Los Angeles Wildfires News: અમેરિકાના કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં લાગેલી ભીષણ આગમાં હજારો મકાનો બળીને ખાક થઇ ગયા છે. આ દાવાનળમાં ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે. આગને કારણે હજારો ઘરો અને ધંધા-રોજગાર પણ બળીને ખાખ થઈ ગયા છે. હાલ ફાયર બ્રિગેડની ટીમો આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
લોસ એન્જલસ કાઉન્ટીમાં લગભગ 1,79,000 લોકોને તેમના ઘર ખાલી કરાવવા માટે કહેવામાં આવ્યું છે. લોકો લઇ શકાય તે લઇ ઘરની બહાર નીકળી રહ્યા છે. આ ઉપરાંત બે લાખ લોકોને વહેલામાં વહેલા ઘર ખાલી કરવા ચેતવણી પણ આપવામાં આવી છે. આખરે શિયાળાની ઠંડીમાં જંગલમાં આગ કેવી લાગી અને વિકરાળ દાવાનળ બની ગઇ, અમેરિકા 80 કલાક પછી પણ તેને શા માટે બુઝાવી શકયું નથી?
લોસ એન્જલસના જંગલમાં આગ કેવી રીતે લાગી?
મંગળવારે સવારે પેસિફિક પાલિસાડ્સમાં સૌથી પહેલા જંગલમાં આગ લાગી હતી. આ વિસ્તાર ઉત્તર-પશ્ચિમ લોસ એન્જલસમાં આવે છે. પરંતુ માત્ર 10 એકર વિસ્તારમાં શરૂ થયેલી આગ ગણતરીના કલાકોમાં જ 2900 એકર વિસ્તારમાં ફેલાઇ ગઇ હતી. ધુમાડાના ગોટેગોટા શહેરના આકાશમાં છવાઇ છે. આ આગ હવે હજારો એકર જમીનમાં ફેલાઈ ગઈ છે અને કેલિફોર્નિયાના ઇતિહાસમાં તે સૌથી વિનાશક દાવાનળ હોવાનું કહેવાય છે.
કેલિફોર્નિયાના લોસ એન્જલસના જંગલોમાં લાગેલી આગની વાત કરીએ તો તેની પાછળનું સાચું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. સ્થાનિક અધિકારીઓએ લોસ એન્જલસમાં આગ લાગવાનું કારણ ભારે પવન અને શુષ્ક હવામાન તરફ ધ્યાન દોર્યું છે, એમ બીબીસીએ અહેવાલ આપ્યો હતો. તેના કારણે વૃક્ષો અને છોડ સુકાઈ ગયા અને તેમાં આગ ફેલાવવી ખૂબ જ સરળ બની ગઈ. પરંતુ અધિકારીઓએ જણાવ્યું હતું કે આગ લાગવાનું કારણ સ્પષ્ટ નથી અને તપાસ ચાલી રહી છે.
કેલિફોર્નિયાના લોસ એન્જલસના જંગલોમાં આગ ફેલાવાનું એક કારણ સાન્ટા એના પવન પણ છે. તે જમીનથી દરિયા તરફ વહે છે. માનવામાં આવી રહ્યું છે કે 100 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે ફૂંકાતા આ પવનોએ આગ ભડકાવી છે. સાન્ટા આનાનો પવન અમેરિકાની પૂર્વ કે ઈશાન દિશામાંથી દરિયા કિનારા તરફ ફૂંકાય છે. આ પવન વર્ષમાં અનેક વખત ફૂંકાય છે. પરંતુ જ્યારે આ પવનો જંગલની આગ સાથે જોડાય છે, ત્યારે ભયંકર વિનાશ થાય છે.
કેલિફોર્નિયા લોસ એન્જલસની આગથી કેટલું નુકસાન થયું?
કેલિફોર્નિયાના લોસ એન્જલસના જંગલોમાં લાગેલી આગને કારણે છેલ્લા ચાર દિવસમાં જે નુકસાન થયું છે તેના પર નજર કરીએ તો 29 હજાર એકર જમીન આગના કારણે સંપૂર્ણપણે નાશ પામી છે. 10,000થી વધુ મકાનો બળીની ખાક થઇ ગયા છે. લગભગ 8 અબજ ડોલર એટલે કે 68 હજાર રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. અત્યાર સુધીમાં 11 લોકોએ જીવ ગુમાવ્યો છે. લગભગ 1,79,000 લોકોને તેમના ઘર ખાલી કરાવવા માટે કહેવામાં આવ્યું છે. આ સાથે જ 3 લાખથી વધુ લોકો વિજળી વગર અંધારામાં જીવી રહ્યા છે.
આગ પર કાબૂ મેળવવો મુશ્કેલ છે?
ઘણી જગ્યાએ આગ લાગી હોવાના કારણે આગ પર કાબુ મેળવવો પણ મુશ્કેલ બની ગયો છે. કેલિફોર્નિયાના પ્રશાસનના જણાવ્યા અનુસાર, પહેલી આગ મંગળવારે સવારે લોસ એન્જલસના પેસિફિક પાલીસાડ્સ પડોશમાં લાગી હતી અને પછી ધીમે ધીમે તેમાં વધારો થયો હતો. ભારે પવનને કારણે આગ ઝડપથી ફેલાઈ રહી છે. આ પછી, ઇટનમાં આગ લાગવાની બીજી ઘટના બની છે. આ આગલમાં લગભગ 14,000 એકર વિસ્તાર બળીને રાખ થઇ ગયો છે.
એક ઘટના હર્સ્ટમાં બની છે. તે સાન ફર્નાન્ડોની ઉત્તરે જ આવેલું છે. મંગળવારે રાત્રે અહીંનું જંગલ સળગવા લાગ્યું હતું. આગ 670 એકરમાં ફેલાઈ ગઈ છે, જોકે અહીં આગ પર કાબૂ મેળવવામાં ફાયર ફાઈટરને અમુક અંશે સફળતા મળી છે. લોસ એન્જલસની ઉત્તરે લિડિયામાં આવેલા એક પર્વતીય વિસ્તાર એક્ટનમાં આગ લાગી હતી અને તે લગભગ 350 એકર જમીનમાં ફેલાઇ ગઇ હતો.
આગ બુઝાવવા પાણીનો અભાવ
લોસ એન્જલસની આગ એટલા મોટા વિસ્તારમાં ફેલાઈ ગઈ છે કે પાણીની સતત અછત રહે છે. આ કટોકટીને પહોંચી વળવા માટે શહેરમાં પાણી પુરવઠાની પાઇપલાઇન 100 વર્ષ જૂની છે. તે પાઇપલાઇન કાં તો તૂટી ગઈ છે અથવા ઘણી જગ્યાએ બંધ છે. જેથી અનેક જગ્યાએ ફાયર વિભાગના સ્ટાફને આગ બુઝાવવા પાણીની તંગી વર્તાઇ રહી છે. કેલિફોર્નિયામાં ટેન્કરો સતત વધારવામાં આવી રહ્યા છે.
હોલીવુડ હિલ્સ સુધી આગ પહોંચી
આ આગ હવે કેલિફોર્નિયાના હોલિવુડ હિલ્સમાં ફેલાઇ ગઇ છે. આ આગમાં અનેક ફિલ્મ સ્ટાર્સના ઘર પણ તણાઈ ગયા છે. પેરિસ હિલ્ટન, બિલી ક્રિસ્ટલનું ઘર, પ્રિયંકા ચોપરાનું ઘર પણ સંપૂર્ણપણે રાખ થઇ ગયું છે.
લોસ એન્જલસમાં આગને કારણે ઓસ્કર એવોર્ડ 2025 રદ થશે?
અમેરિકાના લોસ એન્જલસના જંગલમાં ભયંકર આગ લાગી છે. એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સિસે નોમિનેશન વિંડો મુલતવી રાખી છે. અગાઉ એકેડેમીના 10,000 સભ્યો માટે 8 જાન્યુઆરીથી મતદાન શરૂ થવાનું હતું અને 12 જાન્યુઆરીએ પૂર્ણ થવાનું હતું, પરંતુ હવે તેની સમયમર્યાદા વધારી દેવામાં આવી છે અને હવે મતદાનની તારીખ 14 જાન્યુઆરી સુધી છે. હવે 19 જાન્યુઆરીએ નોમિનેશન પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવશે.





