Constitution Day 2024 History, Significance And Theme : બંધારણ દિવસ ભારતમાં દર વર્ષે 26 નવેમ્બરે ઉજવાય છે. આ વખતે 26 નવેમ્બર ભારત 10મો સંવિધાન દિવસ ઉજવશે. વર્ષ 2024માં ભારતમાં બંધારણની સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ થયા છે. ભારતના બંધારણમાં લોકશાહીને સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું છે. ભારતના બંધારણના સર્જનમાં સૌથી મોટું યોગદાન ડો. ભીમરાવ બાબાસાહેબ આંબેડકરનો છે. ભારતનું બંધારણ તમામ નાગરિકો માટે ન્યાય, સ્વતંત્રતા અને સમાનતાની ખાતરી કરે છે અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જાળવવા માટે ભાઈચારને પ્રોત્સાહન આપે છે. ચાલો બંધારણ દિવસનો ઇતિહાસ, મહત્વ અને થીમ વિશે વિગતવાર જાણીયે
Constitution Day History : બંધારણ દિવસનો ઇતિહાસ અને મહત્વ
- ભારતમાં લોકશાહી બંધારણ વર્ષ 1949માં અપનાવવામાં આવ્યું હતું.
- ભારતીય બંધારણના સ્વીકારની યાદમાં દર વર્ષે 26 નવેમ્બરે બંધારણ દિવસ ઉજવવામાં આવે છે.
- નાગરિકોમાં બંધારણીય મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે, કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે 19 નવેમ્બર 2015 ના રોજ જાહેરાત કરી હતી કે ભારત સરકાર દર વર્ષે 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવશે.
- દેશના બંધારણનું પાલન એ લોકશાહી સિદ્ધાંતોની યાદ અપાવે છે જે રાષ્ટ્રને માર્ગદર્શન આપે છે.
- આ દિવસને બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષ ડૉ. ભીમ રાવ આંબેડકરની 125મી જન્મજયંતિની યાદમાં જાહેર કરવામાં આવ્યો હતો.
- અગાઉ આ દિવસને કાયદો દિવસ તરીકે ઉજવવામાં આવતો હતો.
Constitution Day of India Significance : બંધારણ દિવસનું મહત્વ
આ વખતે 26 નવેમ્બરે ભારતમાં બંધારણ સ્વીકારના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને 10 સંવિધાન દિવસ પણ ઉજવી રહ્યો છે. બંધારણ એ ભારતના લોકશાહી, બિનસાંપ્રદાયિક અને સમતાવાદી માળખાને વ્યાખ્યાયિત કરતો મૂળભૂત દસ્તાવેજ છે. છેલ્લા સાત દાયકાઓમાં, તેણે ભારતના શાસનના મુખ્ય સિદ્ધાંતો – ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ખાતરી કરીને રાજકીય, સામાજિક અને આર્થિક પરિવર્તનો દ્વારા રાષ્ટ્રને માર્ગદર્શન આપ્યું છે. આ મૂલ્યોને દર વર્ષે બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે
ભારત સ્વતંત્ર થયા બાદ બંધારણ સભાએ ડૉ. બી.આર. આંબેડકરની આગેવાની હેઠળની સમિતિને બંધારણનો મુસદ્દો તૈયાર કરવાનું કામ સોંપ્યું. બંધારણ સભાની સ્થાપના 1946માં થઈ હતી અને તેના પ્રમુખ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ હતા. સ્વતંત્ર ભારત માટે બંધારણ ઘડવાનું મહત્ત્વપૂર્ણ અને સૌથી ઐતિહાસિક કાર્ય પૂર્ણ કરવામાં બંધારણ સભાને લગભગ ત્રણ વર્ષ લાગ્યાં. ભારતનું બંધારણ 1,17,360 શબ્દો (અંગ્રેજી સંસ્કરણમાં) સાથે વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે.
ભારતમાં બંધારણ 26 જાન્યુઆરી, 1950થી અલમમાં આવ્યું
- ભારતના બંધારણની પ્રસ્તાવના દેશને સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને લોકશાહી પ્રજાસત્તાક તરીકે જાહેર કરે છે.
- બંધારણનો ઉદ્દેશ્ય તમામ નાગરિકો માટે ન્યાય, સ્વતંત્રતા અને સમાનતા સુનિશ્ચિત કરવાનો છે અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જાળવવા માટે બંધુત્વને પ્રોત્સાહન આપવાનો છે.
- 1948ની શરૂઆતમાં, ડૉ. આંબેડકરે ભારતીય બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો અને તેને બંધારણ સભામાં રજૂ કર્યો.
- આ મુસદ્દો 26 નવેમ્બર, 1949ના રોજ કેટલાક ફેરફારો સાથે અપનાવવામાં આવ્યો હતો. ભારતીય બંધારણ 26 જાન્યુઆરી, 1950 ના રોજ અમલમાં આવ્યું, જેને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
- બંધારણ દિવસ એ ભારતના લોકશાહી બંધારણના ઘડવૈયાઓને શ્રદ્ધાંજલિ આપવાની અવસર છે.
- ભારતીય બંધારણ એ 271 પુરુષો અને સ્ત્રીઓનું કાર્ય છે જેઓ બંધારણ સભાનો હિસ્સો બન્યા હતા જેમણે તેનો મુસદ્દો તૈયાર કર્યો હતો.
- દરેક રીતે, બંધારણ કરોડો લોકો માટે સદીઓથી ચાલી રહેલા ભેદભાવ, આ્થિક, રાજકીય અને સામાજિક બહિષ્કારને સમાપ્ત કરનાર એક શક્તિશાળી મુક્તિની ઘોષણા તરીકે કામ કરે છે.
- બંધારણ દિવસ બંધારણ સભાની દ્રષ્ટિ અને પ્રયત્નોને સન્માન આપવા માટે ઉજવવામાં આવે છે, જેણે મહત્તમ વિચાર-વિમર્શ દ્વારા સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને લોકશાહી પ્રજાસત્તાક દેશનો પાયો નાખ્યો હતો.
બંધારણ દિવસ 2024 થીમ
કાયદા અને ન્યાય મંત્રાલયે આ મહિને 22 નવેમ્બરે જારી કરેલી અખબારી યાદીમાં જણાવ્યું હતું કે બંધારણીય આદર્શો વિશે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી – હમારા બંધારણ, હમારા સન્માન – અભિયાન દેશભરમાં શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રતિબદ્ધતાના અનુસંધાનમાં ડૉ. બીઆર આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટર ખાતે શરૂ કરાયેલ – આપણું બંધારણ, અમારું સન્માન – અભિયાનનો ઉદ્દેશ નાગરિકોની બંધારણની સમજને વધુ ઊંડો કરવાનો છે. ભારતીય સમાજને ઘડવામાં બંધારણના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો અને નાગરિકોને તેમના કાયદાકીય અધિકારો વિશે શિક્ષિત કરવાનો, બંધારણના મૂળભૂત સિદ્ધાંતો પ્રત્યેક ભારતીય સાથે સુસંગત રહે તે સુનિશ્ચિત કરવાનો વર્ષ-લાંબા અભિયાનનો હેતુ છે.





