Charanjit Singh Channi : પંજાબની જાલંધર સીટથી ચૂંટણી લડી રહેલા પૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ પૂંછમાં સેનાના જવાનો પર થયેલા હુમલા પર સવાલ ઉઠાવ્યા છે. વાયુ સેનાના કાફલા પર થયેલા હુમલા અંગે ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું કે આ માત્ર એક ‘સ્ટંટ’ છે. જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે ભાજપને જીતાડવા માટે આવા સ્ટંટ કરવામાં આવે છે. આ પૂર્વ આયોજિત હુમલા છે. તેમાં કોઈ સત્ય નથી.
ચરણજીત સિંહ ચન્ની હાલ પંજાબની જાલંધર લોકસભા સીટથી કોંગ્રેસના ઉમેદવાર છે અને પ્રચારમાં વ્યસ્ત છે. જ્યારે તેમણે આ નિવેદન આપ્યું ત્યારે તેઓ જાલંધરમાં એક પ્રચાર સભામાં હતા.
ચરણજીત સિંહ ચન્નીએ શું કહ્યું?
પૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ વધુમાં કહ્યું કે પૂંછ જિલ્લામાં ભારતીય વાયુસેના (આઈએએફ)ના કાફલા પર થયેલ આતંકી હુમલો ભાજપનો ચૂંટણી સ્ટંટ હતો. આ બધા સ્ટંટ છે, આતંકવાદી હુમલા નથી. આ બીજું કશું જ નહીં પણ ભાજપનો ચૂંટણી પહેલાનો સ્ટંટ છે. તેમાં કોઈ સત્ય નથી. ભાજપ લોકોના જીવન અને શરીર સાથે રમત રમી રહી છે.
આ પણ વાંચો – પ્રાણ પ્રતિષ્ઠા પછી પ્રથમ વખત અયોધ્યા પહોંચ્યા પીએમ મોદી, રામલલાના દર્શન કર્યા બાદ રોડ શો કર્યો
ભાજપ પર ચૂંટણીને પ્રભાવિત કરવા માટે આ પ્રકારની ઘટનાઓને અંજામ આપવાનો આરોપ લગાવતા ચન્નીએ આરોપ લગાવ્યો હતો કે આ પ્રકારના હુમલા પૂર્વ આયોજિત હતા અને ભાજપની ચૂંટણી સંભાવનાઓને મજબૂતી આપવા માટે કરવામાં આવ્યા હતા. જ્યારે પણ ચૂંટણીઓ આવે છે, ત્યારે આવા સ્ટંટ કરવામાં આવે છે. ગત સામાન્ય ચૂંટણી દરમિયાન પણ આવા જ હુમલા થયા હતા.
જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં શનિવારે હુમલો થયો હતો
જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં શનિવારે સાંજે આતંકવાદીઓએ વાયુ સેના કાફલા પર ગોળીબાર કરતાં આઈએએફના એક જવાન શહીદ થયા હતા અને અન્ય ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ હુમલો સુરનકોટના સનાઈ ગામમાં થયો હતો. અધિકારીઓએ કહ્યું કે આ હુમલામાં ઘાયલ થયેલા ચાર સૈનિકોમાંથી એકની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે, જ્યારે અન્ય ત્રણની હાલત સ્થિર છે. આ હુમલામાં સામેલ આતંકીઓને શોધી કાઢવા માટે હાલ મોટાપાયે સર્ચ અને કોર્ડન ઓપરેશન ચાલી રહ્યું છે.





