‘પિતા પોલિસી બનાવે છે, પુત્ર તેનાથી પૈસા કમાય છે’, પવન ખેડાનો નીતિન ગડકરી પર આકરો પ્રહાર

પવન ખેડાએ કહ્યું કે નિખિલ ગડકરી અને સારંગ ગડકરી નીતિન ગડકરીના પુત્રો છ. નિખિલ ગડકરીની કંપની Cian Agro ની જૂન 2024માં 18 કરોડની આવક હતી, જે જૂન 2025 માં વધીને 723 કરોડ થઈ ગઈ છે. જાન્યુઆરી 2025માં આ કંપનીના શેરનો ભાવ 37 રૂપિયા હતો, જે હવે વધીને 638 રૂપિયા થઈ ગયો છે

Written by Ashish Goyal
September 04, 2025 17:04 IST
‘પિતા પોલિસી બનાવે છે, પુત્ર તેનાથી પૈસા કમાય છે’, પવન ખેડાનો નીતિન ગડકરી પર આકરો પ્રહાર
AICC ના મીડિયા અને પબ્લિસિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન પવન ખેડા (તસવીર - સ્ક્રીનગ્રેબ)

Nitin Gadkari : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પર ગુરૂવારે કોંગ્રેસે મોટો હુમલો કર્યો છે. કોંગ્રેસે કહ્યું કે ગડકરીના પુત્રોની ઇથેનોલ ઉત્પાદક કંપનીઓએ ઝડપથી પૈસા કમાવ્યા છે. કોંગ્રેસ નેતા પવન ખેડાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે નિખિલ ગડકરી અને સારંગ ગડકરી નીતિન ગડકરીના પુત્રો છે. નીતિન ગડકરીના બંને પુત્રોની કંપનીઓ – Cian Agro Industries & Infrastructure Ltd, Manas Agro Industries And Infrastructure Ltd ઇથેનોલનું ઉત્પાદન કરે છે. તેમણે કહ્યું કે સરકારમાં બેઠેલા પિતા નીતિઓ બનાવી રહ્યા છે અને પુત્રો પૈસા કમાઇ રહ્યા છે.

જૂન 2024માં 18 કરોડની આવક હતી, જે જૂન 2025 માં વધીને 723 કરોડ થઈ ગઈ

AICC ના મીડિયા અને પબ્લિસિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન પવન ખેડાએ કહ્યું કે નિખિલ ગડકરીની કંપની Cian Agro ની જૂન 2024માં 18 કરોડની આવક હતી, જે જૂન 2025 માં વધીને 723 કરોડ થઈ ગઈ છે. જાન્યુઆરી 2025માં આ કંપનીના શેરનો ભાવ 37 રૂપિયા હતો, જે હવે વધીને 638 રૂપિયા થઈ ગયો છે.

પવન ખેડાએ જણાવ્યું હતું કે છેલ્લા 11 વર્ષના ઇતિહાસમાં કોઈપણ યોજના સમયસર પૂર્ણ થઈ નથી, પરંતુ 2025ની સમયમર્યાદા પહેલાં દેશમાં 20 ટકા ઇથેનોલ મિશ્રણ હાંસલ થઈ છે.

પવન ખેડાએ વધુમાં કહ્યું કે નરેન્દ્ર મોદી અને નીતિન ગડકરીએ જૂન 2014માં કહ્યું હતું કે મ્યુનિસિપલ વેસ્ટમાંથી જે ઇથેનોલ બનશે તેના કારણે પેટ્રોલ 55 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 50 રૂપિયા પ્રતિ લિટરના દરે મળશે. સપ્ટેમ્બર 2018માં નીતિન ગડકરીએ કહ્યું હતું કે સરકાર દ્વારા પાંચ પ્લાન્ટ સ્થાપવામાં આવશે. જ્યાં લાકડાના બુરા અને મ્યુનિસિપલ કચરામાંથી ઇથેનોલ બનાવવામાં આવશે. સત્ય એ છે કે આજ દિન સુધી લાકડાના બુરા અને મ્યુનિસિપલ વેસ્ટમાંથી 1 લિટર ઇથેનોલ પણ બનાવવામાં આવ્યું નથી.

આ પણ વાંચો – ભારત-યુરોપિયન યૂનિયન વચ્ચે જલ્દી થશે ફ્રી ટ્રેડ ડીલ

પર્યાવરણ સંરક્ષણનો દાવો જુમલો નીકળ્યો

કોંગ્રેસ નેતાએ કહ્યું કે 627 કરોડ લિટર ઇથેનોલનું ઉત્પાદન થયું છે, જેમાંથી 56 ટકા શેરડી અને બાકી અનાજનો ઉપયોગ થયો છે. ક્યાંય પણ લાકડાના બુરા અને મ્યુનિસિપલ કચરાનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. તેમણે કહ્યું કે એક લિટર ઇથેનોલનું ઉત્પાદન કરવા માટે આશરે 3,000 લિટર પાણીનો ઉપયોગ થાય છે. એટલે કે પર્યાવરણની જાળવણીનો દાવો પણ જુમલો જ નીકળ્યો.

હવે જોવાનું એ છે કે કોંગ્રેસના આરોપો બાદ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી તરફથી શું જવાબ મળે છે?

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ