Chandrayaan 4 Updates : ચંદ્રયાન 4 મિશન ને લઈને ઈસરોના વડાએ મોટો દાવો કર્યો છે. ઈસરોના અધ્યક્ષ ડૉ. એસ. સોમનાથે જણાવ્યું હતું કે, ચંદ્રયાન-4 મિશન એ એક પરિકલ્પના છે, જેને અપગ્રેડેડ વર્ઝનમાં વિકસાવવામાં આવી રહી છે.
સોમનાથે કહ્યું કે, અવકાશ સંશોધન એ સતત પ્રક્રિયા છે અને ભારત તેના પર ઝડપથી કામ કરી રહ્યું છે. સોમનાથે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ 2040 માં ચંદ્ર પર ઉતરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે, જેના માટે ઈસરો સતત કામ કરી રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે, 2040 સુધીમાં એક ભારતીય ચંદ્રની સપાટી પર ઉતરશે. આ મિશન હેઠળ, વ્યક્તિ ચંદ્રયાન-4 થી ચંદ્ર પર જશે અને સેમ્પલ એકત્રિત કરીને તેને પૃથ્વી પર પરત લાવશે.
ચંદ્રયાન 3 માં સફળતા મળી હતી
તાજેતરમાં જ ભારતે ચંદ્રયાન 3 માં મોટી સફળતા મેળવી હતી. ચંદ્રયાન-3 14 જુલાઈ 2003 ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું અને 23 ઓગસ્ટે તેણે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડર મોકલનાર ભારત પહેલો દેશ બન્યો છે.
ઈસરો ના વડા સોમનાથે કહ્યું કે, ચંદ્રયાન 3 ની સફળતા બાદ હવે વૈજ્ઞાનિકો ચંદ્રયાન મિશન-4 પર કામ કરી રહ્યા છે. આ મિશન શરૂ કરતા પહેલા, ચંદ્ર વિશે તમામ પ્રકારની માહિતી એકત્રિત કરવા માટે નાના યાન મોકલવામાં આવશે.
તેમણે કહ્યું કે, અમને જે પ્રતિસાદ મળશે તેના આધારે જ આગળનાં પગલાં લેવામાં આવશે. ISRO યુવાનો માટે ઘણા પ્રોજેક્ટ પણ ચલાવી રહ્યું છે અને તેમને સર્ટિફિકેટ કોર્સ પણ ઓફર કરવામાં આવી રહ્યા છે.
ચંદ્રયાન-3 ના પ્રક્ષેપણ સમયે ઈસરોના પ્રમુખ કેન્સર સામે લડી રહ્યા હતા
ચંદ્રયાન-3 ના પ્રક્ષેપણ સમયે ઈસરોના વડા એસ સોમનાથ કેન્સર સામે લડી રહ્યા હતા. તેમને આ વાતની જાણ ભારતના સન મિશન આદિત્ય એલ-1 ના લોન્ચ દરમિયાન થઈ હતી. ઈસરોના ચીફે થોડા દિવસો પહેલા કહ્યું હતું કે, આદિત્ય મિશનના લોન્ચિંગ પછી તરત જ તેમનું સ્કેન કરાવવું પડ્યું હતું અને પછી બીમારીની જાણ થઈ હતી.
આ પણ વાંચો – ઈસરોને મળી વધુ એક સફળતા, ભારતના સેટેલાઈટ લોન્ચનો કાટમાળ હવે અવકાશમાં નહી રહે
જોકે, હવે તે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે અને તેમની દવાઓ ચાલી રહી છે. ચંદ્રયાન-3 ના પ્રક્ષેપણ વખતે પણ તેમને સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો અને તેમના સાથી વૈજ્ઞાનિકો પણ તેનાથી વાકેફ હતા. દરેક લોકો પરેશાન હતા પરંતુ, તેમણે પરિસ્થિતિને સંપૂર્ણપણે સંભાળી લીધી અને વૈજ્ઞાનિકોને સાથ આપ્યો.