારે કહ્યુ કે તેઓ ન્યાયપાલિકા છોડીને રાજનીતિમાં પ્રવેશ કરી રહ્યા છે. જસ્ટિસ ગંગોપાધ્યાયે બંગાળી ન્યૂઝ ચેનલ એબીપી આનંદને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે મને શાસક પક્ષ (ટીએમસી)ના નેતાઓ દ્વારા મને ઘણી વખત (રાજકીય) મેદાનમાં આવવા અને લડવાનો પડકાર આપવામાં આવ્યો છે. તેથી મેં પણ વિચાર્યું કે કેમ ના મેદાનમાં ઉતરવામાં આવે.
જસ્ટિસ ગંગોપાધ્યાયે કહ્યું હતું કે જો તેમને ટિકિટ આપવામાં આવશે તો તેઓ ચૂંટણી લડશે, પરંતુ તેઓ કયા પક્ષમાં જોડાવાના છે તેનો ઉલ્લેખ કર્યો નથી.
જસ્ટિસ ગંગોપાધ્યાય મંગળવારે રાજીનામું આપશે
ઈન્ટરવ્યુમાં જજે કહ્યુ કે સોમવાર કલકત્તા હાઈકોર્ટમાં તેમનો અંતિમ દિવસ હશે અને તેઓ મંગળવારે રાષ્ટ્રપતિને પોતાનો રાજીનામાનો પત્ર મોકલશે. પશ્ચિમ બંગાળમાં સત્તારૂઢ ટીએમસીની ટીકા કરતાં તેમણે કહ્યું હતું કે રાજ્યમાં ભ્રષ્ટાચાર બેફામ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ કોર્ટરૂમથી સામાન્ય લોકો સુધી પહોંચી શક્યા નથી.
એક બંગાળી તરીકે હું આ વાત સ્વીકારી શકું તેમ નથી. જેઓ શાસકો તરીકે ઉભરી આવ્યા છે તેઓ રાજ્યને ફાયદો પહોંચાડી શકતા નથી. હું પડકારનો સ્વીકાર કરીશ. મેં મંગળવારે રાજીનામું આપવાનું નક્કી કર્યું છે. હું સોમવારે કોર્ટમાં રહીશ કારણ કે મારી પાસે ઘણા બધા કેસ છે.
ટીએમસી, ભાજપ અને કોંગ્રેસે શું કહ્યું?
જસ્ટિસ ગંગોપાધ્યાયના નિવેદન પર પ્રતિક્રિયા આપતા ટીએમસીના પ્રદેશ પ્રવક્તા દેબાંગશુ ભટ્ટાચાર્યએ કહ્યું કે અમે લાંબા સમયથી કહી રહ્યા છીએ કે તેઓ એક રાજકીય પાર્ટીના કાર્યકર્તા છે. અમને સાચા સાબિત કરવા બદલ અમે આજે તેમનો આભાર માનીએ છીએ.
આ પણ વાંચો – 10 દિવસ, 12 રાજ્ય અને 29 પ્રોગામ, પીએમ મોદી ઉત્તરથી દક્ષિણ સુધી ભાજપ માટે ચૂંટણી શંખનાદ કરશે
પ્રદેશ ભાજપ અધ્યક્ષ સુકાંત મજુમદારે ગંગોપાધ્યાયના રાજકારણમાં જોડાવાના નિર્ણયને આવકાર્યો હતો. તેમણે કહ્યું કે અભિજિત ગંગોપાધ્યાય જેવા લોકોનું રાજકારણમાં આવવું દેશની તરફેણમાં છે. મને લાગે છે કે ભાજપ તેમની સ્વાભાવિક પસંદગી હશે.
કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે તેમની પાર્ટી ગંગોપાધ્યાયનું સ્વાગત કરશે. તેમણે કહ્યું હતું કે તેઓ ભ્રષ્ટાચાર સામે એક યોદ્ધા છે. જો તેઓ કોંગ્રેસમાં જોડાવા માગતા હોય તો અમે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરીશું. તે ફાઇટર છે. જો તેઓ ભાજપમાં જોડાય છે તો વૈચારિક રીતે અમે (તેમને) ટેકો આપી શકીએ નહીં. ચૌધરીએ એકવાર કહ્યું હતું કે તેઓ ઇચ્છે છે કે ગંગોપાધ્યાયને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બને.
ઉત્તર બંગાળની એક મહિલાએ કોવિડના કારણે પતિના મૃત્યુ બાદ નોકરી અને વળતરની માંગ સાથે કોર્ટમાં અરજી કરી હતી. આ કેસમાં સુનાવણી દરમિયાન જસ્ટિસ ગંગોપાધ્યાયે મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી દ્વારા સંપત્તિ હસ્તગત કરવા અંગે મૌખિક ટિપ્પણી કરી હતી. ત્યારબાદ ટીએમસી સાંસદ કૃણાલ ઘોષકાએ કહ્યું હતું કે જજે રાજીનામું આપી દેવું જોઈએ અને અભિષેક બેનર્જી સામે ચૂંટણી લડવી જોઈએ.
મમતા બેનર્જી સરકાર સામે સીબીઆઈ તપાસના આદેશ
પશ્ચિમ બંગાળની કથિત શાળા ભરતી કૌભાંડ કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ ગંગોપાધ્યાયે સીબીઆઇ તપાસના આદેશ આપ્યા હતા અને 32,000થી વધુ શિક્ષકોની નિમણૂંક રદ કરી હતી. જોકે જસ્ટિસ ગંગોપાધ્યાયે આપેલા શિક્ષકોની બરતરફીના આદેશ પર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂક્યો હતો. આ કેસમાં મમતા સરકારના એક વરિષ્ઠ મંત્રીની પણ ધરપકડ કરવામાં આવી હતી.
જસ્ટિસ ગંગોપાધ્યાયે કથિત શાળા શિક્ષક ભરતી કૌભાંડ કેસમાં મમતા સરકારના સમગ્ર મંત્રીમંડળને કોર્ટમાં બોલાવવાની ધમકી આપતા કહ્યું હતું કે ભારતના બંધારણ સાથે કોઈને પણ કશું કરવાનો અધિકાર નથી. મારે ચૂંટણી પંચને ટીએમસીને રાજકીય પક્ષ તરીકે માન્યતા રદ કરવા અને તેના પક્ષના લોગોને પાછો ખેંચવા માટે કહેવું પડી શકે છે.
ગંગોપાધ્યાયની પ્રારંભિક કારકિર્દી
જસ્ટિસ અભિજીત ગંગોપાધ્યાયનો જન્મ 19 ઓગસ્ટ, 1962ના રોજ થયો હતો. કલકત્તા યુનિવર્સિટીની હાજરા લો કોલેજમાંથી સ્નાતક ગંગોપાધ્યાયે પશ્ચિમ બંગાળ સિવિલ સર્વિસીસમાં ગ્રેડ એ અધિકારી તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી.
રેકોર્ડ્સ દર્શાવે છે કે જ્યારે ન્યાયાધીશે જમીન મહેસૂલ અધિકારી તરીકે સ્થાનિક ભ્રષ્ટાચાર પર કાર્યવાહી કરી હતી, ત્યારે તેમને જાનથી મારી નાખવાની ધમકીઓનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે તેમણે રાજીનામું આપ્યું હતું અને કોલકાતા પાછા ફર્યા હતા. ત્યારબાદ તેણે તેની કાનૂની પ્રેક્ટિસ શરૂ કરી અને ઘણી વીમા કંપનીઓ અને વીમા નિયમનકાર માટે પેનલ વકીલ રહ્યા હતા.





