Cash Scandal Parliament : દેશમાં હાલ સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. પરંતુ શુક્રવારે રાજ્યસભામાં એવો ઘટનાક્રમ સામે આવ્યા જેને કારણે રાજકારણની દુનિયામાં ભૂકંપ આવી ગયો છે. આ મામલો કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અભિષેક મનુ સિંઘવીની બેઠક પાસે નોટોના બંડલ મળવાનો છે. જોકે અભિષેક મનુ સિંઘવીએ આ વાતને ફગાવતા કહ્યું કે સંસદમાં 500 રૂપિયાથી વધુ રકમ રાખતા નથી.
આ સમગ્ર ઘટના પર મચેલા હોબાળા બાદ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડેએ આ મામલાની તપાસ કરાવવાની વાત કહી છે. પરંતુ માહિતી માટે જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે સંસદમાં નોટોનો શોર સંભળાયો હોય. ભૂતકાળમાં દેશની સંસદ બે વખત નોટોના કારણે ચર્ચામાં રહી છે.
પ્રથમ ઘટનાક્રમ – 1993
1993નું વર્ષ હતું. જ્યારે નરસિમ્હા રાવની સરકાર કેન્દ્રમાં હતી, પરંતુ સરકાર પાસે પૂર્ણ બહુમત ન હતી. બાબરી ધ્વંસ બાદ નરસિમ્હા રાવ પણ પાર્ટીના નેતાઓના નિશાના પર હતા. રાવ અને અર્જુન સિંહ વચ્ચેના મતભેદોના સમાચાર દરરોજ અખબારોમાં પ્રકાશિત થતા હતા. આ દરમિયાન ભાજપે નરસિમ્હા રાવ સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી હતી. પાર્ટીએ કહ્યું કે સરકાર હવે લઘુમતીમાં આવી ગઈ છે. ત્રણ દિવસ સુધી આ અવિશ્વાસ પ્રસ્તાવ પર ઘણી ચર્ચાઓ ચાલી અને જ્યારે વોટિંગનો સમય આવ્યો તો બધા સ્તબ્ધ થઈ ગયા.
નરસિમ્હા રાવને પાસે તે સમયે 244 સાંસદોનો સાથ હતા, પરંતુ તેમને 265 મત મળ્યા હતા. અવિશ્વાસ પ્રસ્તાવ સમયે વિપક્ષને માત્ર 251 વોટ જ મળી શક્યા હતા અને રાવની સરકાર પડતા બચી ગઈ હતી.
1996માં ઝારખંડ મુક્તિ મોરચાના સાંસદ સુરજ મંડલે એક ખુલાસો કર્યો હતો. મંડલના જણાવ્યા અનુસાર 1993માં પૈસાની વહેંચણીને કારણે જ નરસિમ્હા રાવની સરકાર બચી ગઈ હતી. મંડલે કહ્યું કે સરકાર બચાવવા માટે દરેક સાંસદને 40-40 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. કહેવામાં આવતું હતું કે આ આખી સ્ક્રીપ્ટ રાવની સરકારમાં શક્તિશાળી મંત્રી રહેલા બુટા સિંહે લખી હતી. મંડલ જેએમએમ તરફથી આ ડીલને જોઈ રહ્યા હતા. 1993માં જેએમએમની સાથે-સાથે ચૌધરી અજીત સિંહની પાર્ટી પણ તૂટી હતી.
આ પણ વાંચો – સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું – વિભાગોને લઇને બની સહમતી, મંત્રીમંડળમાં મોટો ફેરફાર નહીં થાય
સીબીઆઇ દ્વારા દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં કહેવામાં આવ્યું હતું કે આ નાણાં રોકડમાં મળ્યા હતા અને જેએમએમના સાંસદોએ આ નાણાંનું રોકાણ સ્થાનિક સ્તર પર વ્યાજ પર લગાવ્યા હતા. બાદમાં આ મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો હતો, પરંતુ આ કેસના તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. વર્ષ 2000માં દિલ્હી હાઈકોર્ટે આ સમગ્ર મામલે સીબીઆઈની ઝાટકણી કાઢી હતી.
બીજી ઘટના – 2008
આવો જ એક કિસ્સો 2008માં સામે આવ્યો હતો. ત્યારે મનમોહન સિંહની સરકારે અમેરિકા સાથે પરમાણુ કરાર કર્યો હતો. સીપીએમે આ કરાર સામે સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લીધો હતો. ત્યાર બાદ તરત જ ભાજપે અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી હતી.
સંસદમાં આ અવિશ્વાસ પ્રસ્તાવ પર ઘણી ચર્ચા થઈ હતી. પરંતુ જ્યારે મતદાન કરવાનો વારો આવ્યો ત્યારે ભાજપના ત્રણ સાંસદોએ નોટો લહેરાવી હતી. આ નોટો તત્કાલીન લોકસભા અધ્યક્ષ સોમનાથ ચેટર્જીના ટેબલ પર લહેરાવવામાં આવી હતી. નોટ લહેરાવનારા ભાજપના સાંસદોમાં અશોક અર્ગલ, ફગન કુલસ્તે અને મહાવીર ભાગૌરા હતા.
ત્રણેય સાંસદોએ આરોપ લગાવ્યો કે સપાના અમરસિંહે અમને પૈસા આપ્યા છે. આ પૈસા સરકારની તરફેણમાં ક્રોસ વોટિંગ કરવા માટે આપવામાં આવ્યા છે. આ આરોપને ત્યારે બળ મળ્યું જ્યારે સમાજવાદી પાર્ટીએ મનમોહન સિંહની સરકારને સમર્થન આપ્યું. અવિશ્વાસની દરખાસ્ત સરકારની તરફેણમાં 268 મત પડ્યા હતા. વિપક્ષને 263 મત મળ્યા હતા. વોટિંગ દરમિયાન ભાજપના 8 સાંસદોએ પાર્ટીનો ખેલ બગાડ્યો હતો.
જો કે ભાજપે તેને મોટો મુદ્દો બનાવીને મનમોહન સરકાર સામે મોરચો રચ્યો હતો. આ કેસમાં અમરસિંહને જેલના સળિયા પાછળ પણ જવું પડ્યું હતું. જોકે અમરસિંહ સામે કોઇ કડક કાર્યવાહી કરવામાં આવી ન હતી.





