how is Colonel Sophia Qureshi, operation sindoor :ભારતીય સેનાએ પાકિસ્તાન અને PoKમાં મંગળવારે મધરાત્રે ઓપરેશન સિંદૂર પાર પાડ્યું હતું. જેમાં આતંકવાદીઓના 9 અડ્ડાઓને નષ્ટ કર્યા હતા. આ સમગ્ર ઓપરેશનની જાણકારી વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ સાથે મળીને કર્નલ સોફિયાએ દેશના રક્ષણ અંગે એક સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધી હતી. ઓપરેશન સિંદૂરના વિજય અને સેના દ્વારા લેવામાં આવેલી વ્યૂહરચનાઓની ઝાંખી તેમણે મીડિયા સામે રજૂ કરી. દેશના સુરક્ષાકવચ પાછળ ઊભેલા સેનાનાયકોમાં જ્યારે મહિલા અધિકારીઓના નામ છે, ત્યારે તે સમગ્ર રાષ્ટ્ર માટે ગૌરવની વાત બને છે.
આ સાથે જ ગુજરાતની ધરતીની એક દિકરી, કર્નલ સોફિયા કુરેશી, આજે દેશ માટે ગૌરવનું જીવતું પ્રતિબિંબ બની છે. ભારતીય સેનાની આ બહાદુર મહિલા અધિકારીએ “ઓપરેશન સિંદૂર”ની સફળતા અંગે મીડિયાને સંબોધન કરીને સમગ્ર રાષ્ટ્રનું ધ્યાન ખેંચ્યું છે.
કર્નલ સોફિયા કુરેશી મૂળ વડોદરાની રહેવાસી છે અને એમ.એસ. યુનિવર્સિટીમાંથી 1997માં બાયો કેમેસ્ટ્રીમાં માસ્ટર્સ પૂર્ણ કર્યું છે. વૈજ્ઞાનિક અભ્યાસ બાદ તેમણે ભારતીય સેના પસંદ કરી અને Corps of Signalsમાં જોડાઈને અનેક સફળતા મેળવી. તેમના દાદા પણ ભારતીય સેના સાથે જોડાયેલા હતા, જેમણે ધાર્મિક શિક્ષક તરીકે સેવામાં યોગદાન આપ્યું હતું. સેનાના સંસ્કારોથી ઉછરેલી સોફિયા આજે પોતે અને તેમના પતિ ભારતીય સેનાની મેખેનાઇઝ્ડ ઇન્ફેન્ટ્રીમાં અધિકારી છે. બંને દેશની રક્ષા માટે સમર્પિત છે.
‘ફોર્સ 18’માં ભાગ લેનારા 18 દેશોમાં એકમાત્ર મહિલા કમાન્ડર રહ્યા
2016માં કર્નલ સોફિયા એ ભારતીય સેનાના ઇતિહાસમાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી. તેઓ પહેલી મહિલા અધિકારી તરીકે ભારતીય દળનું નેતૃત્વ કરવા માટે ASEAN પ્લસ દેશોની મલ્ટીનેશનલ મિલિટરી એક્સરસાઈઝ ‘ફોર્સ 18’માં ભાગ લેનારા 18 દેશોમાં એકમાત્ર મહિલા કમાન્ડર રહ્યા. તેમના નેતૃત્વમાં ભારતીય દળે વિશ્વસ્તરે પોતાના કૌશલ્ય અને સંકલ્પશક્તિનું પ્રદર્શન કર્યું હતું.
ઓપરેશન સિંદૂર વિશે પળેપળની માહિતી જાણવા માટે અહીં ક્લિક કરો
આંતરરાષ્ટ્રીય શાંતિ મિશનમાં પણ મહત્વનું યોગદાન
કર્મક્ષેત્રે માત્ર યોધ્ધાની ભૂમિકા નથી ભજવી, પરંતુ તેઓએ આંતરરાષ્ટ્રીય શાંતિ મિશનમાં પણ મહત્વનું યોગદાન આપ્યું છે. યુનાઇટેડ નેશન્સની પીસકીપિંગ ઓપરેશન્સ અંતર્ગત છ વર્ષની સેવાકાળ દરમિયાન 2006માં તેઓ કોંગોમાં તૈનાત રહ્યા હતા. શાંતિ સ્થાપના અને માનવીય સહાયમાં તેમણે મહત્વનું કામ કર્યું છે. “વિસંવાદિત વિસ્તારોમાં શાંતિ લાવવા માટેનો પ્રયાસ એ મારા માટે ગૌરવનો ક્ષણ રહ્યો છે,” તેમનો સ્પષ્ટ સંદેશ છે.