કેનેડાના ઓન્ટારિયો પ્રાંતના બ્રામ્પટન શહેરમાં ભારતીય મૂળના એક પરિવારના ત્રણ લોકોને તેમના ઘરમાં સળગાવી દેવામાં આવ્યા હતા. ઘરમાં આગ કેવી રીતે લાગી તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. મૃતકોમાં પતિ-પત્ની અને તેમની 16 વર્ષની પુત્રીનો સમાવેશ થાય છે. આ ઘટના 7 માર્ચે બની હતી, પરંતુ મૃતદેહોની હાલત એટલી ખરાબ હતી કે, તેમની ઓળખ થઈ શકી ન હતી. શનિવારે 16 માર્ચે તેની ઓળખ થઈ છે.
પોલીસ લોકોની પૂછપરછ કરીને માહિતી એકઠી કરી રહી છે
પોલીસનું કહેવું છે કે, આગને ઘરેલું આગ માનવામાં આવી રહી છે, પરંતુ પ્રારંભિક તપાસમાં એવું સૂચવવામાં આવતું નથી. પોલીસને આ ઘટનામાં કાવતરાના અનેક સંકેતો મળ્યા છે. હાલ પોલીસ આ મામલાની તપાસમાં વ્યસ્ત છે.
પોલીસનું કહેવું છે કે, તેઓ નજીકના લોકો અને અન્ય લોકોની પૂછપરછ કરીને પરિવાર વિશે માહિતી એકઠી કરી રહ્યા છે. તેમને કોઈની સાથે દુશ્મની કે વિવાદ હતો કે કેમ તે પણ તપાસવામાં આવી રહ્યું છે.
મૃતકોમાં પતિ-પત્ની ઉપરાંત તેમની પુત્રીનો પણ સમાવેશ થાય છે
મૃતકોની ઓળખ 51 વર્ષીય રાજીવ વારિકુ, તેમની પત્ની શિલ્પા કોથા (47) અને તેમની 16 વર્ષની દીકરી મહેક વારિકુ તરીકે થઈ છે. ત્રણેય વ્યક્તિના મૃતદેહ બિગ સ્કાય વેન કિર્ક ડ્રાઇવ પરના તેમના ઘરેથી મળી આવ્યા હતા.
સ્થાનિક મીડિયા સાથે વાત કરતા પરિવારના પાડોશી કેનેથ યોસેફે કહ્યું કે, ગયા અઠવાડિયે તેના પરિવાર દ્વારા આગ વિશે જાણકારી આપવામાં આવી હતી. તેઓએ જોરદાર વિસ્ફોટ સાંભળ્યો હતો. જ્યારે તેઓ સ્થળ પર પહોંચ્યા ત્યારે આખું ઘર આગથી ઘેરાઈ ગયું હતું. થોડા કલાકોમાં બધું બળીને રાખ થઈ ગયું. જો કે તે સમયે ઘરની અંદર કેટલા લોકો હતા તે જાણી શકાયું ન હતું.
સ્થાનિક પોલીસનું કહેવું છે કે, આગ ઓલવ્યા બાદ જ્યારે તેઓ અંદર ગયા તો તેમને ત્યાં ત્રણ માનવ હાડપિંજર મળ્યા. તપાસમાં સામે આવ્યું છે કે, આગ લાગી તે પહેલા ત્રણેય લોકો ત્યાં રહેતા હતા.
કેનેથ યોસેફે કહ્યું કે, પરિવાર લગભગ 15 વર્ષથી ત્યાં રહે છે અને તેમને ક્યારેય તેમની સાથે કોઈ સમસ્યા જોઈ નથી. સીટીવી ન્યૂઝ ચેનલના અહેવાલ મુજબ પીલ પોલીસે શુક્રવારે આગને કાવતરાના ભાગરૂપે વર્ણવી હતી.





