chhath puja 2025 : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શનિવારે તહેવારોની મોસમમાં ઘણી ટ્રેનોમાં મુસાફરોની ભીડને લઈને કેન્દ્ર અને બિહાર સરકાર પર પ્રહાર કર્યો છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે “ફેલ ડબલ એન્જિન સરકાર” ના દાવાઓ ખોખલા સાબિત થયા છે. રાહુલ ગાંધીએ એ પણ સવાલ કર્યો હતો કે 12,000 સ્પેશિયલ ટ્રેનો ક્યાં છે?
રેલવે મંત્રાલયે 1 ઓક્ટોબરથી 30 નવેમ્બર 2025 દરમિયાન નિર્ધારિત 12,011 રેલ યાત્રાઓની (રેલગાડીઓના ફેરા) યાદી ગત દિવસોમાં જાહેર કરી હતી. એવી માહિતી આપવામાં આવી હતી કે તહેવારો દરમિયાન ભીડને પહોંચી વળવા માટે દેશના વિવિધ ભાગોમાંથી દરરોજ સરેરાશ 196 વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં એક દિવસમાં સંચાલિત વિશેષ ટ્રેનોની સૌથી વધારે સંખ્યા 18 ઓક્ટોબરે લગભગ 280 હતી, જ્યારે 8 ઓક્ટોબરે સૌથી ઓછી 166 ટ્રેનો દોડાવવામાં આવી હતી.
રાહુલ ગાંધીએ શું કહ્યું
રાહુલ ગાંધીએ કેટલીક ટ્રેનોમાં મુસાફરોની ભીડનો વીડિયો શેર કર્યો અને X પર પોસ્ટ કર્યું કે આ તહેવારોનો મહિનો છે – દિવાળી, ભાઈબીજ, છઠ. બિહારમાં આ તહેવારોનો અર્થ માત્ર આસ્થા જ નથી, ઘરે પાછા ફરવાની ઝંખના, માટીની સુગંધ, પરિવારનો સ્નેહ, ગામનું અપનાપન. પરંતુ આ લાલસા હવે એક સંઘર્ષ બની ગઈ છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે બિહાર જતી ટ્રેનોમાં ભારે ભીડ છે, ટિકિટ મેળવવી અશક્ય છે અને મુસાફરી અમાનવીય બની ગઈ છે. ઘણી ટ્રેનોમાં તેમની ક્ષમતાથી 200 ટકા સુધી યાત્રીઓ સવાર છે – લોકો દરવાજા અને છત પર લટકી રહ્યા છે.
આ પણ વાંચો – છઠ પર ફક્ત ઠેકુઆ જ નહીં, આ પારંપરિક પ્રસાદનું પણ છે ખાસ મહત્વ
તેમણે આરોપ લગાવ્યો કે “નિષ્ફળ ડબલ એન્જિન સરકાર” ના દાવાઓ ખોખલા છે. કોંગ્રેસ નેતાએ સવાલ કર્યો કે 12,000 સ્પેશિયલ ટ્રેનો ક્યાં છે? શા માટે દર વર્ષે પરિસ્થિતિ વધુ ખરાબ થાય છે. બિહારના લોકોને દર વર્ષે આવી અપમાનજનક પરિસ્થિતિમાં ઘરે પાછા ફરવાની ફરજ કેમ પડી રહી છે?
રાહુલ ગાંધીએ કહ્યું કે જો તેમને રાજ્યમાં રોજગાર અને સન્માનજનક જીવન મળે તો તેમને હજારો કિલોમીટર દૂર ભટકવું ન પડે. તેમણે દાવો કર્યો હતો કે આ માત્ર લાચાર મુસાફરો નથી, તેઓ એનડીએની કપટપૂર્ણ નીતિઓ અને ઇરાદાઓનો જીવતો પુરાવો છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે યાત્રા સલામત અને સન્માનજનક હોવી જોઈએ તે અધિકાર છે, કોઇ ઉપકાર નથી.





