India Loksabha Election on China દેશભરમાં લોકસભા ચૂંટણીનો માહોલ સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયો છે. તમામ પક્ષો આ સમયે પ્રચારમાં લાગી ગયા છે, જમીન પર તો રાજકીય પક્ષો ચૂંટણીમાં સક્રિય જોવા મળી રહી છે તો, સાથે ટેકનોલોજીના કારણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ પોતાની ભૂમિકા ભજવવા જઇ રહી છે. ટેક્નોલોજી કંપની માઇક્રોસોફ્ટે એવો દાવો કર્યો છે કે, જેનાથી ભારતમાં ચૂંટણીને લઇને સૌની ચિંતા વધી ગઇ છે.
વાસ્તવમાં માઇક્રોસોફ્ટની ઇન્ટેલિજન્સ ટીમે દાવો કર્યો છે કે, ચીન આગામી લોકસભા ચૂંટણીમાં પોતાનો પ્રભાવ પાડવાનો પ્રયાસ કરી શકે છે. તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા ભારતના મતદારોમાં ખોટી માહિતી શેર કરી શકે છે, કોઇ એક રાજકીય પક્ષ તરફ મતદારોનો ટ્રેન્ડ પણ વધારી શકે છે. આ સિવાય ફેક વીડિયો, ડીપ ફેક વીડિયો અને અન્ય પોસ્ટ દ્વારા તે અનેક રાજકીય ઉથલપાથલ કરવાનો પ્રયાસ કરી શકે છે.
આ પહેલીવાર નથી જ્યારે ચીન પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે, તે અન્ય દેશોની ચૂંટણીમાં દખલ કરવાની કોશિશ કરી રહ્યું છે. તાઇવાનમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ચીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા મોટા પાયે લોકોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો હતો
એક નિવેદનમાં માઇક્રોસોફ્ટ ઇન્ટેલિજન્સ ટીમે તો ત્યાં સુધી કહ્યું છે કે, ચીન ઉત્તર કોરિયાની મદદથી અમેરિકા, ભારત અને દક્ષિણ કોરિયામાં ચૂંટણીને પ્રભાવિત કરી શકે છે, તે એઆઇ જનરેટેડ કન્ટેન્ટનો ઉપયોગ મોટા પાયે પોતાના હિતોને ફાયદો પહોંચાડવા માટે કરી શકે છે.
ચૂંટણી કાર્યક્રમની વાત કરીએ તો, આ વખતે ચૂંટણી સાત તબક્કામાં યોજાવા જઈ રહી છે, 4 જૂને પરિણામ આવશે. એક તરફ મોદી સરકાર, જે ત્રીજી વખત સત્તામાં આવવાની અને, 400 થી વધુ સીટો જીતવાનો દાવો કરી રહી છે, તો બીજી તરફ ઈન્ડિયા ગઠબંધન પણ ઉત્સાહથી ભરેલું છે, અને તેને લાગે છે કે આ વખતે વિપક્ષી એકતા ભાજપને હરાવી દેશે.





