Waqf Law Challenged In Supreme Court: વકફ સુધારા બિલે કાનૂનનું સ્વરૂપ ધારણ કરી લીધું છે, રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ તેને મંજૂરી આપી દીધી છે. હવે પહેલી નજરમાં તો આ કાયદાના માર્ગમાં કોઈ અવરોધ જોવા મળતો નથી. બંને ગૃહોમાં ઘણા કલાકો સુધી ચર્ચા થઈ છે, તેથી અવકાશ પણ ઓછો છે. સરકાર પહેલેથી જ ખૂબ જ ઉત્સાહિત છે, આને વધુ એક મોટી જીત તરીકે જોઈ રહી છે. પરંતુ હજુ પણ એક પાસું છે જેને સમજવાની જરૂર છે. આ વકફ કાયદા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. કોંગ્રેસ, આપ અને એઆઈએમઆઈએમએ આ કાયદાને પડકારવાનું કામ કર્યું છે.
હવે સવાલ એ ઉભો થાય છે કે શું સુપ્રીમ કોર્ટ વકફનો કાયદો રદ કરી શકે છે? શું સુપ્રીમ કોર્ટ પાસે આવી સત્તા છે? જે બિલ લોકસભા અને રાજ્યસભામાં પાસ થયું હોય, જેને રાષ્ટ્રપતિએ પોતે મંજૂરી આપી દીધી હોય, આ પછી પણ શું સુપ્રીમ કોર્ટ તેને પલટાવી શકે છે? ચાલો આ પ્રશ્નોના જવાબોને સરળ શબ્દોમાં સમજવાનો પ્રયત્ન કરીએ.
શું સુપ્રીમ કોર્ટ વકફના કાયદાને રદ કરી શકે છે?
આ સીધા સવાલનો જવાબ એકદમ સીધો છે. બિલકુલ, સુપ્રીમ કોર્ટ વકફના કાયદાને રદ કરી શકે છે. સુપ્રીમ કોર્ટ પાસે આ સત્તા છે. પરંતુ સમજવા જેવી વાત એ છે કે આવી સ્થિતિ ત્યારે સર્જાશે જ્યારે એ સાબિત થઇ જશે કે બંધારણને પડકારવામાં આવ્યું છે, ભારતના બંધારણને કોઇ કાનૂન ચેલેન્જ કરી રહ્યું છે. જો આ કાયદાને કારણે બંધારણના બેઝીક સ્ટ્રક્ચરને પડકારવામાં આવી રહ્યું છે તેવું પુરવાર થાય તો સુપ્રીમ કોર્ટ ચોક્કસ હસ્તક્ષેપ કરશે અને કાયદાને પણ રદ પણ કરી શકે છે.
શું વકફ કાયદો સંવિધાનને ચેલેન્જ કરે છે?
હવે વિપક્ષ સામે સૌથી મોટો પડકાર એ છે કે કેવી રીતે સાબિત કરી શકાય કે વકફનો કાયદો બંધારણને પડકારે છે. વિપક્ષની અરજીનો આધાર બંધારણની કલમ 32 છે. એવું એટલા માટે કારણ કે આર્ટિકલ 32 કહે છે કે જો કોઈ નાગરિકના મૌલિક અધિકારોનું હનન થાય છે, તો તે કિસ્સામાં તે સુપ્રીમ કોર્ટમાં જઇ શકે છે, તેને ત્યાંથી રાહત મળી શકે છે. કલમ 32 જ સુપ્રીમ કોર્ટને તાકાત આપે છે કોઈના મૂળભૂત અધિકારોની રક્ષા માટે આદેશ જાહેર કરે અને નિર્દેશ આપે.
આ પણ વાંચો – વકફ બિલ પર ઈન્ડિયામાં ત્રિરાડ, કોંગ્રેસ સપ્રીમ કોર્ટમાં ગઈ, સંજય રાઉત બોલ્યા અમારા માટે ચેપ્ટર ક્લોઝ
હવે વકફ કાયદા અંગે વિપક્ષની દલીલોને સમજીએ. વિપક્ષની પહેલી દલીલ એ છે કે આ કાયદો મુસ્લિમ લોકોની ધાર્મિક સ્વતંત્રતાનું હનન કરે છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે બોર્ડમાં બિનમુસ્લિમોના પ્રવેશથી તેમના અધિકારો પણ છીનવાઈ જશે. હવે જો સુપ્રીમ કોર્ટ આ વાત પર સહમત થશે તો સરકારની મુશ્કેલી વધી જશે.
વિપક્ષની બીજી દલીલ એ છે કે સરકારે વકફ બાય યુઝર ક્લોઝને ખતમ કરી દીધો છે. આવી સ્થિતિમાં જો વકફની જમીનના જરૂરી દસ્તાવેજો હાજર ન હોય, જો તેની નોંધણી ન થઈ હોય તો તે કિસ્સામાં વકફનો તેના પર અધિકાર રહેશે નહીં. વિપક્ષ આ ક્લોઝને પણ તેના વિરોધનું આધાર બનાવી રહ્યું છે.
શું પહેલા પણ કાનૂનોને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યા છે?
અગાઉ પણ અનેક કાયદાઓને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યા છે. સીએ-એનઆરસીનો મામલો હોય કે પછી જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની વાત હોય, આ તમામ કાયદાઓને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યા છે. આધાર એ જ છે કે સંવિધાનને ચેલેન્જ કરાયું છે. ઘણા કેસ હજુ પણ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. આ યાદીમાં વકફનો કાયદો પણ જોડાઇ ગયો છે.