CM Yogi Adityanath Bhadohi Carpet Expo : દેશના સૌથી મોટા કાર્પેટ નિકાસકારોમાંથી એક ભદોહીમાં આંતરરાષ્ટ્રીય કાર્પેટ ફેર અને ચોથા કાર્પેટ એક્સ્પોનું ઉદ્ઘાટન કરતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે કાર્પેટ ઉદ્યોગસાહસિકો અને નિકાસકારોને ખાતરી આપી હતી કે તેમને અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફથી ડરવાની જરૂર નથી.
ઉદ્યોગ પર ટેરિફની અસર પર નજર રાખવા અને તેના પર ધ્યાન આપવા માટે ઉચ્ચ સ્તરીય સરકારી સમિતિની રચનાની જાહેરાત કરતા તેમણે કહ્યું કે જો કોઈ દેશ ટેરિફ લાદશે તો સરકાર 10 નવા દેશો સાથે વેપાર શરૂ કરશે. તેમણે એમ પણ કહ્યું હતું કે સરકાર નીતિગત નિર્ણયોમાં ઉદ્યોગસાહસિકોના સૂચનોનો સમાવેશ કરવા માટે એક સમિતિની રચના કરવાનું વિચારી રહી છે.
આપણા ઉદ્યોગો માટે નવા માર્ગો ખોલશે – સીએમ યોગી આદિત્યનાથ
સીએમ યોગી આદિત્યનાથ કહ્યું કે અમેરિકાએ ટેરિફ લગાવ્યો છે, પરંતુ આ માત્ર એક દેશનો નિર્ણય છે. આપણે UAE, UK અને અન્ય દેશો સાથે મુક્ત વેપાર સમજુતી તરફ આગળ વધી રહ્યા છીએ, જે આપણા ઉદ્યોગો માટે નવા માર્ગો ખોલશે.
મુખ્યમંત્રીએ એ વાત પર ભાર આપ્યો કે કાર્પેટ ઉદ્યોગ માત્ર એક વેપાર નથી, પરંતુ કારીગરો અને શિલ્પકારોની એક જીવંત પરંપરા છે. આજે તે 25-30 લાખ લોકોને રોજગારી પૂરી પાડે છે અને લગભગ 17,000 કરોડ રુપિયાનું વાર્ષિક નિકાસ પેદા કરે છે. આ ક્ષેત્ર મહિલા સશક્તિકરણના મુખ્ય માધ્યમ તરીકે પણ ઉભરી આવ્યું છે, કારણ કે સરકાર વધુ મહિલાઓને ઘરેથી કામમાં ભાગ લેવા અને આર્થિક સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કરી રહી છે.
હવે 88 દેશોના 300-400 ખરીદદારો એક્સ્પોમાં આવે છે – સીએમ યોગી આદિત્યનાથ
મુખ્યમંત્રીએ કહ્યું કે 11 વર્ષ પહેલા કાર્પેટ ઉદ્યોગ પતનના આરે હતો, પરંતુ ભદોહીમાં કાર્પેટ એક્સ્પો માર્ટની સ્થાપના સાથે ભદોહી, મિર્ઝાપુર અને વારાણસીના કાર્પેટ સમૂહોને પુનર્જીવિત કરવામાં આવ્યા હતા. પ્રથમ એક્સ્પોમાં ખૂબ ઓછા વિદેશી ખરીદદારો આવ્યા હતા, હવે 88 દેશોના 300-400 ખરીદદારો એક્સ્પોમાં આવે છે, જે ભદોહી કાર્પેટની વધતી જતી વૈશ્વિક માંગ દર્શાવે છે.
આ પણ વાંચો – બિહાર ઓપિનિયન પોલ : બિહારમાં કોની બનશે સરકાર, કોણ સૌથી મનપસંદ સીએમ, જાણો રસપ્રદ આંકડા
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશ સરકારે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઇ) અને વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ (ઓડીઓપી) યોજનાઓ હેઠળ દરેક જિલ્લામાં ચોક્કસ ઉદ્યોગોને પ્રોત્સાહન આપ્યું છે, જે ભદોહી કાર્પેટ, મુરાદાબાદ પિત્તળ, ફિરોઝાબાદ ગ્લાસ અને વારાણસી રેશમને નવી ઓળખ આપે છે.
દિવાળી દરમિયાન 75 જિલ્લાઓમાં સ્વદેશી મેળાઓનું આયોજન કરાશે
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જ્યારે 2017માં ઓડીઓપી પહેલ શરૂ કરવામાં આવી હતી, ત્યારે કોઈએ કલ્પના પણ કરીન હતી કે ઉત્તર પ્રદેશ 2 લાખ કરોડ રુપિયાથી વધુની નિકાસ કરી શકશે, પરંતુ આજે આ સિદ્ધિ હાંસલ થઈ છે. તેમણે એવી પણ માહિતી આપી હતી કે દિવાળી દરમિયાન તમામ 75 જિલ્લાઓમાં સ્વદેશી મેળાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં ભદોહીના કાર્પેટ માટે વિશેષ સ્ટોલ ઉભા કરવામાં આવી રહ્યા છે.