CBI arrests Punjab Police DIG Harcharan Singh Bhullar : પંજાબ પોલીસના રોપર રેન્જના ડીઆઈજી હરચરણ સિંહ ભુલ્લર વિરુદ્ધ ભ્રષ્ટાચારના કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તેમને ચંદીગઢથી પકડવામાં આવ્યા હતા. સીબીઆઈએ લાંચની ફરિયાદ મળતા છટકું ગોઠવીને ભુલ્લરની ધરપકડ કરી હતી. તેમના પર દર મહિને 5 લાખ રૂપિયાની લાંચ લેવાનો આરોપ છે.
મળતી માહિતી મુજબ સીબીઆઈ છેલ્લા કેટલાક દિવસોથી ડીઆઈજી ભુલ્લર પર નજર રાખી રહી હતી. આ જ કડીમાં સીબીઆઈની ટીમે પાંચ લાખ રૂપિયાની લાંચ લેતા તેમની ધરપકડ કરી છે. આ પછી સીબીઆઈએ ભુલ્લરના ચંદીગઢ અને રોપરમાં દરોડા પાડ્યા હતા. જોકે સીબીઆઈએ આ મામલે હજુ સુધી સત્તાવાર રીતે કંઇ કહ્યું નથી.
ડીઆઈજી ભુલ્લરની ધરપકડ કેવી રીતે કરવામાં આવી?
અહેવાલો અનુસાર સીબીઆઈએ આ કાર્યવાહી સંપૂર્ણ ગોપનીયતાથી કરી હતી. લાંચની રકમ સ્વીકારતા જ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ડીઆઈજી ભુલ્લરની ધરપકડ કરી હતી. સીબીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આરોપી ડીઆઈજી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. હાલ તેની પૂછપરછ ચાલી રહી છે.
આ પણ વાંચો – બિહાર વિધાનસભા ચૂંટણી 2025 : ભાજપે બીજી યાદી જાહેર કરી, લોક ગાયિકા મૈથિલી ઠાકુરને મળી ટિકિટ
કોણ છે ડીઆઈજી હરચરણ સિંહ ભુલ્લર?
પંજાબ પોલીસમાં ફરજ બજાવતા હરચરણ સિંહ ભુલ્લર એસપીએસથી આઈપીએસ બન્યા હતા. તેમનો જન્મ 1967 માં થયો હતો. તેઓ રાજ્યના વરિષ્ઠ પોલીસ અધિકારીઓમાં જાણીતા છે. તેમણે પટિયાલા રેન્જના આઈજી તરીકે પણ સેવા આપી છે. આ પહેલા તેઓ રૂપનગર રેન્જના ડીઆઈજી પણ રહી ચૂક્યા છે.
હરચરણ સિંહ ભુલ્લર આ વર્ષે પણ ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમણે રોપરમાં ડ્રગ્સ વિરુદ્ધ પંજાબ સરકારના અભિયાનનું નેતૃત્વ કર્યું હતું. પંજાબમાં અકાલી દળના જાણીતા નેતા વિક્રમ સિંહ મજીઠિયાના કેસમાં તેઓ એસઆઈટીનો હવાલો તે સંભાળી રહ્યા હતા.