Rahul Gandhi Leader Of Opposition: ઇન્ડિયા એલાયન્સે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતા તરીકે પસંદ કર્યા છે. લોકસભા અધ્યક્ષની ચૂંટણીના એક દિવસ પહેલા ઈન્ડિયા એલાયન્સની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ કેસી વેણુગોપાલે મલ્લિકાર્જુન ખડગેના ઘરે મંગળવારે રાત્રે યોજાયેલી ઇન્ડિયા એલાયન્સની બેઠક બાદ માહિતી આપતા કહ્યું કે આ બેઠકમાં રાહુલ ગાંધીને સદનમાં વિપક્ષના નેતા બનાવવાને લઇને ચર્ચા થઇ હતી. કોંગ્રેસ સંસદીય દળના નેતાએ પ્રોટેમ સ્પીકરને પત્ર લખીને માહિતી આપી હતી. બેઠકમાં લોકસભા અધ્યક્ષના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી.
રાહુલ ગાંધી પોતાની રાજકીય કારકિર્દીમાં પહેલીવાર બંધારણીય પદ પર બેસશે. આ લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીએ એક નહીં પરંતુ બે લોકસભા સીટો પર જીત મેળવી છે. તેમણે રાયબરેલી અને વાયનાડની સીટ પર જીત મેળવી છે. જોકે તેમણે આમાંથી વાયનાડની સીટ છોડવાનો નિર્ણય કર્યો છે. રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા ગાંધી અહીંથી પેટાચૂંટણી લડશે.
આ નેતાઓએ બેઠકમાં ભાગ લીધો હતો
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે યોજાયેલી બેઠકમાં કોંગ્રેસ સાંસદ અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓ બ્રાયન અને કલ્યાણ બેનર્જી, સમાજવાદી પાર્ટીના રામ ગોપાલ યાદવ, ડીએમકેના ટીઆર બાલુ, આરજેડીના સુરેન્દ્ર યાદવ, એનસીપીના સુપ્રિયા સુલે, આરએસપીના એનકે પ્રેમચંદ્રન, શિવસેનાના અરવિંદ સાવંત, આરએલપીના સાંસદ હનુમાન બેનીવાલ હાજર રહ્યા હતા.
વિરોધ પક્ષના નેતા માટે કેટલી બેઠકોની જોઈએ
10 વર્ષ બાદ કોંગ્રેસને લોકસભામાં વિપક્ષના નેતાનું પદ મળ્યું છે. વિપક્ષના નેતાનું પદ મેળવવા માટે લોકસભામાં કુલ બેઠકોમાંથી 10 ટકા બેઠકો મેળવવી જોઈએ. એટલે કે 55 સાંસદો જરૂર છે. 2014 અને 2019માં કોંગ્રેસ આ આંકડાથી દૂર રહી ગઈ હતી. જોકે આ વખતે સ્થિતિ થોડી અલગ છે. આ વખતે કોંગ્રેસ પાર્ટી પાસે 99 સાંસદ છે. આવી સ્થિતિમાં, કોંગ્રેસ પાસે સરકારને ઘેરવાની સારી તક છે.
એટલા માટે કોંગ્રેસ રાહુલને વિપક્ષના નેતા બનાવવા માંગતી હતી. 9 જૂને મળેલી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં કોંગ્રેસે એક પ્રસ્તાવ પાસ કરીને રાહુલને વિપક્ષના નેતા બનાવવાની માંગ કરી હતી. રાહુલ ગાંધી લગભગ 3 દશકાથી સક્રિય રાજનીતિ કરી રહ્યા છે. આ પહેલા પણ તેઓ પાર્ટીના અધ્યક્ષ હતા. પરંતુ ક્યારેય કોઈ બંધારણીય પદ પર ન હતા.
આ પહેલીવાર છે જ્યારે કોંગ્રેસ દ્વારા રાહુલને બંધારણીય પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે. વિરોધ પક્ષના નેતાનું પદ કેબિનેટ મંત્રીની સમકક્ષ છે. આ ઉપરાંત ઈડી-સીબીઆઈ-વિજિલન્સ અધિકારીએની નિમણૂકમાં પણ તેમનો રોલ હોય છે.





