Remal Cyclone, રેમલ ચક્રવાત : ભારતીય હવામાન વિભાગે ચક્રવાત રેમલને લઈને એલર્ટ જાહેર કર્યું છે. વિભાગના જણાવ્યા અનુસાર આ વાવાઝોડું 26 મેની રાત્રે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઇ ગઈ છે. બંગાળની ખાડીથી ઉઠતા આ તોફાનની ગતિ 110 થી 120 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે. સાથે જ તેની સ્પીડ 130થી 135 સુધી જવાની આશા છે. પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં તેની અસર શરુ થઇ ગઇ છે. કોલકાતામાં ઘણા સ્થળોએ ભારે વરસાદ શરૂ થયો છે. ભારે પવન ફુંકાઇ રહ્યો છે.
હવામાન વિભાગે વાવાઝોડા રેમલને લઈને 26 અને 27 મેના રોજ પશ્ચિમ બંગાળ અને ઓડિશાના તટીય વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી પણ જારી કરી છે. સાથે જ પૂર્વોત્તર ભારતના કેટલાક રાજ્યોમાં પણ ભારે વરસાદની આશંકા છે. વાવાઝોડાને ધ્યાનમાં રાખીને માછીમારોને ઉત્તરી બંગાળની ખાડીમાં દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.
ચક્રવાત રેમલની સંભવિત અસરને કારણે કોલકાતા એરપોર્ટથી એર ઇન્ડિયાની 300થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. રવિવારે બપોરથી 21 કલાક માટે એરપોર્ટ પરથી આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય બંને ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. કુલ 394 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.
એનડીઆરએફની ટીમો સંપૂર્ણપણે તૈયાર
રેમલ વાવાઝોડાને લઈને એનડીઆરએફની ટીમ પશ્ચિમ બંગાળના તટીય વિસ્તારોમાં પહોંચી ગઈ છે. બંગાળના 24 પરગણા જિલ્લામાં એનડીઆરએફના એક અધિકારીએ જણાવ્યું કે અમારી ટીમ રેમલ ચક્રવાત માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
આ પણ વાંચો – કેદારનાથ હેલિકોપ્ટરમાં ટેક્નિકલ ખામી સર્જાઈ, લોકોના જીવ તાળવે ચોંટ્યા, ઈમરજન્સી લેન્ડીંગ – જુઓ VIDEO
ચક્રવાતી તોફાનની અસર પશ્ચિમ બંગાળના તટીય વિસ્તારોમાં જોવા મળશે
આ ચક્રવાતી તોફાનની અસર મુખ્યત્વે પશ્ચિમ બંગાળના તટીય વિસ્તારોમાં જોવા મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પૂર્વોત્તર રાજ્યો ત્રિપુરા, આસામ, નાગાલેન્ડ અને મણિપુરમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના છે. ત્રિપુરાના પ્રાદેશિક હવામાન કેન્દ્રએ પણ 26 મેના રોજ વાવાઝોડા અને વરસાદની આગાહી કરી છે. આ સાથે ઝારખંડ અને બિહારમાં પણ તેની અસર જોવા મળી શકે છે.
માછીમારોને દરિયામાંથી બહાર આવી જવા સૂચના
IMDએ જણાવ્યું હતું કે, હવામાન પ્રણાલી 26 મે અને 27 મેના રોજ પશ્ચિમ બંગાળના દક્ષિણ અને ઉત્તર 24 પરગણા, પૂર્વ મેદિનીપુર, કોલકાતા, હાવડા અને હુગલી જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ થશે. 26 અને 27 મેના રોજ ઉત્તર ઓડિશા પર પણ તેની અસર પડશે. 27-28 મેના રોજ ઉત્તરપૂર્વ ભારતના ભાગોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. IMDએ કહ્યું કે પશ્ચિમ મેદિનીપુર, પૂર્વ બર્ધમાન અને નાદિયા જિલ્લામાં 26 અને 27 મેના રોજ ભારે વરસાદની સંભાવના છે. માછીમારોને 26 મે સુધી દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.





