Fever and Cold Medicine Grocery Store : કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં મોટો નિર્ણય લેવા જઈ રહી છે. કરિયાણાની દુકાનોમાં વેચાણ માટે શરદી અને તાવમાં વપરાતી દવાઓ આપવાની તૈયારી પણ કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર ઓટીસી એટલે કે, ઓવર ધ કાઉન્ટર દવાઓ માટે પોલિસી લાવવાની તૈયારી કરી રહી છે. આ માટે એક કમિટી બનાવવામાં આવી, જે તેના પર વિચાર કરી રહી છે.
ઓટીસી પોલિસી શું છે?
ઓટીસી એટલે કે ઓવર-ધ-કાઉન્ટર દવાઓ કહેવામાં આવે છે, જે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચી શકાય છે. અમેરિકા, યુકે અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં આ નીતિ પહેલેથી જ અમલમાં છે. હવે તેને ભારતમાં લાગુ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ કમિટી આ દિશામાં કામ કરી રહી છે. આ અંગે સમિતિને અત્યાર સુધીમાં અનેક સૂચનો મળ્યા છે. જો કે હજુ સુધી સત્તાવાર રીતે કંઇ પણ કહેવામાં આવ્યું નથી.
આ નીતિ કેમ લાવવામાં આવી રહી છે?
રિપોર્ટ મુજબ સરકાર ગ્રામીણ વિસ્તારોને ધ્યાનમાં રાખીને આ પોલિસી લાવવાની તૈયારી કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, ગ્રામ્ય વિસ્તારોમાં તબીબોની અછત છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં મેડિકલ સ્ટોર પણ ઓછા જોવા મળે છે. આવી સ્થિતિમાં, ઘણી વખત લોકો જરૂરી દવાઓ મેળવી શકતા નથી. ઘણા કિસ્સામાં જરૂરી દવાઓ સમયસર ન મળવાને કારણે દર્દીઓની હાલત વધુ ગંભીર બની જતી હોય છે. આ કારણોસર, સમિતિ દ્વારા ઓટીસી સૂચવવામાં આવ્યું છે.
સમિતિની રચના ક્યારે થઈ?
આ વર્ષે ફેબ્રુઆરીમાં ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ અતુલ ગોયલ દ્વારા નિષ્ણાતોની એક સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિને ભારતની ઓટીસી ડ્રગ પોલિસી ઘડવાની જવાબદારી સોંપવામાં આવી હતી.
સૂત્રોનું કહેવું છે કે સમિતિ દ્વારા એક ડ્રાફ્ટ પણ રજૂ કરવામાં આવ્યો છે. તેમાં ઓવર-ધ-કાઉન્ટર વેચી શકાય તેવી દવાઓની યાદી પણ છે. ભારતમાં અત્યાર સુધી આવો કોઈ નિયમ નથી. જો કોઈ દવાને પ્રિસ્ક્રિપ્શન ઓનલી ના કહેવાયુ હોય તો તેને ઓટીએલવાય ગણવામાં આવે છે, જો કે આ અંગે કોઈ નિયમ નક્કી કરવામાં આવ્યો નથી. સરકાર જરૂરી દવાઓને નિયમના દાયરામાં લાવીને તેની પહોંચ વધારવાનો પ્રયાસ કરી રહી છે.





