Canada SDS Program Closed For Study Permit: કેનેડા એ 8 નવેમ્બરથી તેના સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ (એસડીએસ) પ્રોગ્રામને અચાનક જ બંધ કરી દીધો છે. સ્ટડી પરમિટ મેળવવા માટે આ પ્રક્રિયા ખૂબ જ ઝડપી હતી અને વિદેશી વિદ્યાર્થીઓને ઝડપથી વિઝા મેળવવામાં મદદ કરી રહી હતી. એસડીએસ પ્રોગ્રામ 2018માં શરૂ કરવામાં આવ્યો હતો. તેનો હેતુ ભારત, ચીન અને ફિલિપાઇન્સ સહિત 14 દેશોના વિદ્યાર્થીઓ માટે વિઝા એપ્લિકેશન પ્રક્રિયાને સરળ બનાવવાનો છે.
વિદ્યાર્થીઓ માટે કેનેડા જવું મુશ્કેલ થયું
એસડીએસ માટેના અરજદારોમાં 20635 પાઉન્ડ મૂલ્યનું કેનેડિયન ગેરેન્ટેડ ઇન્વેસ્ટમેન્ટ સર્ટિફિકેટ (જીઆઇસી) અને અંગ્રેજી અને ફ્રેંચ લેગ્વેજ ટેસ્ટ સ્કોર સામેલ કરવાનું હોય છે. એસડીએસની પ્રક્રિયા સાથે, સફળ અરજદારોને થોડા અઠવાડિયામાં સ્ટડી પરમિટ મળી જતી હતી. જ્યારે ઘણીવાર પરમિશન લેવામાં આઠ અઠવાડિયા સુધીનો સમય લાગે છે. તેથી વિદેશી વિદ્યાર્થીઓ માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ પ્રક્રિયા હતી.
કેનેડા એ સ્ટડી પરમિટ કેમ બંધ કરી?
એસડીએસ (SDS) નાબૂદ કરવાનું કારણ કેનેડામાં રહેઠાંણ અને સંસાધનોના અભાવ તરફ ઇશારો કરે છે, જે વિદેશી વિદ્યાર્થીઓની વસતિને નિયંત્રિત કરવાનો પ્રયાસ છે. 2024 ના નીતિગત ફેરફારોના ભાગરૂપે, કેનેડાની સરકારે 2025 માટે 437000 નવી સ્ટડી પરમિટની મર્યાદા નક્કી કરી છે, જેમાં અનુસ્નાતક કાર્યક્રમો સહિત શિક્ષણના તમામ સ્તરોને આવરી લેવામાં આવ્યા છે.
કેનેડાના નવા નિયમો હેઠળ આ પ્રક્રિયા વધુ મુશ્કેલ બનાવવામાં આવી છે. આ નિયમોને કારણે, વિદેશી વિદ્યાર્થીઓ હવે લાંબા સમય સુધી રાહ જોવાના સમય અને ઉચ્ચ લાયકાતના ધોરણોનો સામનો કરે છે. આવા વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ અગાઉથી સારી રીતે અરજી કરે અને તમામ નિયમોનું પાલન કરીને તેમના દસ્તાવેજો તૈયાર રાખે.
ભારત અને કેનેડા વચ્ચે તણાવ યથાવત
ખાલિસ્તાન સાથે જોડાયેલા મુદ્દા પર કેનેડા અને ભારત વચ્ચેની ખેંચતાણમાં નોંધપાત્ર વધારો થયો છે. બંને દેશોના વિદેશ મંત્રાલયોએ પણ એકબીજા વિશે કડક નિવેદનો આપ્યા છે. આવી સ્થિતિમાં, કેનેડા સરકારના આવા નિર્ણયોને આની સાથે જોડી શકાય છે, પરંતુ તે સ્પષ્ટ રીતે કહી શકાતું નથી. આના બીજા ઘણા કારણો હોઈ શકે છે.