Citizenship Amendment Act : આગામી લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા કેન્દ્ર સરકારે દેશમાં નાગરિકતા સંશોધન કાયદો લાગુ કરી દીધો છે. કેન્દ્ર સરકાર દ્વારા CAA નું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ પછી આજથી જ દેશમાં નાગરિકતા સંશોધન કાયદો એટલે કે સીએએ લાગુ કરવામાં આવશે. સીએએને સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યાને લગભગ પાંચ વર્ષ વીતી ગયા છે.
ગૃહમંત્રી અમિત શાહે પોતાના ચૂંટણી ભાષણોમાં અનેક વખત નાગરિકતા સંશોધન કાયદો એટલે કે સીએએ લાગુ કરવાની વાત કહી હતી. તેમણે જાહેરાત કરી હતી કે લોકસભાની ચૂંટણી પહેલા તેનો અમલ કરવામાં આવશે. આવી સ્થિતિમાં ગૃહ મંત્રાલય દ્વારા તેને લાગુ કરવાની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી હતી. હવે સીએએને લાગુ કરી દેવામાં આવ્યો છે.
આ વર્ષે જાન્યુઆરીમાં ધ ઈન્ડિયન એક્સપ્રેસે અહેવાલ આપ્યો હતો કે CAA નિયમો તૈયાર છે અને પ્રક્રિયા માટે ઓનલાઈન પોર્ટલ પણ કાર્યરત છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર આખી પ્રક્રિયા ઓનલાઈન હશે, જેમાં અરજદારો પાસે તેમના મોબાઈલ ફોનથી અરજી કરવાનો વિકલ્પ હશે.
આ પણ વાંચો – પીએમ મોદીએ દિલ્હી-એનસીઆરને ભેટ આપી, દ્વારકા એક્સપ્રેસ વે નું ઉદ્ઘાટન કર્યું, જાણો ખાસિયત
સીએએ શું છે?
સીએએ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી આવેલા દસ્તાવેજ વગરના બિન-મુસ્લિમ પ્રવાસીઓને નાગરિકતા આપવા માટે છે. એકવાર સીએએના નિયમો જાહેર થયા પછી મોદી સરકાર 31 ડિસેમ્બર 2014 સુધી ભારત આવેલા બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સતાવેલા બિન-મુસ્લિમ પ્રવાસીઓ (હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી) ને ભારતીય નાગરિકતા આપવાનું શરૂ કરશે.
સીએએ ક્યારે પસાર થયું?
કાયદો 9 ડિસેમ્બર, 2019 ના રોજ લોકસભા અને બે દિવસ પછી રાજ્યસભા દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. તેને 12 ડિસેમ્બર, 2019ના રોજ રાષ્ટ્રપતિની સંમતિ મળી હતી.. જોકે આ પછી દેશના ઘણા ભાગોમાં વિરોધ પ્રદર્શન શરુ થયા હતા. આ કાયદો હજુ સુધી લાગુ થઇ શક્યો નથી, કારણ કે તેના અમલીકરણ માટેના નિયમો હજી સુધી સૂચિત કરવામાં આવ્યા નથી.